Ahmedabad

અમદાવાદમાં ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કેસ, પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના નામે ગઠિયાએ 1.20 લાખ પડાવ્યા

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘોડાસરામાં દંપતીને પ્રોપર્ટી કાર્ડ કઢાવવું ભારે પડ્યું છે. નારોલના મિત્ર રાજેશે સરકારી વિભાગોમાં ઓળખાણનો દાવો કરી 1.20 લાખ પડાવ્યા. તેણે AMC અને મહેસૂલ વિભાગના નાયબ અધિકારીના બોગસ સહી-સિક્કાવાળા બનાવટી જંત્રીના કાગળો પણ પધરાવી દીધા. ભાંડો ફૂટતાં જાર્વીબહેન કદમે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કેસ, પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના નામે ગઠિયાએ 1.20 લાખ પડાવ્યા

Ahmedabad Property Card Fraud: અમદાવાદના ઘોડાસરમાં કર્ણાવતી પાર્ક સોસાયટી પાસે રહેતા અને ગૃહ ઉદ્યોગ ચલાવતા દંપતીને પોતાના મકાનનું પ્રોપર્ટી કાર્ડ કઢાવવું ભારે પડ્યું છે. પાંચ વર્ષ જૂની મિત્રતાનો લાભ ઉઠાવી નારોલના યુવકે સરકારી વિભાગોમાં ઊંચી ઓળખાણ હોવાનો દાવો કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવાના બહાને 1.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના નાયબ અધિકારીના બોગસ સહી-સિક્કાવાળા બનાવટી જંત્રીના કાગળો પણ પધરાવી દીધા હતા. સમગ્ર મામલે ભાંડો ફૂટતાં ભોગ બનનાર મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આધાર કાર્ડ અને સ્કૂલ એડમિશનના કામ કરાવી વિશ્વાસ જીત્યો હતો

​ઘોડાસરમાં વનદેવી સોસાયટી પાછળ સ્મૃતિ મંદિર નજીક રહેતા 33 વર્ષીય જાર્વીબહેન કદમના પતિ વિનાયક કદમ ઘરેથી ખમણ બનાવવાનો ગૃહ ઉદ્યોગ કરે છે. તેના પતિને નારોલ ખાતે મંગલમૂર્તિ સોસાયટી સામે નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ પરીખ સાથે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા હતી. રાજેશે અગાઉ આધાર કાર્ડ અને સ્કૂલ એડમિશન જેવાં નાના-મોટાં કામ કરાવી આપી પરિવારનો વિશ્વાસ કેળવ્યો હતો અને સરકારી કચેરીઓમાં મોટા અધિકારીઓ સાથે સીધા સંપર્કો હોવાની બડાશ મારી હતી. ફેબ્રુઆરી 2025માં દંપતીએ તેના બંને મકાનનાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા અંગે વાત કરતાં રાજેશે 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.

અધિકારીની બોગસ સહી વાળા નકલી કાગળો આપ્યા

​ત્યારબાદ 18મી માર્ચ 2025થી રાજેશ મકાનનાં દસ્તાવેજો મેળવી કટકે-કટકે ક્યારેક ફાઇલ પ્રોસેસના નામે, તો ક્યારેક માપણીના બહાને રોકડા તેમજ ઓનલાઈન નાણાં પડાવતો રહ્યો હતો. થોડા સમય બાદ તેણે મહેસૂલ વિભાગ અને એએમસી નવા વાડજ ભીમજીપુરા સબ ઓફિસના નાયબ અધિકારી 'એન. નાયડુ'ની બોગસ સહી-સિક્કાવાળા બે જંત્રીના કાગળો આપ્યા હતા. જેમાં એક કાગળમાં 1,94,826 રૂપિયા અને બીજામાં 1,98,726 રૂપિયાની રકમ દર્શાવી ડીડી બનાવવા કહ્યું હતું. બાદમાં ડીડી કેન્સલ કરાવી નાણાં પોતાના ક્યૂઆર કોડ પર ટ્રાન્સફર કરવા દબાણ કરતાં દંપતીને શંકા ગઈ હતી.

દંપતીએ ભીમજીપુરા સબ ઓફિસ ખાતે જઈ તપાસ કરતાં આવા કોઈ અધિકારી ફરજ બજાવતા ન હોવાનું અને કાગળો સદંતર બોગસ હોવાનું ખૂલ્યું હતું. છેતરાયાનો અહેસાસ થતાં દંપતીએ નાણાં અને અસલ દસ્તાવેજો પરત માંગતાં આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આખરે જાર્વીબેને વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજેશ ઉર્ફે રાજુ પરીખ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.