Ahmedabad

અમદાવાદ: દાણીલીમડામાં યુવતી સાથે વાત કરવા બાબતે કારખાનેદાર પર 4 લોકોનો જીવલેણ હુમલો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણીલીમડામાં 6 ઓક્ટોબરે કારખાનેદાર યાસર લેલી પર જીવલેણ હુમલો થયો. ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતાની અદાવત રાખી યુવતીના પિતા મોઈન સહિત 4 શખસોએ કારખાના બહાર દંડા વડે હુમલો કર્યો. માથામાં ગંભીર ઈજા થતાં યાસરને હોસ્પિટલે ખસેડાયો. પોલીસે CCTV ફૂટેજના આધારે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દાણીલીમડામાં યુવતી સાથે વાત કરવા બાબતે કારખાનેદાર પર 4 લોકોનો જીવલેણ હુમલો

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ સિકંદર માર્કેટ નજીક છઠ્ઠી ઓક્ટોબરના રોજ કારખાનેદાર પર લાકડી-દંડા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઘરની સામે રહેતી યુવતી સાથેની મિત્રતાની અદાવત રાખીને યુવતીના પિતા સહિત ચાર શખસોએ કારખાના બહાર જ યુવક પર તૂટી પડીને માર માર્યો હતો. જાહેરમાં દંડા વડે હુમલો કરવાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.

15 દિવસ અગાઉ થયેલા ઝઘડામાં સમાધાન થયું હતું

મળતી માહિતી અનુસાર, જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતા અને કારખાનું ચલાવતા 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલીને તેમના ઘરની સામે રહેતી યુવતી સાથે મિત્રતા હતી. જે અંગે પરિવારજનોને જાણ થતાં 15 દિવસ અગાઉ બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જોકે, તે સમયે વડીલોની મધ્યસ્થતા અને સમજાવટથી મામલો શાંત પડી ગયો હતો અને સમાધાન થઈ ગયું હતું.

કારખાના બહાર દંડા વડે તૂટી પડ્યા, માથામાં વાગતાં યુવક નીચે ઢળી પડ્યો

આ સમાધાન છતાં મનમાં વેર રાખીને યુવતીના પિતા મોઈન અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ગત છઠ્ઠી ઓક્ટોબરે બપોરે સિકંદર માર્કેટ ખાતે આવેલ યાસરના કારખાને પહોંચ્યા હતા. યાસર તેના મિત્ર યાસીન સાથે કારખાના બહાર ઊભો હતો, તે દરમિયાન આ ચારેય હુમલાખોરોએ અચાનક દંડા વડે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન મોઈને યાસરના માથાના ભાગે દંડાના મારી દેતાં તે લોહીલુહાણ થઈને જમીન પર પછડાયો હતો.

ધમકી આપી હુમલાખોરો ફરાર; પોલીસે ગુનો નોંધ્યો

જાહેરમાં બોલાચાલી અને બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી હુમલાખોરો "હજી તો આ ઓછો માર્યો છે, તને ઘરે આવીને મારીશું" તેવી ધમકી આપીને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાસરને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેના માથાના ભાગે ટાંકા લીધા હતા. પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ યાસરે દાણીલીમડા પોલીસ મથકે પહોંચીને મોઈન સહિત ચાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.