અમદાવાદ : જમીનનો પાવર આપવા રૂ. 2 કરોડની ઉઘરાણી અને વ્યાજખોરોના ત્રાસથી શાહઆલમના બિલ્ડરે ગળે ફાંસો ખાધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shah E Alam Builder Died News : અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 50 વર્ષીય આરીફ કુરેશીએ જમીનના બાકી લખાણ માટે મિત્ર દ્વારા કરાતી રૂ.2 કરોડની ઉઘરાણી તેમજ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર અબ્દુલહમીદ આરીફ કુરેશીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જમીન માલિક દિલાવરખાન પઠાણ સહિત નાણાં ધીરધાર કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શાહઆલમની કીર્તી કુંજ સોસાયટીમાં રહેતા આરીફ કુરેશીએ સપ્ટેમ્બર 2022માં તેમના મિત્ર દિલાવરખાન ઉમરખાન પઠાણ (રહે. મુસ્લિમ સોસાયટી, દાણીલીમડા) પાસેથી દાણીલીમડા ગામના પટેલનું મેદાન, સિકંદર માર્કેટ ખાતે આવેલી 275 વાર જમીન રૂ. 1,64,85,000 ચૂકવીને ખરીદી હતી. બાદમાં ટુકડે-ટુકડે અન્ય જમીનો પણ રાખી હતી. દિલાવરખાને આશરે 1500 વાર જમીનના પાવર ઓફ એટર્ની કરી આપ્યા હતા, પરંતુ બાકીની આશરે 700 વાર જમીનના નાણાં ચૂકવાઈ ગયા હોવા છતાં લખાણ કે પાવર કરી આપ્યા નહોતા. આ દરમિયાન જમીનના ભાવ વધતાં દિલાવરખાને બાકીની જમીનનો પાવર આપવા માટે વધુ રૂ. 2 કરોડની માગણી શરૂ કરી હતી અને રૂપિયા ન આપે તો ફ્લેટ ડિમોલિશન કરાવી દેવાની ધમકી આપી અવારનવાર ઓફિસે બોલાવી મારઝૂડ કરી અપમાનિત કર્યા હતા.
દિલાવરખાનના ત્રાસમાંથી છૂટવા માટે આરીફભાઈએ પરિચિત ફિરોજખાન સુલતાનખાન (રહે. જ્યોતિ પાર્ક, શાહઆલમ) પાસેથી પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ફિરોજખાને પોતાના પુત્ર પરવેજખાન પાસેથી 30% વ્યાજે રૂ. 20 લાખ અપાવ્યા હતા. વર્ષ 2025 સુધીમાં વ્યાજ સહિત રૂ. 20 લાખ ચૂકવી દીધા હોવા છતાં પરવેજખાન અને ફિરોજખાન અવારનવાર ઘરે આવી વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હતા. આ ઉપરાંત પરવેજખાને પોતાના મામા હકીમખાન વસીરખાન પઠાણ (રહે. રખિયાલ) પાસેથી રોજના રૂ. 15 હજાર વ્યાજ ચૂકવવાની શરતે રૂ. 15 લાખ વ્યાજે અપાવ્યા હતા.
ગત 23 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદી અને તેમના પિતા રિવરફ્રન્ટ પરથી પસાર થતા હતા ત્યારે પરવેજખાને પીછો કરી રસ્તામાં રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બે માસ અગાઉ પરવેજખાન અને હકીમખાને ફરિયાદીના ઘરે જઈ મહિલા સભ્યોને ધમકાવી ઘરમાં પૂરી દઈ બહારથી તાળું મારી દીધું હતું. આરોપીઓના સતત શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને આરીફ કુરેશીએ ગત 10 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે દાણીલીમડા પોલીસે ચાર આરોપીઓ સામે દુષ્પ્રેરણા અને નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




