Ahmedabad

અમદાવાદ: નવરાત્રિ મહોત્સવ પૂર્વે 55થી 60 અરજીઓ સામે માત્ર 3 ગરબા આયોજકોને ફાયર NOC મળી!

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવને લઈ ફાયર વિભાગે સુરક્ષા કડક બનાવી છે. અત્યાર સુધીમાં 55-60 અરજીઓમાંથી માત્ર 3 મોટા આયોજકોને જ NOC અપાઈ છે. બાકીની અરજીઓ માટે ફાયર વિભાગની ટીમો દ્વારા 30 સુરક્ષા નિયમોની સ્થળ તપાસ ચાલી રહી છે. AC ડોમમાં શોર્ટ સર્કિટના જોખમને ધ્યાને લઈ, રિયાલિટી ચેક બાદ જ અંતિમ મંજૂરી અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નવરાત્રિ મહોત્સવ પૂર્વે 55થી 60 અરજીઓ સામે માત્ર 3 ગરબા આયોજકોને ફાયર NOC મળી!

Navratri 2026: આગામી રવિવાર (11મી ઓક્ટોમ્બર)થી શરૂ થતાં નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં મોટા પાયે યોજાતા ગરબા મહોત્સવ માટે ફાયર વિભાગ પાસે અત્યાર સુધીમાં 55થી 60 જેટલા આયોજકો તરફથી ફાયર NOC ((નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવા માટે અરજીઓ આવી છે. જેમાંથી પ્રાથમિક તબક્કે નિયમ મુજબના તમામ સુરક્ષા ધોરણો પૂર્ણ કરતા માત્ર 3 મોટા આયોજકોને જ મંજૂરી આપવામાં આવી છે. બાકીની તમામ અરજીઓ સંદર્ભે ફાયર વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા હાલ સ્થળ તપાસ તેજ કરવામાં આવી છે.

30 સુરક્ષા નિયમોની ઝીણવટભરી ચકાસણી બાદ જ મળશે અંતિમ મંજૂરી

​અમદાવાદ ફાયર વિભાગના જણાવ્યાનુસાર, શહેરમાં હાલ મોટા ગરબા ગ્રાઉન્ડ્સ અને એસી ડોમ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જ્યાં સાધન-સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ તમામ કામગીરી આગામી બેથી ત્રણ દિવસમાં પૂર્ણ થવાની શક્યતા છે. જેથી એડિશનલ ચીફ ફાયર ઓફિસર તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતની ખાસ ટીમો સ્થળ પર જઈને ફાયર એક્સ્ટિન્ગ્યુઇશર, પૂરતા પ્રમાણમાં ઇમરજન્સી એક્ઝિટ પોઇન્ટ્સ અને ફાયર ટેન્ડર પ્રવેશી શકે તેટલી રસ્તાની પહોળાઈની સહિતના 30 નિયમોની ઝીણવટભરી ચકાસણી કરશે.

શનિવાર અને રવિવાર સુધીમાં આ તમામ અરજીઓનો આખરી નિકાલ કરવામાં આવશે અને તમામ નિયમોનું 100 ટકા પાલન જણાશે ત્યારબાદ જ અંતિમ એનઓસી આપવામાં આવશે જો નિયમોનું પાલન થતું નહીં હોય તો એનઓસી આપવામાં આવશે નહીં.

​એસી ડોમમાં આગ-શોર્ટ સર્કિટના જોખમ સામે રિયાલિટી ચેક કરી મંજૂરી આપશે

આ વર્ષે અમદાવાદમાં બંધ કવર્ડ એસી ડોમમાં ગરબા આયોજનોનું પ્રમાણ નોંધપાત્ર છે. આવા બંધ સ્થળોએ શોર્ટ સર્કિટ કે આગ જેવી ઇમર્જન્સી વખતે નાસભાગ ન સર્જાય તે માટે સેન્ટ્રલાઇઝ્ડ ફાયર સિસ્ટમ અને પૂરતા એક્ઝિટ ગેટ્સ હોવા અત્યંત જરૂરી છે. ફાયર વિભાગ સેટઅપ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસીને જ અંતિમ મંજૂરી આપવાની નીતિ અપનાવી રહ્યું છે.