Ahmedabad

અમદાવાદમાં પીવાના પાણીની ટાંકીઓની સફાઈ અંગે ચિંતાજનક સ્થિતિ, છ મહિનામાં 241માંથી માત્ર 95 ટાંકીની જ સફાઈ થઈ

By GS Team
6 Oct 20264 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 241 વોટર ટેન્કમાંથી 146 ટાંકી છેલ્લા 6 મહિનામાં સાફ થઈ નથી. 21 ટાંકી તો 1 વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની છે. પૂર્વ ઝોનમાં એકપણ ટાંકી છેલ્લા 6 મહિનામાં સાફ થઈ નથી. અસારવા WDSમાં હાડકાં મળ્યા બાદ ટાંકીઓની સફાઈની કામગીરી હવે વોટર ઓપરેશન વિભાગ સંભાળશે. વર્ષમાં 2 વખત સફાઈ અને 311 પર રૅકોર્ડ અપલોડ કરવા કમિશનરે આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પીવાના પાણીની ટાંકીઓની સફાઈ અંગે ચિંતાજનક સ્થિતિ, છ મહિનામાં 241માંથી માત્ર 95 ટાંકીની જ સફાઈ થઈ
AI તસવીર

Ahmedabad Water Tanks Cleaning: અમદાવાદમાં વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીઓની સફાઈને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. નિયમ મુજબ પાણીની ટાંકીની દર છ મહિને સફાઈ કરવાની હોય છે, પરંતુ શહેરની કુલ 241 ટાંકીઓમાંથી માત્ર 95 ટાંકી એટલે કે 39.4 ટકા ટાંકીની જ છેલ્લા છ મહિનામાં સફાઈ કરવામાં આવી છે. જ્યારે 125 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના ગાળામાં કરવામાં આવી છે. આ ઉપરાંત 21 ટાંકી એવી છે જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એટલે કે 241માંથી 146 ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ નથી. તેમાં 21 ટાંકી એવી છે જે એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની છે.

  • પૂર્વ ઝોનમાં સૌથી અલગ સ્થિતિ જોવા મળે છે. અહીં કુલ 42 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકી છે, પરંતુ છેલ્લા છ મહિનામાં એક પણ ટાંકીની સફાઈ થઈ નથી. 41 ટાંકીની સફાઈ 6થી 12 મહિનાના ગાળામાં થઈ છે, જ્યારે એક ટાંકી એવી છે જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં 36માંથી માત્ર 9 ટાંકી છેલ્લા છ મહિનામાં સાફ થઈ છે. અહીં 20 ટાંકી 6થી 12 મહિનાના ગાળામાં સાફ થઈ છે, જ્યારે 7 ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની છે.
  • પશ્ચિમ ઝોનમાં પણ 40માંથી માત્ર 7 ટાંકી છેલ્લા છ મહિનામાં સાફ થઈ છે. અહીં 27 ટાંકી 6થી 12 મહિનાના ગાળામાં સાફ થઈ છે અને 6 ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ બાકી છે.
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ 28માંથી 26 ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 44માંથી 29 ટાંકી આ સમયગાળામાં સાફ થઈ છે. બીજી તરફ ઉત્તર ઝોનમાં 35માંથી 17 અને મધ્ય ઝોનમાં 16માંથી 7 ટાંકીની છેલ્લા છ મહિનામાં સફાઈ થઈ છે.

21 ટાંકી એક વર્ષથી વધુ સમયથી સફાઈ વગરની

કુલ 241 ટાંકીઓમાંથી 21 ટાંકી એવી છે જેને સાફ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમાં ઉત્તર પશ્ચિમની 7, પશ્ચિમની 6, ઉત્તર-6, પૂર્વની 1 અને દક્ષિણની 1 ટાંકીનો સમાવેશ થાય છે. આ 21 ટાંકીઓ કુલ ટાંકીઓના 8.7 ટકા છે. જ્યારે 125 ટાંકીઓની સફાઈ છેલ્લા 6થી 12 મહિનાના ગાળામાં થઈ છે. આમ, કુલ 220 ટાંકીઓની છેલ્લા એક વર્ષમાં સફાઈ થઈ છે, પરંતુ તેમાંથી માત્ર 95 ટાંકીઓ જ છ મહિનાના નિર્ધારિત સમયગાળામાં સાફ થઈ છે.

ઝોનવાઇઝ ટાંકીની સફાઈની સ્થિતિ

ઝોન
કુલ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન
છેલ્લા 6 મહિનામાં સફાઈ
6થી 12 મહિનામાં સફાઈ
1 વર્ષથી વધુ સમયથી સફાઈ બાકી
મધ્ય
16
7
9
0
પશ્ચિમ
40
7
27
6
ઉત્તર
35
17
12
6
પૂર્વ
42
0
41
1
દક્ષિણ
44
29
14
1
ઉત્તર પશ્ચિમ
36
9
20
7
દક્ષિણ પશ્ચિમ
28
26
2
0
કુલ
241
95
125
21

અસારવા WDSમાં હાડકાં મળ્યા બાદ ટાંકીની સફાઈ અંગે સવાલ

તાજેતરમાં અસારવાના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ટાંકીમાંથી હાડકાં મળી આવ્યા હતા. આ ટાંકીની છેલ્લી સફાઈ જાન્યુઆરી 2025માં થઈ હોવાનું સામે આવ્યું હતું. ટાંકીની સફાઈને લાંબો સમય વીતી ગયો હોવાની વાત સામે આવ્યા બાદ પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ અંગે સવાલો ઊભા થયા હતા.

45 લાખ લીટરની ટાંકી સાફ કરવા અંદાજે રૂપિયા 5.12 લાખ

પાણીની ટાંકીની સફાઈ માટે કોર્પોરેશન દ્વારા 10 હજાર લીટર દીઠ રૂપિયા 1,138 ચૂકવવામાં આવે છે. આ દર પ્રમાણે 45 લાખ લીટર ક્ષમતાની એક ટાંકીની સફાઈનો ખર્ચ અંદાજે રૂપિયા 5.12 લાખ થાય છે. જોકે, આ રકમ ટાંકીની સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવતી હોવાનું જણાવાયું છે.

હવે વૉર્ડ લેવલની જગ્યાએ વોટર ઓપરેશન વિભાગ સંભાળશે કામગીરી

અત્યાર સુધી પાણીની ટાંકીઓની સફાઈની કામગીરી વૉર્ડ લેવલેથી કરવામાં આવતી હતી. હવે આ કામગીરી વોટર ઓપરેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. કામગીરી માટે ‘વન ઝોન, વન એજન્સી’ની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક ઝોન માટે એક એજન્સીની નિમણૂક કરવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વર્ષમાં બે વખત સફાઈ અને 311 પર ત્રણ તબક્કાનો રૅકોર્ડ

કમિશનરના સર્ક્યુલર મુજબ હવે પાણીની ટાંકીની એક વર્ષમાં બે વખત સફાઈ કરવાની રહેશે. સફાઈની કામગીરીની ચકાસણી માટે ટાંકીની સફાઈ પહેલાં, કામગીરી દરમિયાન અને કામગીરી પૂર્ણ થયા બાદના ઇન્સ્પેક્શન રિપોર્ટ સ્માર્ટ સિટી-311 ઍપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. આ સાથે સફાઈ પહેલાંની, સફાઈ દરમિયાનની અને સફાઈ પૂર્ણ થયા બાદની સ્થિતિના ફોટોગ્રાફ્સ પણ રૅકોર્ડનો ભાગ બનશે. આથી કઈ ટાંકીની ક્યારે સફાઈ થઈ અને કામગીરી કઈ રીતે કરવામાં આવી તેનો ડિજિટલ રૅકોર્ડ જાળવી શકાશે.

અસારવાની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળ્યાના પગલે 45 હજાર ઘરોના પાણીની તપાસની માગ

અસારવા યુથ સર્કલના પ્રમુખે અનેક નાગરિકોની સહી સાથે મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવી અસારવાની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળવાની ઘટનાને પગલે તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ અસારવાની આ પાણીની ટાંકી અને પમ્પિંગ વ્યવસ્થા મારફતે આશરે 45 હજારથી વધુ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પત્રમાં ટાંકીની તાત્કાલિક સંપૂર્ણ સફાઈ અને સેનિટાઈઝેશન, પાણીના નમૂનાનું બેક્ટેરિયોલોજિકલ અને કેમિકલ પરીક્ષણ તથા તેના સત્તાવાર અહેવાલને જાહેર કરવાની માગ કરાઈ છે. ઉપરાંત ટાંકી અને પમ્પિંગ સ્ટેશનની સુરક્ષા વધારી 24 કલાક ગાર્ડ, CCTV અને પ્રવેશ વ્યવસ્થાની તપાસ કરવા રજૂઆત કરાઈ છે. અસારવા યુથ સર્કલના જણાવ્યા મુજબ સ્થાનિક રહેવાસીઓ દ્વારા અગાઉ ગંદા અને દુર્ગંધવાળા પાણી અંગે ફરિયાદો કરવામાં આવી હતી. પત્રમાં ટાંકીની છેલ્લી સફાઈ ક્યારે થઈ, તેની જાળવણીનો રૅકોર્ડ તપાસવા તેમજ કંકાલ મળવાની ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. સાથે જ પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ અને SOP અમલમાં મૂકવાની પણ રજૂઆત કરવામાં આવી છે.