Ahmedabad

અમદાવાદ:'નોરતા નગરી' ગરબામાં ₹8-10 કરોડનું ટિકિટ કૌભાંડ!, 4 શખસો સામે નોંધાઈ ફરિયાદ

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં 'નોરતા નગરી' ગરબાના આયોજકો વચ્ચે કરોડોની ટિકિટ ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે. અર્જુન ભૂતિયાએ દર્શન શાહ સહિત 4 સામે 8થી 10 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો છે. સ્પોન્સર અને પરિચિતો માટેની કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને ગેરકાયદેસર રીતે વેચી મારવામાં આવી હતી. સરખેજ પોલીસે ગુનો નોંધી, ટિકિટ રેકોર્ડ્સ અને બેંક ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ:'નોરતા નગરી' ગરબામાં ₹8-10 કરોડનું ટિકિટ કૌભાંડ!, 4 શખસો સામે નોંધાઈ ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના સરખેજ પોલીસ મથકે વર્ષ 2025માં ‘નોરતા નગરી’ ગરબા મહોત્સવના આયોજનમાં સામેલ ભાગીદારો વચ્ચે કરોડો રૂપિયાની ટિકિટ ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાઈ છે. સ્પોન્સર્સ અને પરિચિતો માટે રાખવામાં આવેલી કમ્પ્લિમેન્ટરી ગરબા ટિકિટોને ગેરકાયદે રીતે પેઇડ ટિકિટોમાં રૂપાંતરિત કરીને ઓનલાઈન તથા ઓફલાઈન વેચી મારવામાં આવી હોવાનો આરોપ છે, જેના કારણે અન્ય ભાગીદારોને 8થી 10 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે.

જાણો શું છે મામલો

ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત 36 વર્ષીય અર્જુન ભૂતિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સરખેજ પોલીસે પાશ્વ જ્વેલર્સના દર્શન શાહ, તેમના મેનેજર જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર, અર્જુન ભૂતિયાએ જીગર ચૌહાણ, કૃષ્ણ ગઢવી અને દર્શન શાહ સાથે મળીને 'નોરતા નગરી' ગરબા કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે 'એએઆઈ ઇવેન્ટ્સ' (AAI Events)ના નામે નોટરાઇઝ્ડ ભાગીદારી કરાર કરવામાં આવ્યો હતો. દર્શન શાહની ભલામણથી તેના મેનેજર જયેશ પરમારને પણ આ ભાગીદારીમાં સામેલ કરાયા હતા.

આયોજન દરમિયાન નક્કી થયા મુજબ, 'ઝોમેટો' એપના 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવાનું હતું, જ્યારે દરરોજ આશરે 4,000 જેટલી ટિકિટો સ્પોન્સર્સ અને ઓળખીતાઓ માટે કમ્પ્લિમેન્ટરી તરીકે રાખવાની સંમતિ થઈ હતી. ભાગીદારોની લેખિત કે મૌખિક સંમતિ વિના વધારાની કોઈ ટિકિટ આપવી નહીં તેવો નિયમ બનાવવામાં આવ્યો હતો.

જોકે, ગરબા મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બે અજાણ્યા શખસો ગેરકાયદે રીતે ટિકિટો વેચતા ઝડપાયા હતા. પૂછપરછ દરમિયાન તેમણે 'ટિકિટ ટાવર' કંપનીના ઉમંગ પાસેથી આ ટિકિટો મળી હોવાનું જણાવ્યું હતું. ઉમંગનો સંપર્ક કરતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે આ ટિકિટો તેને દર્શન શાહ દ્વારા આપવામાં આવી હતી અને તેઓ મૂળ કમ્પ્લિમેન્ટરી ટિકિટો જ વેચી રહ્યા હતા. તે સમયે કાર્યક્રમ ખોરવાય નહીં તે હેતુથી ભાગીદારોએ તાત્કાલિક કોઈ પગલાં લીધા નહોતા.

ગરબા પૂર્ણ થયા બાદ ભાગીદારોએ 'ડિસ્ટ્રિક્ટ' પ્લેટફોર્મ પરથી ટિકિટિંગ ડેટા મેળવ્યો ત્યારે કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ઝોમેટો પાસે સ્પષ્ટતા માગવામાં આવતા જાણવા મળ્યું કે કમ્પ્લિમેન્ટરી ટિકિટો દર્શન શાહના કન્સલ્ટન્ટ મારફતે તેમના ભત્રીજા રવિ શાહને મોકલવામાં આવી હતી અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકીને વેચી દેવાઈ હતી. ભાગીદારોએ જ્યારે દર્શન શાહ પાસે આ વ્યવહારો અંગે ખુલાસો માગ્યો ત્યારે તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. દર્શન શાહ, જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈએ અન્ય ભાગીદારોની જાણ બહાર કમ્પ્લિમેન્ટરી ટિકિટો ગેરકાયદે વેચી આશરે 8થી 10 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે.

સરખેજ પોલીસે ભાગીદારી કરાર, ટિકિટ રેકોર્ડ્સ, બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ અને ઝોમેટોના ટ્રાન્ઝેક્શન ડેટા એકત્રિત કરીને આરોપીઓની ભૂમિકા અને નાણાકીય ગેરરીતિની ચોક્કસ રકમ અંગે વધુ તપાસ હાથ ધરી છે.