'હું એના વગર નહીં જીવી શકું...' પતિએ તરછોડતા પેટલાદની દીકરીએ સાબરમતીમાં ઝંપલાવી જીવ ટૂંકાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) ખાતે પેટલાદની એક 17 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિના સતત શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવાના વર્તનથી કંટાળીને સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રેમલગ્ન બાદ પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો
મળતી માહિતી મુજબ, મૃતક સગીરાએ ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ પતિ ફરદીન શેખ દ્વારા તેને સતત શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. ત્રાસની હદ ત્યારે વટાવી ગઈ જ્યારે પતિએ તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. સતત મળતા ત્રાસ અને ઘરબાર વિનાની થઈ ગયેલી સગીરાએ અત્યંત હતાશ થઈને સાબરમતી નદીમાં કૂદી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
સગીરાનો અંતિમ વીડિયો
સગીરાએ વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. અંતિમ વીડિયોમાં સગીરાએ કહ્યું કે, 'હું મારી પોતાની મરજીથી આ દુનિયા છોડી રહી છું. મને મારી અમ્મી, મારા ભાઈઓ અને મારા પપ્પાએ બહુ સારી રીતે રાખ્યા હતા, મારી દરેક ખુશીઓ પૂરી કરી હતી અને મારી પોતાની પસંદગીથી જ મારા લગ્ન પણ કરાવ્યા હતા. પરંતુ ખબર નહીં કેમ પણ તેમણે મને છોડી દીધી અને ડિવોર્સ આપી દીધા અને હવે હું તેના વગર બિલકુલ જીવી શકતી નથી. આજ સાત દિવસ થઈ ગયા છે, મેં તેની પાસે ઘણી માફી માંગી અને હું તેના પગે પડવા પણ તૈયાર થઈ ગઈ, પણ તેને મારા પર સહેજ પણ દયા ન આવી અને મને અપનાવવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી છે અને મેરી રૂહ પહલે મર ગઈ, આજ શરીર માર રહી હું, અમ્મી તું તારું પોતાનું ધ્યાન રાખજે.'
પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
ઘટના અંગે જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સગીરાને આપઘાત કરવા મજબૂર કરવાના ગંભીર મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. મૃતકના આરોપી પતિ ફરદીન શેખ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




