અમદાવાદ: દાણીલીમડામાં બ્રાન્ડેડ કંપનીના નકલી કપડાં-સ્લીપર વેચતી 3 દુકાનો પર LCBના દરોડા, ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Police Raid: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્લીપર, ટ્રેકપેન્ટ અને ટીશર્ટનું ગેરકાયદે વેચાણ કરતી ત્રણ અલગ-અલગ દુકાનો પર ઝોન-6 એલ સી બી અને કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. પોલીસે ત્રણ દુકાનોમાંથી કુલ 5,08 લાખ રૂપિયાની કિંમતનો 476 નંગ ડુપ્લીકેટ મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વેપારીઓ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે 3 સ્થળોએ LCBના દરોડા
મળતી માહિતી અનુસાર, કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કના રક્ષણ માટે સત્તા ધરાવતા પવન પલાસરે દાણીલીમડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, દાણીલીમડા વિસ્તારની કેટલીક દુકાનોમાં કંપનીના નામનો ગેરકાયદે ઉપયોગ કરી નકલી માલ વેચાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી ઝોન 6ની ટીમ દ્વારા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા વેપારીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત
પોલીસે ગુડલક પાર્ટી પ્લોટ પાસે આવેલી 'બોમ્બે ફૂટવેર'માંથી મોહમદ એહમદ ઉર્ફે જોંટી ગુલામ દસ્તગીર શેખ (ઉં.વ. 24) પાસેથી 3,63,000 રૂપિયાની કિંમતના 363 જોડી ડુપ્લીકેટ સ્લીપર જપ્ત કર્યા હતા. જ્યારે છીપા BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી 'અલફલા ફૂટવેર'માંથી સમીઉદ્દીન નિઝામુદ્દીન કુરેશી (ઉં.વ. 49) પાસેથી 48,000 રૂપિયાની કિંમતના 48 જોડી નકલી સ્લીપર કબજે લીધા હતા. આ ઉપરાંત મુસ્લિમ સોસાયટીના નાકે આવેલી 'ક્રાઉન ગાર્મેન્ટ્સ' નામની દુકાનમાંથી મોહમદ અતીક મેમણ (ઉં.વ. 32) પાસેથી 16,500 રૂપિયાની કિંમતના 11 નંગ ડુપ્લીકેટ ટ્રેકપેન્ટ અને 81,000 રૂપિયાની કિંમતના 54 નંગ ટીશર્ટ મળી આવ્યા હતા. જેથી આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




