AMCનું અણઘડ ગણિત! કેચ ફાઉન્ડેશન પાસે 3,000માં વૃક્ષ વવડાવશે, જ્યારે કાપેલા વૃક્ષ માટે માત્ર 2,500 રૂપિયાની વસૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Tree Plantation Controversy: અમદાવાદમાં વૃક્ષારોપણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતા ખર્ચ સામે હવે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. શહેરના રોડ સાઈડ પર 20,000 વૃક્ષો વાવવા અને તેની ત્રણ વર્ષ સુધી જાળવણી કરવા માટે ‘કેચ ફાઉન્ડેશન’ને પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયા ચૂકવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્ત મુજબ કોર્પોરેશનને કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
AMCનો અણઘડ વહીવટ
બીજી તરફ, જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા વૃક્ષ કાપવામાં આવે ત્યારે તેની સામે નવું વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવાના ખર્ચ પેટે કોર્પોરેશન પ્રતિ વૃક્ષ માત્ર 2,500 રૂપિયા વસૂલે છે. આમ, વૃક્ષ વાવવા માટે કોર્પોરેશન 3,000 રૂપિયા ચૂકવશે, જ્યારે વૃક્ષ કપાય ત્યારે તેની સામે માત્ર 2,500 રૂપિયા જ વસૂલ કરશે.
પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયાનો મોંઘો ભાવ કેમ ચૂકવી રહ્યું છે AMC?
કેચ ફાઉન્ડેશનને માત્ર રોપા વાવવાના જ નહીં, પરંતુ ટ્રી ગાર્ડ લગાવવા, પ્લાન્ટેશન માટે ખાડો ખોદવો, માટી તથા કાપ-ખાતર નાખવા સહિતની તમામ કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત, ત્રણ વર્ષ સુધી રોપાની યોગ્ય સારસંભાળ રાખવાની જવાબદારી પણ આ ફાઉન્ડેશનની જ રહેશે. જોકે, બીજી તરફ રાજ્ય સરકારે ‘સદ્ભાવના’ નામની એનજીઓ સાથે પ્રતિ વૃક્ષ 1,490 રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ માટે કરાર (MoU) કર્યા હોવાનું સામે આવ્યું છે. તે કરારમાં પણ ત્રણ વર્ષ સુધી વૃક્ષોની જાળવણી કરવાની જવાબદારી એનજીઓની જ નક્કી કરાઈ છે. તેથી, એકસરખી કામગીરી માટે કોર્પોરેશન કેચ ફાઉન્ડેશનને પ્રતિ વૃક્ષ 3,000 રૂપિયાનો મોંઘો ભાવ કેમ ચૂકવી રહ્યું છે, તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

મિશનના નામે જૂના રોપા પર જ નવા બોર્ડ
કોર્પોરેશન દ્વારા વર્ષ 2024માં 'મિશન થ્રી મિલિયન' હેઠળ શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રોડ સાઈડ પર પણ રોપા વાવીને ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2025માં 'મિશન ફોર મિલિયન' હેઠળ 40 લાખ વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, કેટલીક જગ્યાએ વર્ષ 2024ના મિશન થ્રી મિલિયન હેઠળ વાવવામાં આવેલા જૂના રોપા અને તેના ટ્રી ગાર્ડ પર જ નવી ગ્રીન નેટ બાંધીને 'મિશન ફોર મિલિયન'ના નવા બોર્ડ લગાવાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. નવી જગ્યાએ નવા રોપા વાવ્યા વિના જૂના રોપા પર જ નવા મિશનના બોર્ડ મારી દેવાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે 40 લાખ વૃક્ષો વાવવાના કોર્પોરેશનના દાવાની વાસ્તવિકતા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.




