Ahmedabad

અમદાવાદ: એક મહિનામાં બીજી વખત ટોય ટ્રેનની દરખાસ્ત પરત, આવક-મુસાફરોની સામાન્ય વિગતો માગતાં અનેક શંકા-કુશંકા

By GS Team
26 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં કાંકરિયા ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની દરખાસ્ત એક મહિનામાં બીજી વાર વધુ અભ્યાસ માટે પરત મોકલાઈ છે. 26 ઓક્ટોબરે કમિટીની બેઠકમાં ચર્ચા દરમિયાન ગયા વર્ષની આવક, મુસાફરોની સંખ્યા અને અગાઉની એજન્સી દ્વારા કોર્પોરેશનને ચૂકવાયેલી રકમ જેવી વિગતો મગાવવામાં આવી હતી. મેસર્સ ખોડલ કોર્પોરેશનની દરખાસ્ત મુજબ, એજન્સી માસિક 10.59 લાખ રૂપિયા અને વાર્ષિક 1.27 કરોડ રૂપિયા ચૂકવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: એક મહિનામાં બીજી વખત ટોય ટ્રેનની દરખાસ્ત પરત, આવક-મુસાફરોની સામાન્ય વિગતો માગતાં અનેક શંકા-કુશંકા

Ahmedabad Kankaria Toy Train Proposal: અમદાવાદમાં ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની દરખાસ્ત એક મહિનાની અંદર બીજી વખત વધુ અભ્યાસ માટે પરત મોકલવામાં આવી છે. 26 ઓક્ટોબરે રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠકમાં દરખાસ્ત પર ચર્ચા દરમિયાન ગયા વર્ષે ટોય ટ્રેનમાંથી કેટલી આવક થઈ હતી, કેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી અને અગાઉની એજન્સી કોર્પોરેશનને કેટલા રૂપિયા ચૂકવતી હતી તેની વિગતો માગવામાં આવી હતી. આટલી પાયાની વિગતો માટે ફરી અભ્યાસની જરૂર ઊભી થતાં કોન્ટ્રાક્ટની પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે.

એક મહિનામાં બીજી વખત ટોય ટ્રેનની દરખાસ્ત પરત

26 ઓક્ટોબરના રોજ ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે મેસર્સ ખોડલ કોર્પોરેશન(જોઇન્ટ વેન્ચર)ની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત મુજબ એજન્સી કોર્પોરેશનને દર મહિને 10.59 લાખ રૂપિયા અને વાર્ષિક 1.27 કરોડ રૂપિયા ચૂકવશે. અગાઉ પણ આ જ એજન્સી ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળતી હતી. તેમ છતાં, નવી દરખાસ્ત પર નિર્ણય લેતાં પહેલાં અગાઉની આવક, મુસાફરોની સંખ્યા અને જૂના કોન્ટ્રાક્ટની નાણાકીય વિગતો ફરી માગવામાં આવી છે.

રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની દરખાસ્ત વધુ અભ્યાસ માટે પરત મોકલવામાં આવી છે. ગયા વર્ષની આવક કેટલી હતી, કેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી અને અગાઉની કંપની કોર્પોરેશનને કેટલું વળતર ચૂકવતી હતી તેની વિગતો માગવામાં આવી છે.

આ પહેલાં પણ દરખાસ્તને વધુ અભ્યાસ માટે પરત મોકલવામાં આવી હતી. હવે 26 ઓક્ટોબરની બેઠકમાં ફરીથી દરખાસ્ત પરત મોકલાતાં કોન્ટ્રાક્ટ અંગેનો નિર્ણય અટક્યો છે.

સામાન્ય વિગતો માટે પણ રાહ જોવી પડે છે?

ટોય ટ્રેનની કામગીરીમાંથી અગાઉ કેટલી આવક થઈ અને કેટલા મુસાફરોએ તેનો ઉપયોગ કર્યો, તે નવી દરખાસ્તનું મૂલ્યાંકન કરવા માટેની પાયાની વિગતો છે. અગાઉ પણ એ જ એજન્સી કામગીરી સંભાળતી હતી ત્યારે આ માહિતીના આધારે નવી ઓફરની સરખામણી અને નાણાકીય મૂલ્યાંકન થઈ શકે છે. તેમ છતાં, દરખાસ્ત રજૂ થયા બાદ આશરે એક મહિના સુધી આ વિગતો માગવાની અને ફરી અભ્યાસ માટે મોકલવાની સ્થિતિ ઊભી થતાં પ્રક્રિયાની તૈયારી અંગે અનેક શંકા-કુશંકા ઊભી થઈ છે.

નવી ટ્રેનથી વર્ષે રૂપિયા 1.27 કરોડની આવકનો અંદાજ

કોર્પોરેશને કાંકરિયા લેકફ્રન્ટ માટે બે નવી ટોય ટ્રેન રૂપિયા 3.54 કરોડમાં ખરીદી છે. અધિકારીઓના અંદાજ મુજબ, નવી ટ્રેનોના સંચાલનથી કોર્પોરેશનને દર વર્ષે આશરે રૂપિયા 1.27 કરોડની આવક થવાની અપેક્ષા છે. આ ગણતરી પ્રમાણે લગભગ ત્રણ વર્ષમાં નવી ટ્રેનની ખરીદી પાછળ થયેલા ખર્ચ જેટલી આવક થવાની શક્યતા છે. ગયા વર્ષે ટોય ટ્રેનના સંચાલનમાંથી કોર્પોરેશનને આશરે રૂપિયા 1.53 કરોડની આવક થઈ હતી.

જૂની એજન્સીને જ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો હતો

નવી બંને ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટે જૂની એજન્સી ખોડલ કોર્પોરેશનને જ 10 વર્ષ માટે કામ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં આ એજન્સી એકમાત્ર ક્વોલિફાય થયેલી બિડર બનતાં તેને ફરી કામગીરી સોંપવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ કરાર હેઠળ એજન્સી દર મહિને રૂપિયા 10.50 લાખ ચૂકવશે. હાલમાં પણ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે જૂની ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી ખોડલ કોર્પોરેશન સંભાળી રહી છે. જેને લઇને વિવાદ ઊભો થયો હતો.

વિદેશથી આવેલી ટ્રેનની જગ્યાએ હવે ‘મેડ ઇન ઇન્ડિયા’

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે હાલમાં દોડતી બંને જૂની ટોય ટ્રેનો અંદાજે 15થી 16 વર્ષ જૂની થઈ ગઈ છે. આ બંને ટ્રેનો ભારત બહારથી મગાવવામાં આવી હતી. તેની સામે નવી ખરીદવામાં આવેલી બંને ટ્રેનો વટવામાં બનાવવામાં આવી છે. એટલે કે, નવી ટ્રેનો મેડ ઇન ઇન્ડિયા છે. જૂની બંને ટ્રેનોની હાલની ઓફસેટ વેલ્યુ આશરે રૂપિયા 28.70 લાખ હોવાનું જણાવાયું છે.