VIDEO: 'વોટ ચોર ગદ્દી છોડ'નો નારો ગુજરાતમાં ગુંજ્યો, CECના રાજીનામાની માગ સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન, 100થી વધુની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad CJP Protest: અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે શનિવારે(10 ઓક્ટોબર) એમ.જે. લાઇબ્રેરી પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સુધારણાને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ, કોંગ્રેસ, એનએસયુઆઈના કાર્યકરો અને વિવિધ સંગઠનોના સભ્યો રસ્તા પર ઊતર્યા હતા. પ્રદર્શન દરમિયાન જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પોલીસે 100થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
સાંજે આશરે 6.30 વાગ્યે શરૂ થયેલું પ્રદર્શન રાતે 9 વાગ્યા સુધી ચાલ્યું હતું. વિરોધમાં કોંગ્રેસ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SFI), અન્ય ડાબેરી સંગઠનો, વિદ્યાર્થીઓ અને જેન ઝી જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ 'જ્ઞાનેશ કુમાર, ઇસ્તીફા દો', 'વોટ ચોર ગદ્દી છોડ', 'જ્ઞાનેશ કુમાર હટાવો, લોકશાહી બચાવો' જેવા નારા લગાવ્યા હતા.
એમ.જે. લાઇબ્રેરીની આસપાસ પોલીસ બંદોબસ્ત
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એમ.જે. લાઇબ્રેરી અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓની સંખ્યા વધતાં પોલીસે તેમને અટકાવવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 100થી વધુ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા.
દેશભરમાં ચૂંટણી કમિશનર સામે વિરોધનો માહોલ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદારોનાં નામમાં ફેરફારને લઈને વિપક્ષી પક્ષો તથા વિવિધ સંગઠનોએ સવાલો ઉઠાવ્યા છે. આ પ્રક્રિયાથી મતદારોના અધિકારો અને ચૂંટણીની પારદર્શિતા પર અસર થતી હોવાના આક્ષેપો સાથે વિરોધ થઈ રહ્યો છે.
દિલ્હીમાં પણ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહી થઈ હતી અને અનેક પ્રદર્શનકારીઓ તથા વિપક્ષી નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા વિરોધના સંદર્ભમાં અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોના સભ્યોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો.




