AMC નો ખેલ, ફરિયાદ નિવારણ એપમાં મર્યાદાઓ લાગુ કરી, એપમાં નવી અપડેટ બાદ નાગરિકોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation : અમદાવાદના નાગરિકો પોતાના વિસ્તારમાં રોડ પરના ખાડા, ગંદકી, રખડતાં ઢોર, પાણી ભરાવા, સ્ટ્રીટલાઈટ અને દબાણ સહિતની સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા CCRS એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જોકે, હવે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે બનાવવામાં આવેલી આ એપ્લિકેશન સામે જ ફરિયાદો ઊઠી છે.
ફરિયાદમાં મર્યાદા લાદી દેવાઈ
નવી અપડેટ બાદ એપમાં ફરિયાદ નોંધાવવાની મર્યાદા મૂકી દેવામાં આવી હોવાનો શહેરના જાગૃત નાગરિકોનો આક્ષેપ છે. એક દિવસમાં એકથી ત્રણ ફરિયાદ નોંધાવ્યા બાદ નવી ફરિયાદ નોંધાતી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીઆરએસ એપ્લિકેશન અપડેટ થયાના 70 દિવસ પછી આઈફોનમાં ચાલુ થઈ છે. આ અંગે CPGRAMS પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય, મેયર સુધી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાનો નાગરિકોનો આક્ષેપ છે.

ફરિયાદ નોંધાવવાની મર્યાદા દૂર કરવા માગ
આબાદ અમદાવાદ સંસ્થાના ચેરમેને જણાવ્યું કે, નવી અપડેટ કરાયેલી CCRS એપ્લિકેશનમાં કોઈપણ કેટેગરીમાં એક દિવસમાં ફરિયાદ કરવાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. ક્યારેક એક ફરિયાદ કર્યા પછી બીજી ફરિયાદ નોંધાતી નથી, તો ક્યારેક બે કે ત્રણ ફરિયાદ કર્યા બાદ નવી ફરિયાદ નોંધવાની મર્યાદા આવી જાય છે. અગાઉ એપ્લિકેશનમાં આવી કોઈ મર્યાદા નહોતી. નાગરિકો પોતાના વિસ્તારમાં અલગ-અલગ સમસ્યાઓ અંગે ફરિયાદ કરવા માગતા હોય ત્યારે આ મર્યાદાને કારણે મુશ્કેલી પડે છે. આથી ફરિયાદ નોંધાવવાની મર્યાદા દૂર કરવાની માગ કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, દાણાપીઠ ખાતે આવેલી કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં કમિશનરની ઓફિસ બીજા માળે આવેલી છે. ત્યાંના શૌચાલયમાં નળ ખરાબ થઈ ગયો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે, આ ફરિયાદનું પણ નિરાકરણ આવ્યું ન હતું અને તેના બદલે તેમનું પંચનામું કરવામાં આવ્યું હતું. નાગરિકોની ફરિયાદોનો નિકાલ લાવવા માટેની એપ્લિકેશનમાં જ ફરિયાદોનો ઉકેલ ન આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
નવા વાડજની ફરિયાદ ત્રણ વોર્ડમાં ફરતી રહી
આબાદ અમદાવાદ સંસ્થાના જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું કે, CCRS એપ છેલ્લા 70 દિવસથી આઈફોનમાં કામ કરતી ન હતી અને શુક્રવારના રોજ તે શરૂ થઈ છે. આ અંગે સોશિયલ મીડિયા અને ઈ-મેઈલના માધ્યમથી અનેક વિભાગો અને સંબંધિત ખાતાઓમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ સિવાય તેમણે નવા વાડજ રોડ પર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલની બાજુમાં રોડ પર પડેલા ખાડા અંગે એપ્લિકેશન મારફતે ફરિયાદ કરી હતી. જોકે, તેમની ફરિયાદ નવા વાડજ, બાપુનગર અને સ્ટેડિયમ વોર્ડમાં ફરતી રહી હતી. નવી એપ્લિકેશનમાં લોકેશન નાખતાં જ સંબંધિત વોર્ડ નક્કી થઈ જતો હોય તો ફરિયાદ ત્રણ અલગ-અલગ વોર્ડમાં કેમ ફરતી રહી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા કોર્પોરેશનના અધિકારીઓએ ગંભીરતાથી કામ કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ટેક્નિકલ સમસ્યાની અનેક જગ્યાએ ફરિયાદ કરાઈ
આ મામલે જાગૃત નાગરિકો દ્વારા CPGRAMS પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય અને મેયર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં એપ્લિકેશનની સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં નાગરિકોમાં અસંતોષ છે. એક તરફ નાગરિકોને ફરિયાદ નોંધાવવા માટે ડિજિટલ સુવિધા આપવામાં આવી છે, તો બીજી તરફ એપ્લિકેશનમાં જ ફરિયાદ નોંધાવવાની મર્યાદા અને ટેકનિકલ સમસ્યાઓ હોવાની રજૂઆત થઈ રહી છે.

અધિકારીઓ અંગત માહિતી બીજાને આપતા હોવાના આક્ષેપો કરાયા
ઓઢવના જાગૃત નાગરિકે જણાવ્યું કે, સિવિક સમસ્યાઓની ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે લાવવું તેની ટ્રેનિંગ લોકોને આપું છું. ફરિયાદીને ફરિયાદના સ્થળે બોલાવવામાં આવે છે. જો નથી આવતા તો ઘરે આવશે તેમ કહેવામાં આવે છે. અમે તમારી ઉપર સુધી ફરિયાદ કરીશું. કમિશનર પણ તમારા ઘરે વિઝિટ કરવા આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મેં થોડા સમય પહેલાં ઓઢવમાં કચરાની ફરિયાદ કરી હતી. તેમાં ગાય પણ આવી ગઈ હતી. તો કોર્પોરેશનના કર્મચારીઓએ ગાયને ઉપાડી લીધી હતી. તેના પછી ગાયના માલિકે પૂછપરછ કરતાં કર્મચારીઓએ મારું નામ, નંબર અને સરનામું આપી દીધું હતું. ગાયના માલિક મારા ઘરે 10થી 15 લોકો આવી ગયા હતા. મારવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં મર્યાદા નાખવા અંગેના આક્ષેપો ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે ફગાવ્યા
જોકે, આ આક્ષેપો અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, CCRS એપ્લિકેશન આઈફોનમાં પણ કામ કરે છે અને તેમાં ફરિયાદ નોંધાવવા માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. આમ, નાગરિકો એપ્લિકેશનમાં ફરિયાદ નોંધાવવા અને તેના ઉપયોગ અંગે સમસ્યાઓ જણાવી રહ્યા છે, જ્યારે કોર્પોરેશનના અધિકારીએ આ બંને આક્ષેપોનો ઈનકાર કર્યો છે.




