Ahmedabad

AMTSના ડ્રાઇવરે દારૂના નશામાં બસ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, એજન્સીને 50 હજારનો દંડ અને ચાલકને છૂટો કરાયો

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે AMTS બસના ડ્રાઇવર સુરેશ રાજપૂતે દારૂના નશામાં બસ ચલાવી અકસ્માત સર્જ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. AMTS અધિકારીએ પુષ્ટિ કરી ડ્રાઇવરને સેવામાંથી દૂર કર્યો અને એજન્સીને ₹50,000 દંડ ફટકાર્યો. કોંગ્રેસે તમામ ડેપોમાં બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ ફરજિયાત કરવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

AMTSના ડ્રાઇવરે દારૂના નશામાં બસ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, એજન્સીને 50 હજારનો દંડ અને ચાલકને છૂટો કરાયો

AMTS Bus Driver Drunk: અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે AMTSના રૂટ નંબર 143ની શટલ બસના ડ્રાઇવરે દારૂના નશામાં બસ ચલાવી માર્ગ પરથી પસાર થતા નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી હતી. બસના ડ્રાઇવર સુરેશ રાજપૂતે નશાની હાલતમાં બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. AMTSના અધિકારીએ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે અને સંબંધિત એજન્સીને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઘટના બાદ સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. જાહેર પરિવહનની બસ ચલાવતા ડ્રાઇવરની નશાની હાલતમાં હોવાની ઘટના સામે આવતાં બસચાલકોની તપાસ અને મુસાફરો સહિત રસ્તા પરથી પસાર થતા લોકોની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.

બસ ડેપોમાં ડ્રાઇવરોનો ટેસ્ટ કરવાની માગ

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રવક્તા અતિક સૈયદ દ્વારા આ ઘટના બાદ AMTSના તમામ બસ ડેપોમાં ડ્રાઇવરો બસ લઈને રૂટ પર નીકળે તે પહેલાં તેમનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ ફરજિયાત કરવાની માગ કરવામાં આવી છે. ડ્રાઇવરની નશાની સ્થિતિ ચકાસ્યા બાદ જ બસને રૂટ પર મોકલવામાં આવે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય છે. આ ઉપરાંત, જવાબદાર ડ્રાઇવર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની અને તેને કાયમી ધોરણે સેવામાંથી દૂર કરવાની માગ પણ કરવામાં આવી છે.

એએમટીએસના અધિકારીએ જણાવ્યું કે, 'ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો. તેને તાત્કાલિક અસરથી તેને કાઢી દેવામાં આવ્યો છે અને બસનું સંચાલન કરતી એજન્સી અરહમને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.'

AMTS અગાઉ પણ વિવાદોમાં આવી હતી

AMTS સાથે જોડાયેલી બસચાલન અને વ્યવસ્થાપન સંબંધિત ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. જુલાઈમાં એલિસબ્રિજ નજીક AMTS બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી. તે સમયે ડ્રાઇવર નશામાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

સપ્ટેમ્બરમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે AMTS અને BRTSના ડ્રાઇવરો વચ્ચે ઓવરટેકિંગના મુદ્દે વિવાદ થયો હતો. આ ઘટનાને કારણે બસ સેવા ખોરવાઈ હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, બે ઇલેક્ટ્રિક AMTS બસ એકસરખી નંબર પ્લેટ સાથે દોડતી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.