Ahmedabad

અમદાવાદ સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા 'બોસ સ્કેમ' નેટવર્કનો પર્દાફાશ કર્યો, પ.બંગાળથી 2 ઠગ ઝડપાયા

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઈમે 'બોસ સ્કેમ'માં 1.50 કરોડની ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગના 2 સાગરિતોને પશ્ચિમ બંગાળથી ઝડપ્યા છે. ઈમરાન અલી અને ઈંજામુલ મોલ્લા ડમી સિમકાર્ડ પૂરા પાડતા હતા. આ નેટવર્ક ચીન-પાકિસ્તાન સુધી ફેલાયેલું છે. પોલીસે 1.13 કરોડ રિકવર કર્યા, 4500 સિમકાર્ડની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સાયબર ક્રાઇમે ચીન-પાકિસ્તાન કનેક્શન ધરાવતા 'બોસ સ્કેમ' નેટવર્કનો પર્દાફાશ કર્યો, પ.બંગાળથી 2 ઠગ ઝડપાયા

Ahmedabad Cyber Crime Network: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ડમી સિમકાર્ડ, મોબાઈલ નંબર અને વોટ્સએપ એકાઉન્ટ પૂરા પાડતી ગેંગના બે સાગરીતોને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યા છે. આ સાથે જ ચીન, પાકિસ્તાન, ભારત અને હોંગકોંગ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે.

અમદાવાદના વેપારી સાથે 1.50 કરોડની ઠગાઈ

અમદાવાદના વેપારી પ્રવીણ બાવડિયા સાથે આચરેલા 'બોસ સ્કેમ' (Boss Scam)ની તપાસ દરમિયાન આ સફળતા મળી છે. 23મી જૂનના રોજ આરોપીઓએ આરબીઆઈ (RBI)ના અધિકારી હોવાની ઓળખ આપી વેપારીના મોબાઈલ પર વોટ્સએપ મારફતે એક ઝીપ (ZIP) ફાઈલ મોકલી હતી અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીના નામે વોટ્સએપ મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસેથી 1.50 કરોડ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારીએ 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરતાં પોલીસે 1.13 કરોડ રૂરિા રિકવર કરી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ

•ઈમરાન અલી પિયાદા (ઉં.વ. 25, રહે. સાઉથ 24 પરગણા, પશ્ચિમ બંગાળ)

•ઈંજામુલ મોલ્લા (ઉં.વ. 30, રહે. કોલકાતા)

કઈ રીતે કામ કરતું હતું 'બોસ સ્કેમ'?

તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ઠગો સૌપ્રથમ બેંકિંગ અથવા રેગ્યુલેટરી ઈશ્યુના નામે માલવેર ધરાવતી ઝીપ ફાઈલ મોકલતા હતા. આ ફાઈલ કમ્પ્યુટરમાં ઓપન થતાં જ ઠગોને વોટ્સએપ વેબ (WhatsApp Web)નું એક્સેસ મળી જતું હતું. ત્યારબાદ આરોપીઓ કંપનીના સીઈઓ (CEO) અથવા ડિરેક્ટરનો ફોટો અને પ્રોફાઇલ યુઝ કરી કર્મચારીઓને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાના ખોટા મેસેજ મોકલી ઠગાઈ આચરતા હતા.

ગ્રાહકોના બાયોમેટ્રિક્સનો દુરુપયોગ કરી બનાવતા ડમી સિમ

પોઈન્ટ ઓફ સેલ (PoS) ઓપરેટર તરીકે કામ કરતો આરોપી ઈમરાન ગ્રાહકોના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ)નો દુરુપયોગ કરીને તેના નામે બોગસ સિમકાર્ડ એક્ટિવેટ કરતો હતો. તે વોટ્સએપ, ઈ-કોમર્સ અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ માટે ઓટીપી (OTP) વેચતો હતો. તેણે છેલ્લા 5 વર્ષમાં 21,000થી વધુ OTP વેચી 21 લાખ રૂપિયા અને વોટ્સએપ એક્ટિવેશનના 900 OTP વેચી 2.25 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

ચીન-પાકિસ્તાન કનેક્શન અને 4500 સિમકાર્ડની તપાસ

પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા આશરે 4500 સિમકાર્ડ અને 26 રાજ્યોની 251 જેટલી સાયબર ફરિયાદો સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ કૌભાંડમાં વપરાયેલું માલવેર ચીનની સાયબર ગેંગ સાથે જોડાયેલું છે, જ્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આવેલા કોલ સેન્ટરથી ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઉપરાંત, ચાઈના બેઝ્ડ VPNનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ્સ ઓપરેટ કરવામાં આવતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આશરે 10,000થી વધુ ડિવાઇસ ઓળખી કાઢી તેમને સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.