અમદાવાદ: MCA ભણેલા વેપારી પણ સાયબર ઠગની જાળમાં ફસાયા, અદાણી ગેસ બિલ અપડેટના નામે ગુમાવ્યા 1.30 લાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Fraud: અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા એમસીએ થયેલા વેપારીને ગેસ બિલ બાકી હોવાના બહાને શિકાર બનાવી સાયબર ગઠિયાએ 1.30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ભેજાબાજે અદાણી ગેસના નામે વોટ્સએપ મેસેજ કરી કનેક્શન કાપી નાખવાની ધમકી આપી ભોગ બનનારના ફોનમાં એપીકે (APK) ફાઇલ ઇન્સ્ટોલ કરાવીને બેન્ક ખાતામાંથી નાણાં સેરવી લીધા હતા. આ મામલે વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કનેક્શન કાપી નાખવાની ધમકી આપી મોકલી ફેક APK ફાઈલ
મળતી માહિતી અનુસાર, મણીનગરમાં ભૈરવનાથ બીઆરટીએસ સ્ટેન્ડ પાસે રહેતા અને ઓનલાઇન જ્વેલરીનો વેપાર કરતા 44 વર્ષીય જીતેન્દ્ર નારણદાસ તુલસીયાણીના મોબાઈલ પર છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે તમારું અદાણી ગેસનું બિલ અપડેટ થયું નથી, જેથી રાત્રે 10 વાગ્યે કનેક્શન કાપી નાખવામાં આવશે. મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ અદાણી ગેસના કર્મચારી ‘શ્રીકાંત મિશ્રા’ તરીકે આપી હતી.
કાર્ડની વિગતો નાખતા જ બેન્ક ખાતામાંથી 1.30 લાખ ઉપડી ગયા
સામેવાળા શખસે બિલ અને મેઇન્ટેનન્સ ભરવા માટે એક APK ફાઇલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઇલ ઇન્સ્ટોલ કરતાં અદાણી ગેસના લોગોવાળી એપ્લિકેશન ખુલી હતી. ફરિયાદીએ પોતાના બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એરર આવી હતી. શંકા જતાં તેમણે કોલ કાપીને અદાણી ગેસની હેલ્પલાઇન પર સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમનું કોઈ બિલ બાકી નથી અને તેની સાથે ફ્રોડ થઈ રહ્યું છે. આ દરમિયાન, તેમના બેન્ક ખાતામાંથી બે ટ્રાન્જેકશન થકી કુલ 1.30 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. વેપારીએ તુરંત 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




