Ahmedabad

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું એક જ પ્લેટફોર્મથી થશે મોનિટરિંગ, AMCએ ડેશબોર્ડ માટે 9.40 કરોડ મંજૂર કર્યા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતોની તૈયારીઓ વચ્ચે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાશે. ઇ-ગવર્નન્સ કમિટીએ 9.40 કરોડના ખર્ચે ડેશબોર્ડ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે. આ ડેશબોર્ડ દ્વારા AISOC અને VMS મારફતે એજન્સીઓ-વોલન્ટિયર્સનું સંકલિત મોનિટરિંગ થશે, જેથી ખેલાડીઓ અને મુલાકાતીઓની સુવિધાઓ સુનિશ્ચિત કરી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું એક જ પ્લેટફોર્મથી થશે મોનિટરિંગ, AMCએ ડેશબોર્ડ માટે 9.40 કરોડ મંજૂર કર્યા
AI તસવીર

Ahmedabad Commonwealth Games Dashboard: આગામી વર્ષોમાં અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી મોટી આંતરરાષ્ટ્રીય રમતોત્સવની તૈયારીઓ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. કોમનવેલ્થ દરમિયાન શહેરમાં વિવિધ સરકારી તથા અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું એક જ સ્થળેથી મોનિટરિંગ અને સંકલન થઈ શકે તે માટે ડેશબોર્ડ તૈયાર કરવાની દરખાસ્તને ઇ-ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ અને મટિરિયલ ખરીદીની કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આ ડેશબોર્ડ માટે 9.40 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

AISOC અને VMS મારફતે એજન્સીઓ-વોલન્ટિયર્સનું સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ

કોમનવેલ્થ દરમિયાન દેશ-વિદેશમાંથી ખેલાડીઓ, પ્રતિનિધિઓ અને મુલાકાતીઓ અમદાવાદ આવશે. તેમની સુવિધા, મોબિલિટી અને વિવિધ સ્થળોની વ્યવસ્થા સહિતની કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓ તથા વોલન્ટિયર્સ કાર્યરત રહેશે. આ તમામની કામગીરીની સ્થિતિ એક જ પ્લેટફોર્મ પરથી જાણી શકાય અને જરૂરી સંકલન થઈ શકે તે માટે આખી સિસ્ટમ વિકસાવવામાં આવશે. કોમનવેલ્થ માટે ‘અમદાવાદ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર’ (AISOC) અને ‘વોલન્ટિયર મેનેજમેન્ટ સિસ્ટમ’ (VMS) તૈયાર કરવામાં આવશે. આ બંને વ્યવસ્થાને આવરી લેતું ડેશબોર્ડ તૈયાર કરવા માટે મેસર્સ એનકોડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને અંદાજે 9.40 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ ડેશબોર્ડ મારફતે વોલન્ટિયર્સની કામગીરી, મોબિલિટી અને અન્ય સવલતોનું મોનિટરિંગ કરાશે.

ટેકનોલોજીથી રમતોત્સવના સંકલન માટે કમિટીની લીલી ઝંડી

ઇ-ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ અને મટિરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, અમદાવાદમાં ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકનું આયોજન થવાનું હોવાથી વિવિધ એજન્સીઓ તથા વોલન્ટિયર્સની કામગીરીનું સંકલન ટેકનોલોજી મારફતે કરી શકાય તે માટે આ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે. તેની સિસ્ટમ તૈયાર કરવાની દરખાસ્તને કમિટીએ મંજૂરી આપી દીધી છે.

2.17 લાખ સ્ટ્રીટલાઇટ મેન્ટેનન્સ માટે ઝોનવાર ટેન્ડરના આદેશ

કમિટીની બેઠકમાં શહેરના આશરે 2.17 લાખ સ્ટ્રીટલાઇટના થાંભલાઓના મેન્ટેનન્સ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેરની તમામ સ્ટ્રીટલાઇટના મેન્ટેનન્સ માટે એક જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હાલ અલગ-અલગ સબ-એજન્સીઓ મારફતે ઝોનવાર કામગીરી ચાલી રહી છે. હવે દરેક ઝોન માટે અલગ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં સ્ટ્રીટલાઇટ મેન્ટેનન્સ માટે ક્રિઆન એન્જિનિયરિંગ એન્ડ સર્વિસીસને 3 મહિના માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.

તહેવારો પૂર્વે રોજની 500થી વધુ ફરિયાદો પર એક્શન

ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ બંધ રહેવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ બંધ ન રહે તે માટે અધિકારીઓને ખાસ ધ્યાન આપવા સૂચના અપાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્ટ્રીટલાઇટ અંગે દરરોજ 500થી વધુ ઓનલાઇન ફરિયાદો મળી રહી હોવાનું બેઠકમાં જણાવાયું હતું. ફરિયાદ આવ્યા બાદ કાર્યવાહી કરવા સાથે હવે અધિકારીઓએ સક્રિય રીતે ફિલ્ડમાં જઈને બંધ સ્ટ્રીટલાઇટ શોધી તેને તાત્કાલિક ચાલુ કરાવવા પણ આદેશ આપવામાં આવ્યા છે.