Ahmedabad

અમદાવાદ: દાણીલીમડામાંથી 2.68 લાખના એમડી ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, રાજસ્થાન કનેક્શન ખુલ્યું

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડામાંથી 47 વર્ષીય નાસીર સૈયદને 2.68 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપ્યો. આરોપી રાજસ્થાનના ભીલવાડાથી ડ્રગ્સ લાવી નારોલ સર્કલ આસપાસના વિસ્તારમાં બંધાણીઓને વેચતો હતો. પોલીસે 89.63 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરી, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય સપ્લાયરને ઝડપવા તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દાણીલીમડામાંથી 2.68 લાખના એમડી ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, રાજસ્થાન કનેક્શન ખુલ્યું

Ahmedabad News: અમદાવાદ શહેર એસઓજી (SOG) ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં દરોડો પાડીને એક આધેડને 2.68 લાખ રૂપિયાની કિંમતના ગેરકાયદે મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ભીલવાડાથી ડ્રગ્સ લાવીને નારોલ સર્કલ અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓને છૂટકમાં વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

SOGના દરોડામાં 89.63 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું

મળતી માહિતી અનુસાર, એસઓજી ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડા અલીફ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ 'અલ મુબારક રો-હાઉસ'માં રહેતો નાસીર સૈયદ પોતાના ઘરમાં એમડી ડ્રગ્સ રાખીને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને 47 વર્ષીય નાસીર સૈયદને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની અંગજડતી લેતાં તેના ખિસ્સામાંથી કાળા રંગની થેલીમાંથી પ્લાસ્ટિકની 30 નાની બેગ મળી આવી હતી. એફએસએલ (FSL)ના પ્રાથમિક પરીક્ષણમાં આ પાવડર મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું. ડિજિટલ વજનકાંટા પર વજન કરાવતાં 89 ગ્રામ 63 મિલીગ્રામ જથ્થો નોંધાયો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2,68,000 રૂપિયા આંકવામાં આવી છે.

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી પેડલિંગ કરતો હતો

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી નાસીરે કબૂલાત કરી હતી કે પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવા માટે ડ્રગ્સના ધંધામાં ધકેલાયો હતો. તે રાજસ્થાનના ભીલવાડા ખાતેથી સપ્લાયર પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો અને ત્યારબાદ તેની નાની-નાની ઝીપલોક બેગ બનાવીને નારોલ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સના બંધાણીઓને છૂટકમાં વેચીને પેડલિંગ કરતો હતો.

મુખ્ય સપ્લાયરને ઝડપી પાડવા તપાસ શરૂ

SOG પોલીસે ગેરકાયદે ડ્રગ્સનો તમામ જથ્થો જપ્ત કરી આરોપી નાસીર સૈયદ સામે નાર્કોટિક્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ નેટવર્કમાં રાજસ્થાનના મુખ્ય ડ્રગ સપ્લાયર સહિત અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.