Ahmedabad

જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ અને હોબાળો: મોંઘા પાસ છતાં એન્ટ્રી ન મળી, ખેલૈયાઓ ડોમમાં ઘૂસી ગયા!

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ન્યુ સાયન્સ સિટી રોડ પર જીગરદાન ગઢવીના AC ડોમ ગરબા વિવાદમાં સપડાયા છે. ફાયર NOC વિના જ ગરબા યોજાતા હતા, જેમાં લોકોના જીવ જોખમાય તેવી સ્થિતિ હતી. ફાયર ટીમે 4 વાર તપાસ કરી, છતાં રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી ગરબા ચાલુ રહ્યા. આખરે પોલીસે મંગળવારે રાત્રે પરમિશન ન હોવાથી ગરબા બંધ કરાવ્યા, પરંતુ NOC વિના બંદોબસ્ત કોના ઈશારે અપાયો તે સવાલ ચર્ચામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ અને હોબાળો: મોંઘા પાસ છતાં એન્ટ્રી ન મળી, ખેલૈયાઓ ડોમમાં ઘૂસી ગયા!

Ahmedabad Jigrra Garba Controversy: AC Dome Organised Without Fire NOC Police Action | જીગરદાન ગઢવીના ડોમમાં ફાયર એન.ઓ.સી. ન અપાઈ હોવા છતાં પહેલાં નોરતે ગરબા યોજાયા હતાં. લોકોના જીવ જોખમાય તેવી રીતે જીવતા વાયરો હોવા છતાં ગરબા રમાડાયાં હતાં અને પોલીસે ખેલ જોયો હતો. ન્યુ સાયન્સ સિટી રોડ ઉપર જીગરદાન ગઢવીના એસી ડોમ ગરબામાં ચકાસણી માટે ચાર વખત ફાયર ટીમ ગઈ હતી. રાત્રે એક સુધી ગરબા ચાલુ હોવાનું જણાતાં ફાયર એનઓસી વગર ડોમમાં ગરબા યોજાતાં ખેલૈયાઓ પાસેથી ધરખમ ફી વસૂલ્યા પછી ખેલૈયાઓ ઉપર જોખમની સ્થિતિ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ, તંત્રનું મૌન ભેદી છે. પરમિશન ન હોવાથી મંગળવારે રાત્રે ગરબા બંધ રખાવ્યાનું પોલીસે જણાવ્યું હતું.

તંત્રએ પહેલા નોરતે મંજૂરી ન આપી છતાં ગરબા યોજાયા

અમદાવાદમાં ડોમના ગરબામાં કડક નિયમપાલનની મોટી-મોટી વાતો વચ્ચે છેવટે તંત્રએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેમ જીગરદાન ગઢવીના ગરબા સામે શિર્ષાસન કર્યું હતું. એ.સી.ડોમમાં સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન મુજબ આયોજકોએ ફાયર બ્રિગેડની પરમિશન લીધી ન હતી જેના કારણે ફાયરે એન.ઓ.સી ન આપી ન હોવાથી પોલીસ પરમિશન આપી શકે તેમ ન હોવાથી આયોજકોએ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાંચમાં અરજી કરી ન હતી. ફાયર ઓફિસરોએ ત્રણ દિવસ સુધી સ્થળ તપાસ કરી તેમાં આવવા જવા માટે રસ્તા ખુલ્લા ન હતા, જ્યાં ત્યાં કચરાના ઢગલા હોવાથી ગંદકી હતી. ખેલૈયાઓ પાસેથી ધરખમ ફી વસુલ્યા પછી પણ કોઈ સેફ્ટી ન હતી. રવિવારે ગરબા સ્થળે ડોમ નીચે અને પાછળ ઈલેક્ટ્રીકના ખુલ્લા જીવતા વાયરો હતા તે ફાયર બ્રિગેડની સુચના છતાં કન્સિલ્ડ કરાયાં નહોતાં. આવી જોખમી સ્થિતિ વચ્ચે રવિવારે રાત્રે એક વાગ્યા સુધી ગરબા રમાડાયા હતા.

ફાયર એસ્ટિંગ્યુસર, ઈમરજન્સી એક્ઝીટ, સંપૂર્ણ એ.સી.ડોમમાં લગાડેલા કપડા અને એ.સી. ડોમના ગ્રાઉન્ડની કાર્પેટ પર ફાયર રેઝિસ્ટન્સ સ્પ્રે કરવા કહ્યું હતું તેમ છતાં ગઈકાલે રાત સુધી કામગીરી પૂર્ણ કરી ન હતી. જેથી આગ લાગે તો ગ્રાઉન્ડ ફ્લોર પર કપડામાં આગ લાગવાની સંભાવના વ્યક્ત કરી ફાયર બ્રિગેડે નોટિસ આપી હતી. ગરબાની ફાયર બ્રિગેડે એન.ઓ.સી અને પોલીસની પરમિશન ન હતી તો રવિવારે ગરબા યોજાયાં તેમાં કોના ઈશારે પોલીસ બંદોબસ્ત આપ્યો હતો? પોલીસે ગરબા કેમ બંધ કરાવ્યા નહીં? ફાયરબ્રિગેડે ત્રણ દિવસ ધક્કા ખાધા પછી અપૂર્ણતાઓ હોવા છતાં રવિવારે ગરબા કેમ કરવા દીધા? એવા અનેક સવાલો ચર્ચામાં છે.

બીજા નોરતે એન્ટ્રી ન મળતા ખેલૈયાઓ નારાજ, ડોમમાં ઘૂસીને તોડફોડ કરી

અમદાવાદમાં જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં બીજા નોરતે એન્ટ્રી ન મળતા ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાત્રે 9 વાગ્યાથી મોંઘા પાસ લઈને ગેટ પાસે રાહ જોઈને ઊભેલા ખેલૈયાઓને કલાકો સુધી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. એન્ટ્રી કેમ નથી અપાતી તેનો આયોજકો તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા ખેલૈયાઓ ધક્કામુક્કી કરીને એસી ડોમમાં ઘૂસી ગયા હતા અને પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી તેમજ રિફંડ આપવાના નારા લગાવ્યા હતા.

બીજા નોરતે પોલીસે ગરબાની મંજૂરી ન આપી

આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ પોલીસની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે. સાચી નવરાત્રિમાં ફાયર વિભાગની પરવાનગી મળી ગઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવ્યો હોવાથી પોલીસ દ્વારા ગરબા યોજવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી. પોલીસની મંજૂરી ન મળતા આખરે ગરબા શરૂ ન થઈ શક્યા, જ્યારે આશ્ચર્યની વાત એ છે કે પહેલા નોરતે કોઈપણ જાતની મંજૂરી વગર જ ગરબા યોજવામાં આવ્યા હતા.