દરરોજ 25 લાખ કિલો શાકભાજી ઝાપટી જતા અમદાવાદીઓ, કોબિજ-વટાણાનો વપરાશ સૌથી વધુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad vegetable market: આજે જમવામાં કયું શાક બનાવવું? આ જ સવાલથી રોજ ગૃહિણીઓના દિવસની શરૂઆત થાય છે. સાવ સામાન્ય લાગતો આ પ્રશ્ન નોંધપાત્ર બાબત તરફ દોરી જાય છે. એક વ્યક્તિ રોજ માંડ 100થી 150 ગ્રામ શાકભાજી ખાય છે. ત્યારે 80 લાખ જેટલા અમદાવાદીઓ દરરોજ કેટલી શાકભાજી આરોગી જતા હશે? આ વાતનો જવાબ અચરજ પમાડે તેવો છે. જમાલપુર અને વાસણા એપીએમસી યાર્ડમાં નોંધાયેલી આવક પ્રમાણે દરરોજ 2500 ટન એટલે 25 લાખ કિલો શાકભાજી વાડીમાંથી સ્વાદપ્રિય અમદાવાદીઓની થાળીમાં પહોંચે છે. જ્યારે દર વર્ષે શહેરીજનો 2400 કરોડની 91 લાખ ક્વિન્ટલ શાકભાજી આરોગી જાય છે.
65થી 70 પ્રકારના શાકભાજીની આવક
કોઈ શાકભાજીના નામ પૂછે ત્યારે ડુંગળી, બટાકા, ટામેટા, રીંગણ, ભીંડા, મરચાં વગેરે 10-15 શાકભાજીના નામ જ યાદ આવે છે. જ્યારે અમદાવાદની બજારોમાં રોજ દેશી બટાકાથી લઇને વિદેશી વાનગીઓમાં વપરાતી બ્રોકલી, ઝુકીની સહિત 65થી 70 પ્રકારના શાકભાજી ઠલવાઈ રહ્યા છે. ક્યારેક તો એક જ શાકભાજીના ત્રણથી ચાર જુદા-જુદા પ્રકાર જોવા મળે છે.
106 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક
સત્તાવાર આંકડા મુજબ જમાલપુર સ્થિત અમદાવાદના સૌથી મોટા સરદાર પટેલ માર્કેટ યાર્ડ અને વાસણાના ચીમનભાઇ પટેલ માર્કેટમાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી 106 લાખ ક્વિન્ટલ શાકભાજીની આવક નોંધાઇ છે. જાણકારોના મતે કુલ આવકમાંથી માત્ર 10થી 15 ટકા શાકભાજી અમદાવાદથી બહાર આસપાસના ગામોમાં તેમજ રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે. જ્યારે 85 ટકા એટલે કે આશરે 91 લાખ ક્વિન્ટલ શાકભાજી અમદાવાદમાં જ વપરાઈ જાય છે.
બદલાતા વાતાવરણની ભાવો પર અસર
માત્ર ઘરોમાં જ નહીં, શહેરમાં ધમધમતા ખાણીપીણી બજારોમાં પણ રોજ મોટી સંખ્યામાં શાકભાજીનો વપરાશ થાય છે. વર્ષ 2024-25 કરતા વર્ષ 2025-26માં શાકભાજીની આવક 200 ક્વિન્ટલ વધારે થઈ હોવા છતાં વારે-તહેવારે તેમજ બદલાતા વાતાવરણની જેમ ભાવમાં પણ વારંવાર વધારો-ઘટાડો જોવા મળે છે.
14 રાજ્યો અને 15 જિલ્લામાંથી અમદાવાદમાં શાકભાજીની આવક
જમાલપુર શાક માર્કેટ બહાર મોડી રાતના અંધારામાં જ શાકભાજી ભરેલા ટ્રકોની કતારો લાગવાનું શરૂ થઈ જાય છે. જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢથી લઈને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ સહિત 14થી વધુ રાજ્યમાંથી શાકભાજી આવે છે. જ્યારે અમદાવાદ જિલ્લાના વિવિધ ગામ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણથી લઈને ખેડા, ગાંધીનગર, બોરસદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વલસાડ, રાજકોટ સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાંથી પણ શાકભાજી આવે છે.










