અમદાવાદ: AMCમાં નિયમો નેવે મુકાયા! ટેન્ડર વિના ત્રણ એજન્સીઓને પાંચ કરોડનું કામ સોંપાયું, 180 પટ્ટાવાળા રાખવાની દરખાસ્ત મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC 180 Peons Recruitment Outsourcing Contract: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)માં પટ્ટાવાળાની ભરતી માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ ત્રણ એજન્સીઓ પાસેથી 180 પટ્ટાવાળાની સેવા મેળવવા માટે આશરે પાંચ કરોડ રૂપિયાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. ટેન્ડર પ્રક્રિયા વિના કામ સોંપવાની આ વ્યવસ્થામાં એજન્સીઓને કરારપત્ર ભરવા અને ડિપોઝિટ જમા કરાવવાની શરતોમાંથી પણ મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની શરત સાથે મંજૂર થયેલી આ દરખાસ્તને પગલે કોર્પોરેશનના વહીવટમાં નિયમોનું પાલન અને જવાબદારી અંગે સવાલો ઊભા થયા છે.
ટેન્ડર વિના ત્રણ એજન્સીઓને પાંચ કરોડનું કામ સોંપાયું
કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં પટ્ટાવાળાની અછત હોવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એજન્સી અને પ્રા. લિ. પાસેથી આઉટસોર્સિંગના માધ્યમથી 60-60 પટ્ટાવાળા મેળવવાનું આયોજન છે. આમ, કુલ 180 પટ્ટાવાળાની સેવા માટે ત્રણ એજન્સીઓ પર આધાર રાખવામાં આવશે. નિયમિત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ નિયત એજન્સીઓ પાસેથી સેવા લેવાની જોગવાઈને કારણે ટેન્ડર પ્રક્રિયાની જરૂરિયાત અને તેની સમયમર્યાદા અંગે સવાલો ઊભા થયા છે.
180 પટ્ટાવાળા રાખવાની દરખાસ્ત મંજૂર
કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા બાદ નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ થતી હોવાની ચર્ચા અગાઉ પણ થતી રહી છે. નવા ટેન્ડર મંજૂર ન થાય ત્યાં સુધી જૂની એજન્સીઓ પાસેથી કામગીરી ચાલુ રાખવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સમયસર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં અને વચગાળાની વ્યવસ્થાનો લાભ કઈ એજન્સીઓને મળે છે, તેવા સવાલો ઊભા થયા છે.
અગાઉના ઠરાવના આધારે ફરી આઉટસોર્સિંગનું કામ અપાયું
પટ્ટાવાળાઓને આઉટસોર્સિંગથી રાખવા માટે 22 ઓગસ્ટ, 2025ના રોજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. અગાઉના ઠરાવનો આધાર લઈને હાલની વ્યવસ્થા આગળ ધપાવવામાં આવી હોવાનું જણાવાયું છે. અગાઉની દરખાસ્તોમાં 164 પટ્ટાવાળા માટેના ખર્ચ અને 288 પટ્ટાવાળાને બે વર્ષ માટે રાખવાના ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ખર્ચની ગણતરી મુજબ એક પટ્ટાવાળા પાછળ વાર્ષિક આશરે 2.77 લાખ રૂપિયા અને માસિક લગભગ 23,150 રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે, આ રકમમાંથી પટ્ટાવાળાને વાસ્તવમાં કેટલો પગાર ચૂકવવામાં આવે છે અને એજન્સીનો હિસ્સો કેટલો રહે છે, તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. પટ્ટાવાળાઓને માસિક 12થી 15 હજાર રૂપિયા જેટલો પગાર મળતો હોવાની ચર્ચા વચ્ચે બાકીની રકમ અંગે પણ સવાલો થઈ રહ્યા છે. સત્તાવાર વિગતો વિના આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી.
સેક્રેટરી ઓફિસ સહિત વિવિધ વિભાગોમાં ફાળવણી
દરખાસ્ત મુજબ, ત્રણેય એજન્સીઓ પાસેથી લેવામાં આવનારા 60-60 પટ્ટાવાળામાંથી નવ-નવ કર્મચારીઓ સેક્રેટરી ઓફિસમાં અને બાકીના 51-51 કર્મચારીઓ કોર્પોરેશનના અન્ય વિભાગોમાં ફાળવવામાં આવશે. આ સેવાઓ માટેના વર્ક ઓર્ડર અને પગારની ચુકવણી સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.




