અમદાવાદ : બાપુનગર શાક માર્કેટમાં દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ-પોલીસ પર ટોળાનો હુમલો, 11 શખસો સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad encroachment drive attack : અમદાવાદ શહેરમાં જાહેર સ્થળોએ શાકભાજી અને ફ્રૂટના ફેરિયાઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ ખુલ્લેઆમ ધંધો કરતા જોવા મળે છે. આ ફેરિયાઓ જાહેર રોડ પર દબાણ કરતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. અમદાવાદના બાપુનગરમાં AMCની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન હિંસક ઘટના બની.
બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી શાક માર્કેટમાં જાહેર રોડ પરના દબાણો હટાવવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ બંદોબસ્ત પર શાકભાજીના વેપારીઓ સહિત 11 લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં 6 નામજોગ અને અન્ય 5 અજાણ્યા શખસો મળી કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન AMCની ટીમ અને પોલીસ પર હુમલો
મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે (26 નવેમ્બર) ના રોજ AMCની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સાંજે 5:30 વાગ્યે બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી શાક માર્કેટમાં જાહેર રોડ પરના દબાણો હટાવવા માટે ગઈ હતી. જ્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે શાકભાજીનો વેપાર કરતા મહિલાઓ અને પુરુષો ઉશ્કેરાઈ ગયા હતા. ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી એસ્ટેટ વિભાગ અને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ છૂટી ઈંટો અને લાકડા વડે હિંસક હુમલો કર્યો
શાકભાજીના વેપારીઓ સહિત 11 લોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉશ્કેરાયેલા ટોળાએ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પર છૂટી ઈંટો અને લાકડા વડે હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા આરોપીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ આસપાસના લોકો પાસેથી હુમલાખોરોના નામ-સરનામાની જાણકારી મેળવી એસ્ટેટ ઈન્સ્પેક્ટર અભિષેક ડામોરે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 11 આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.




