અમદાવાદ: કેડિલા બ્રિજ પર બંધ પડેલા ડમ્પર પાછળ સ્ટાફ બસ ધડાકાભેર અથડાઈ, 3 લોકો ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident News: અમદાવાદના ઈસનપુરથી જશોદાનગર તરફ જતા કેડિલા બ્રિજ પર શુક્રવારે (24મી ઓક્ટોબર) રાત્રે માર્ગની વચ્ચે બંધ પડેલા કચરાના ડમ્પર પાછળ ખાનગી કંપનીની સ્ટાફ બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસ ચાલક સહિત ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામેથી આવી રહેલી એક કારે અચાનક ડીપર લાઇટ મારતાં તેને બચાવવાના પ્રયાસમાં બસ ડમ્પર સાથે અથડાઈ ગઈ હતી. બનાવ અંગે 'જે' ડિવિઝન ટ્રાફિક પોલીસે જાણવાજોગ નોંધ કરીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નરોડા આદિશ્વરનગર ખાતે રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાણંદ સ્થિત કંપનીમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે રાત્રે તેઓ કંપનીના સ્ટાફને લઈને પરત અમદાવાદ ઉતારવા આવી રહ્યા હતા. આ દરમિયાન કેડિલા બ્રિજ પર પહોંચતાં રોડની વચ્ચોવચ કચરાનું એક ડમ્પર બંધ હાલતમાં ઊભું હતું.
બસ પસાર થઈ રહી હતી તે જ વખતે ખાલી સાઇડમાંથી એક કાર ચાલકે ડીપર લાઇટ મારીને વાહન હંકારી મૂકતાં, કાર સાથેની ટક્કર ટાળવા જતાં બસ સીધી માર્ગ પર ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક નરેન્દ્રસિંહ ઉપરાંત દરવાજા પાસે ઊભેલા કંપનીના કર્મચારીઓ વિશાલસિંહ બારોટ અને અશોકકુમાર પરમારને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા.




