આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો, ખાનગી સિક્યુરિટી એજન્સીનું લાઇસન્સ રદ કરાશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં ગણતરીના કલાકોમાં ઝડપાયેલા આરોપીએ પુરાવા રિકવરીની કાર્યવાહી દરમિયાન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હેબતપુર વિસ્તારમાં મોબાઈલ રિકવરીના પંચનામા વખતે આરોપીએ પીઆઈની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતાં થયેલી ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને ખુદ આરોપીને ગોળી વાગતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે નવો ગુનો નોંધ્યો છે. જ્યારે એવન સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી કરવા પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.
આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો
આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા દુષ્કર્મના બનાવ અંગે તાત્કાલિક એફઆઈઆર નોંધીને 10થી વધુ ટીમોની રચના કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીના મેડિકલ અને ડીએનએ સેમ્પલિંગ કરાવવામાં આવ્યા હતા અને તેણે ભોગ બનનારનો જે મોબાઈલ ફોન ચોરી લીધો હતો તે રિકવર કરવા માટે પોલીસ આરોપીને સાથે રાખીને હેબતપુર વિસ્તારમાં પંચનામું કરવા પહોંચી હતી. આ રિકવરી પંચનામું પૂરું થયું ત્યારે આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે આનંદનગરના પીઆઈની સર્વિસ પિસ્તોલ આંચકી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.
આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયો હતો, જેમાં અમારા પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કર્યો હતો, જેમાં થયેલી બીજી ઝપાઝપી દરમિયાન બીજો રાઉન્ડ ફાયર થયો અને ગોળી આરોપીના પગમાં વાગી હતી. ઘટના બાદ પોલીસ તાત્કાલિક આરોપી અને પોલીસ બંનેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ આરોપી અને પોલીસ કોન્સ્ટેબલ બંનેની સ્થિતિ સ્થિર છે અને કોન્સ્ટેબલને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં રેફર કર્યો છે. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી કર્મચારી પર ગંભીર ઈજા પહોંચાડવા, કાયદેસરની કસ્ટડીમાં અવરોધ ઉભો કરવા બદલ ગુનો નોંધીને બોડકદેવ પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.
હાલમાં આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાં છે, જ્યાં એક-બે દિવસ સુધી તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી શકે છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ જ તેને કોર્ટમાં રજૂ કરીને આગળની પૂછપરછ હાથ ધરાશે. આરોપીનો ભૂતકાળનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. આરોપી છેલ્લા ચાર વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને હેવન સિક્યુરિટીમાં તેને નોકરીએ જોડાયાને માત્ર ચાર દિવસ જ થયા હતા.
સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે એવન સિક્યુરિટી સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તેનું લાયસન્સ રદ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાશે. આ એજન્સીમાં કેટલાં કર્મચારીઓ કામ કરે છે તેની વિગતો એકત્રિત કરી આગળની લીગલ એક્શન લેવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ ઘટના હોય તેવું જણાય છે અને અગાઉ તેની વિરુદ્ધ આવી કોઈ હિસ્ટ્રી કે અરજી મળી આવી નથી.









