અમદાવાદ: પાર્કિંગનો ઉકેલ નહીં ને દંડની વસૂલાત શરૂ, AMCએ 2340 વાહનચાલકો પાસેથી ₹15.24 લાખ વસૂલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Parking Fine: અમદાવાદમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની સામે પાર્કિંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે રોડ અને ફૂટપાથ પર વાહન પાર્ક કરવાની સમસ્યા યથાવત છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાને બદલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગે રોડ-ફૂટપાથ પર વાહન પાર્ક કરનાર સામે કાર્યવાહી કરીને 24 દિવસમાં 2340 વાહનચાલકો પાસેથી 15.24 લાખ રૂપિયા દંડ પેટે વસૂલ્યા છે. એટલે કે પાર્કિંગની સમસ્યા યથાવત રહી છે, પરંતુ વાહનચાલકો સામે દંડ વસૂલાતની કાર્યવાહી તેજ બની છે.
AMCએ 2340 વાહનચાલકો પાસેથી ₹15.24 લાખ વસૂલ્યા
અમદાવાદના સતત વિસ્તરણ સાથે શહેરમાં વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો અમદાવાદમાં આવીને વસતા હોવાથી શહેર પર વાહનોનું ભારણ વધ્યું છે. મેટ્રો, એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન વ્યવસ્થા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોવાથી મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
સોસાયટી-કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ પાર્કિંગની મુશ્કેલી
શહેરની અનેક ખાનગી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બહારથી આવતા લોકો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ હોતી નથી. કેટલાક સ્થળે મુલાકાતીઓના વાહનો પાર્ક કરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી. પરિણામે નાગરિકો પાસે રોડની સાઇડ અથવા ફૂટપાથ પર વાહન મૂકવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. આવા વાહનો સામે ટ્રાફિક પોલીસ ઉપરાંત AMCના એસ્ટેટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાઇકોર્ટની ટકોર છતાં પાર્કિંગનો પ્રશ્ન યથાવત
અમદાવાદમાં ટ્રાફિક જામ, પાર્કિંગ અને દબાણના મુદ્દે હાઇકોર્ટ દ્વારા અગાઉ અનેક વખત AMCની કામગીરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. શહેરમાં વધતી પાર્કિંગની જરૂરિયાત સામે નવી પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવા તેમજ ખાનગી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ પાર્કિંગનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં પૂરતી કાર્યવાહી અંગે પણ સવાલો છે. બીજી તરફ રોડ પર વાહન મૂકનારા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાહનને લોક મારી દંડ વસૂલાય છે
AMCના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા રોડ અને ફૂટપાથ પર પાર્ક કરાયેલા વાહનોને લોક મારવામાં આવે છે. ત્યારબાદ નિયમ મુજબ દંડ ભર્યા પછી વાહનનું લોક ખોલવામાં આવે છે. છેલ્લા 24 દિવસમાં આવી કાર્યવાહી હેઠળ 2340 વાહનચાલકો પાસેથી કુલ 15.24 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
લોક ખોલવા મુદ્દે ખાનગી કર્મચારીઓ સામે આક્ષેપો
વાહનોને લોક મારવાની અને બાદમાં લોક ખોલવાની કામગીરીમાં એસ્ટેટ વિભાગ સાથે સંકળાયેલા ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની પણ ભૂમિકા હોવાની માહિતી છે. આ દરમિયાન વાહનનું લોક ખોલવાના નામે વાહનચાલકો પાસેથી તોડબાજી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આવા આક્ષેપોની તપાસ થાય તો દંડ વસૂલાતની સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
દબાણ હટાવવાની કામગીરીના આંકડા સામે પણ સવાલ
એસ્ટેટ વિભાગની સાતેય ઝોનની ટીમો દ્વારા લારી-ગલ્લા સહિતના દબાણો હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 દિવસમાં 1428 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. જોકે, શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ મોટી સંખ્યામાં લારી-ગલ્લા અને ફેરિયાઓ રસ્તા તથા ફૂટપાથ પર જોવા મળતા હોવાથી દબાણની સમસ્યા કેટલી હદે હલ થઈ છે તે અંગે સવાલ ઊભો થાય છે.
ઝોન પ્રમાણે દંડ વસૂલાતના આંકડા
ઝોન | વસૂલાયેલો દંડ (રકમ લાખમાં) |
મધ્ય | 3.13 |
ઉત્તર પશ્ચિમ | 2.66 |
પૂર્વ | 2.47 |
દક્ષિણ | 2.09 |
દક્ષિણ પશ્ચિમ | 1.87 |
ઉત્તર | 1.75 |
પશ્ચિમ | 1.25 |
કુલ | 15.24 |




