Ahmedabad

અમદાવાદ: ગટરમાં ખાબકેલી બાળકી 30 કલાકથી લાપતા, ડ્રેનેજ વિભાગ લાઇનનો નકશો ન આપતાં હોવાનો ફાયર અધિકારીનો દાવો

By GS Team
11 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વિશાલાથી નારોલ રોડ પર પીરાણા પાસે 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી શનિવારે બપોરે 3 વાગ્યે ડ્રેનેજ લાઈનમાં ખાબકી હતી. 30 કલાક બાદ પણ તેનો પત્તો લાગ્યો નથી. ફાયર વિભાગ સતત શોધખોળ કરી રહ્યું છે, પરંતુ ડ્રેનેજ લાઇનનો નકશો ન મળતાં મુશ્કેલી પડી રહી છે. પૂર્વ અમદાવાદનું ગટરનું પાણી આ મુખ્ય લાઈનમાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગટરમાં ખાબકેલી બાળકી 30 કલાકથી લાપતા, ડ્રેનેજ વિભાગ લાઇનનો નકશો ન આપતાં હોવાનો ફાયર અધિકારીનો દાવો

Ahmedabad News: અમદાવાદમાં વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર પીરાણા ચાર રસ્તા પાસે ડમ્પિંગ સ્ટેશન પહેલાં ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીનો 30 કલાક બાદ પણ પત્તો લાગ્યો નથી. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા બાળકીની શોધખોળ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, ડ્રેનેજ લાઇનનો નકશો ન મળવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી હોવાની ફાયર વિભાગના અધિકારીએ વાત કરી છે. બીજી તરફ, એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યાનુસાર, બાળકી જે લાઇનમાં પડી છે તે મુખ્ય ડ્રેનેજ લાઇન છે, જેમાં પૂર્વ અમદાવાદનું ગટરનું પાણી આવે છે અને ત્યાંથી એસટીપીમાં ટ્રીટમેન્ટ બાદ પાણી નદીમાં છોડવામાં આવે છે.

શનિવારે બપોરે આશરે 3 વાગ્યે બાળકી ડ્રેનેજ લાઇનમાં પડી હોવાની ઘટના બની હતી. ત્યારથી ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ, નદી ઉપરાંત આસપાસનાં તમામ પમ્પિંગ સ્ટેશનોમાં તપાસ કરવામાં આવી છે, છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. હાલમાં નદીમાં પણ શોધખોળ ચાલી રહી છે અને લગભગ ત્રણ કિલોમીટર સુધી તપાસ કરવામાં આવી છે.

ડ્રેનેજ લાઇનનો નકશો ન મળતાં શોધખોળમાં મુશ્કેલી

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 'ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનો સતત પ્રવાહ ચાલુ છે. લાઇનની અંદરની સ્થિતિ એવી છે કે ત્યાં શ્વાસ લેવો પણ શક્ય નથી. ડ્રેનેજ વિભાગ તરફથી હજી સુધી લાઇનનો નકશો આપવામાં આવ્યો નથી, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.'

અધિકારીના જણાવ્યું હતું કે, 'સામાન્ય રીતે આવી સ્થિતિમાં આશરે 20 કલાકની અંદર મૃતદેહ બહાર આવી જતો હોય છે, પરંતુ આ ઘટનામાં લાંબો સમય વીતી જવા છતાં બાળકી મળી નથી. હાલમાં નદીમાં શોધખોળ ચાલુ છે અને બાળકી ન મળે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવશે.'

પૂર્વ અમદાવાદનું ગટરનું પાણી આ મુખ્ય લાઇનમાં આવે છે

એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા મુજબ, બાળકી જે ડ્રેનેજ લાઇનમાં પડી છે તે મુખ્ય લાઇન છે. પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ગટરનું પાણી આ લાઇનમાં આવે છે. ત્યારબાદ પાણી એસટીપી એટલે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે જાય છે અને પ્રક્રિયા બાદ નદીમાં છોડવામાં આવે છે. આ કારણે બાળકીની શોધખોળ માટે લાઇન સાથે જોડાયેલી વ્યવસ્થાની તપાસ પણ મહત્ત્વપૂર્ણ બની છે.

મેયર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

બાળકી ડ્રેનેજ લાઇનમાં પડી હોવાની જાણ થતાં મેયર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, ઘટનાને લાંબો સમય વીતી જવા છતાં બાળકી મળી ન આવતાં શોધખોળ કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને, જે મુખ્ય લાઇનમાં બાળકી પડી છે તેનો નકશો ફાયર વિભાગને હજી સુધી ન મળ્યો હોવાના અધિકારીના નિવેદનથી વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે ગંભીર સવાલ ઊભા થયા છે.

હાલમાં ફાયર વિભાગની ટીમ નદી અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. બાળકીનો પત્તો ન લાગતાં પરિવારજનોની ચિંતા વધી છે, જ્યારે તેને શોધવા માટેની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.