આર્થિક ગુના દેશના અંર્થતંત્રને સીધી અસર કરતા હોવાથી આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં: સેશન્સ કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sessions Court on Financial Crime: અમદાવાદમાં બીજાના પાનકાર્ડ અને અંગત દસ્તાવેજોનો દુરુપયોગ કરી સોશિયલ કો-ઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવી 10 કરોડ રૂપિયાના બારોબાર વ્યવહારો કરવા અને ફરિયાદીને 1.62 કરોડ રૂપિયાની આવકવેરાની નોટિસ અપાવવા બદલ આરોપી પતિ-પત્ની (ભરત પોપટ અને હર્ષા પોપટ) સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ ધરપકડથી બચવા તેમણે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું કે આર્થિક ગુના દેશના અર્થતંત્રને સીધી અસર કરે છે અને આવા ગંભીર કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
અરજી ફગાવતા કોર્ટનું મહત્વનું અવલોકન
આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવતા કોર્ટે અવલોકન કર્યું હતું કે, આર્થિક ગુના દેશના અર્થતંત્રને સીધી અસર કરે છે. આ પ્રકારના ગંભીર ગુનાની તલસ્પર્શી તપાસ માટે આરોપીઓની પોલીસ કસ્ટડી જરૂરી છે. ભરત પટેલ અને હર્ષા પટેલ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પાનકાર્ડનો દુરુપયોગ કરી 10 કરોડ રૂપિયાના વ્યવહારો તથા 1.62 કરોડ રૂપિયાની આઈટી નોટિસ સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગુનામાં આરોપીઓએ ફરિયાદીનું પાનકાર્ડ તથા અન્ય અંગત દસ્તાવેજો મેળવીને સોશિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં ખાતું ખોલાવ્યું હતું.
શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી
આ ખાતામાંથી તેમણે ફરિયાદીની જાણ બહાર આશરે 10 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા હતા. આ નાણાકીય વ્યવહારોના કારણે આવકવેરા વિભાગ તરફથી ફરિયાદીને 1.62 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવા માટે શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. આ ગુનામાં પોલીસની સંભવિત ધરપકડથી બચવા માટે આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં એવી રજૂઆત કરી હતી કે, કેસમાં 8 વર્ષ જેટલો લાંબો વિલંબ થયો છે. સમગ્ર વિવાદ આઈટી વિભાગનો છે અને આમાં કોઈ ફોજદારી વિશ્વાસઘાત થતો નથી.
દેશના અર્થતંત્રને સીધી અસર પહોંચાડતો આર્થિક ગુનો
આરોપીઓની અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આરોપીઓ સામેનો ગુનો ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે. તેમણે 10 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો કરેલા છે. ભલે 8 વર્ષનો વિલંબ થયો હોય, પરંતુ આ કેસ દેશના અર્થતંત્રને સીધી અસર પહોંચાડતો આર્થિક ગુનો છે. આ કેસની તપાસ હાલમાં નાજુક તબક્કામાં હોવાથી આરોપી દંપતીની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઈએ.









