અમદાવાદ: GIDCનો કચરો ઉપાડવા કોર્પોરેશન નવી પોલિસી બનાવશે, નિર્ધારિત ચાર્જ ચૂકવનાર ઔદ્યોગિક એકમોને મળશે સેવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC New Policy for GIDC Waste Collection Ahmedabad: અમદાવાદની આસપાસ આવેલા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ(GIDC)ના વિસ્તારોમાં કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) નવી પોલિસી તૈયાર કરવામાં આવશે. GIDC દ્વારા નિર્ધારિત ચાર્જ ચૂકવીને પોતાના વિસ્તારનો કચરો કોર્પોરેશન મારફતે ઉપાડાવવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે કોર્પોરેશનના વહીવટી તંત્ર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થયા બાદ નવી પોલિસી તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
GIDCનો કચરો ઉપાડવા કોર્પોરેશન નવી પોલિસી બનાવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, જે GIDC પોતાના વિસ્તારનો કચરો ઉપડાવવા માટે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવતો ચાર્જ ચૂકવવા તૈયાર હશે, ત્યાંથી કોર્પોરેશન કચરો ઉપાડશે. આ રીતે ઔદ્યોગિક વિસ્તારોમાં કચરાના વ્યવસ્થિત નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઔદ્યોગિક એકમો દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવાની સમસ્યા ઘટાડવામાં પણ આ વ્યવસ્થા મદદરૂપ થઈ શકે છે. જોકે, નવી પોલિસીમાં કયા પ્રકારના કચરા માટે કેટલો ચાર્જ લેવામાં આવશે અને કચરો ઉપાડવાની કામગીરી કેવી રીતે હાથ ધરાશે તે વિગતો નક્કી થવાની બાકી છે.
શાકમાર્કેટમાં થડા ફાળવાયા છતાં ધંધો શરૂ ન કરનારા વેપારીઓની ફાળવણી રદ થશે
શહેરના જાહેર રસ્તાઓ પર શાકભાજી વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપીને દબાણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા કોર્પોરેશન દ્વારા ખાસ શાકમાર્કેટમાં થડા તૈયાર કરવામાં આવ્યા હતા. આ થડાની ફાળવણી ડ્રો સિસ્ટમથી કરવામાં આવી હતી. જો કે, થડા મળ્યા હોવા છતાં કેટલાક વેપારીઓએ ત્યાં ધંધો શરૂ કર્યો નથી. મોટાભાગના વેજીટેબલ માર્કેટ બંધ હાલતમાં છે, જ્યારે કેટલાક વેપારીઓ હજુ પણ જાહેર રસ્તાઓ પર જ વ્યવસાય કરતા હોવાનું કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે.
આ સ્થિતિને પગલે હવે ફાળવાયેલા થડાનો ઉપયોગ નહીં કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. જે વેપારીઓને ડ્રો મારફતે થડા ફાળવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ત્યાં નિયમિત ધંધો કરતા નથી, તેમની ફાળવણી રદ કરવાની યોજના છે. ત્યારબાદ ખાલી પડનારા થડા અન્ય જરૂરિયાતમંદ શાકભાજીના વેપારીઓને ફાળવવામાં આવશે. આ પ્રક્રિયાનો હેતુ ફાળવવામાં આવેલી જગ્યાનો વાસ્તવિક ઉપયોગ થાય અને રસ્તા પરના દબાણો ઘટે તેવો છે. જો વેપારીઓ ફાળવાયેલા માર્કેટમાં વ્યવસાય શરૂ કરે તો જાહેર માર્ગો પર થતી અવરજવર અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.
પીએમ આવાસની સોસાયટીઓ વહેલો વહીવટ સંભાળી શકશે, બે વર્ષ પહેલાં પણ હેન્ડઓવર કરવાની જોગવાઈ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલી રહેણાંક સોસાયટીઓના સંચાલન અને નિભાવ ખર્ચની જવાબદારી સોંપવાની પ્રક્રિયામાં હવે રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોસાયટીના સભ્યો બે વર્ષની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ વહીવટ અને નિભાવ ખર્ચની જવાબદારી સંભાળવા તૈયાર હોય તો તેમને વહેલી તકે આ સત્તા સોંપી શકાશે.
હાલની વ્યવસ્થા મુજબ, પીએમ આવાસ યોજનાની સોસાયટીઓમાં શરૂઆતના બે વર્ષ સુધી સંચાલન અને નિભાવ ખર્ચની જવાબદારી NGOને સોંપવામાં આવતી હતી. બે વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ સોસાયટીના રહીશોને વહીવટનું હેન્ડઓવર કરવામાં આવતું હતું. જો કે, કેટલીક સોસાયટીઓના રહીશો પોતે જ વહેલી તકે વ્યવસ્થા સંભાળવા ઇચ્છતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે બે વર્ષની મુદત પૂરી થવાની રાહ જોયા વિના, સોસાયટીના સભ્યો તૈયાર હોય તો તેમને નિભાવ અને સંચાલનની સત્તા અગાઉથી સોંપી શકાશે. આમ, સોસાયટીના સભ્યોની તૈયારી અને સંમતિના આધારે વહીવટ વહેલો સોંપવાનો માર્ગ ખુલશે.




