અમદાવાદના વેપારીઓ સાવધાન, અડધુ પેમેન્ટ કરી લાખોની છેતરપિંડી કરતી ટોળકી સક્રિય, રાતોરાત પેઢી બંધ કરી 4 ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદના એસ.જી. હાઇવે પર એક સ્ટીલ ટ્રેડર્સના નામે વેપાર કરતા એક વેપારી પાસેથી ટેન્કર બનાવવાના બહાને આયરન શીટનો મોટો જથ્થો ખરીદીને કુલ રૂપિયા 37,83,902ની છેતરપિંડી થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ કેસમાં ચાર શખ્સોએ શરૂઆતમાં અલગ અલગ કંપનીઓના નામે કુલ રૂપિયા 1,02,31,265નો માલ ખરીદીને અમુક રકમ ચૂકવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ બાકીની રકમ ન ચૂકવી, ફોન બંધ કરી તથા ખોટા સરનામા આપીને પેઢીઓ રાતોરાત બંધ કરી ફરાર થઈ જતા ભોગ બનનાર વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી દિનેશકુમાર શાંકળચંદ રામી અમદાવાદના એસ.જી. હાઇવે પર કર્ણાવતી સ્ટીલ ટ્રેડર્સ નામની પેઢી ચલાવી આયરન શીટનો બિઝનેસ કરે છે. ગત સપ્ટેમ્બર 2020માં હિતેશ પંચાલ અને કમલેશ પંચાલ તેમની પેઢીએ આવ્યા હતા અને ટેન્કર બનાવવા માટે આયરન શીટની જરૂર હોવાનું જણાવી વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેમણે મેસર્સશ્રી મણિભદ્ર ફેબ્રીકેશન કંપનીના નામે જાન્યુઆરી 2021 સુધીમાં રૂપિયા 69,66,337નો માલ ખરીદ્યો હતો અને ટુકડે ટુકડે રૂપિયા 43,80,252 ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા 25,86,085 થોડા સમયમાં આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ હિતેશે કંપનીનું નામ બદલીને એસ.કે. એન્ટરપ્રાઇઝ રાખ્યું હોવાનું જણાવી નવા નામે 24 માર્ચ 2021 સુધીમાં વધુ રૂપિયા 32,64,928ની આયરન શીટો ખરીદી હતી અને તેની સામે રૂપિયા 20,67,111 ચૂકવ્યા હતા.
આમ, હિતેશ પંચાલ, ઋતુજા પંચાલ, કમલેશ પંચાલ અને સંદિપકુમાર કૈલાશે તારીખ સપ્ટેમ્બર 2020થી માર્ચ 2021 સુધીમાં કુલ રૂપિયા 1,02,31,265નો માલ ખરીદ્યો હતો. જેમાંથી તેઓએ કુલ રૂપિયા 64,47,363 ચૂકવ્યા હતા અને બાકી નીકળતા રૂપિયા 37,83,902 ચૂકવ્યા ન હતા. ફરિયાદીએ બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીઓ બહાના બતાવતા હતા અને ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદીએ તેઓએ આપેલા ગાંધીનગર અને નરોડાના સરનામે જઈને તપાસ કરતા ત્યાં આવી કોઈ કંપની કે આરોપીઓ મળી આવ્યા ન હતા. આરોપીઓએ ખોટા સરનામા આપી, કંપનીઓ બંધ કરી દઈને ફરિયાદી સાથે રૂપિયા 37,83,902 ની છેતરપિંડી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.




