Ahmedabad

અમદાવાદમાં ફૂડ વિભાગે નવરાત્રિના પ્રથમ નોરતે 148 ફૂડ સ્ટોલનું ચેકિંગ કર્યું, 41 પાસે FSSAI રજિસ્ટ્રેશન જ ન મળ્યું!

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે 15 ગરબા સ્થળોએ 148 ફૂડ સ્ટોલની તપાસ કરી હતી. 41 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન ન હોવાથી સ્થળ પર જ કાર્યવાહી કરી રજિસ્ટ્રેશન અપાયા. નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે હેતુથી આ તપાસ કરાઈ હતી, જેમાં 35 ખાદ્ય પદાર્થોના ટેસ્ટ કરાયા હતા. આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ફૂડ વિભાગે નવરાત્રિના પ્રથમ નોરતે 148 ફૂડ સ્ટોલનું ચેકિંગ કર્યું, 41 પાસે FSSAI રજિસ્ટ્રેશન જ ન મળ્યું!

Ahmedabad Navratri Food Stall Inspection: અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે ગરબાના સ્થળોએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગની ટીમોએ શહેરના 15 ગરબા સ્થળોએ તપાસ કરીને કુલ 148 ફૂડ સ્ટોલ ચેક કર્યા હતા. આ તપાસ દરમિયાન 41 સ્ટોલ પાસે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(FSSAI)નું જરૂરી રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. જોકે, સ્થળ પર જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવીને સ્ટોલધારકોને રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

WhatsApp Image 2026-10-12 at 5.37.33 PM (1).jpeg

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 અને તેના હેઠળના નિયમો અંતર્ગત ફૂડ સ્ટોલની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 81 સ્ટોલની તપાસ

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 ગરબા સ્થળોના 81 ફૂડ સ્ટોલ ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 18 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પર 24 ખાદ્ય પદાર્થોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં 62 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું. પૂર્વ ઝોનમાં 5 ગરબા સ્થળોના 59 ફૂડ સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. અહીં 19 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને 10 ખાદ્ય પદાર્થોના સ્થળ પર ટેસ્ટ કરાયા હતા. આ ઝોનમાં 37 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું. પશ્ચિમ ઝોનમાં એક ગરબા સ્થળના 8 ફૂડ સ્ટોલ ચેક કરાયા હતા. અહીં 4 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને એક ખાદ્ય પદાર્થનો સ્થળ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના તમામ 8 સ્ટોલ પાસે FSSAI રજિસ્ટ્રેશન હોવાનું નોંધાયું હતું.

WhatsApp Image 2026-10-12 at 5.37.37 PM (2).jpeg

35 ખાદ્ય પદાર્થોના ટેસ્ટમાં તમામ માપદંડ મુજબના

તપાસ દરમિયાન સ્થળ પર TPC મશીનની મદદથી કુલ 35 ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, આ ટેસ્ટમાં તપાસવામાં આવેલા ખાદ્ય પદાર્થો નિર્ધારિત માપદંડ મુજબના જણાયા હતા. આ ઉપરાંત, જરૂરી રજિસ્ટ્રેશન વિના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા 41 સ્ટોલધારકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન અપાવીને ધંધો ચાલુ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

WhatsApp Image 2026-10-12 at 5.37.37 PM.jpeg

15 ગરબા સ્થળોએ તપાસ

તપાસમાં ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, રામોલ, વસ્ત્રાલ, નિકોલ અને વાસણા સહિતના વિસ્તારોમાં આવેલા ગરબા સ્થળોનો સમાવેશ થતો હતો. તેમાં રાસલીલા નવરાત્રિ, મણિયારો ગરબા, વાઇબ્રન્ટ નોરતા, સાંસ્કૃતિક શેરી ગરબા, આધ્યશક્તિ ગરબા, પંડાલ ગરબા, કૃષ્ણમય રાસ, કર્ણાવતીનો ગરબો, શ્યામબાગ રાસ ગરબા, કેસરિયા તાલ, લેઉવા પાટીદાર યુવા સંગઠન, ખોડલધામ ગરબા અને રોક એન્ડ ઢોલ સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે.

કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે ગરબાના આયોજકો અને ફૂડ સ્ટોલધારકોને ખાદ્ય પદાર્થો બનાવતી વખતે તથા પીરસતી વખતે સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થોનો સુરક્ષિત સંગ્રહ કરવા અને સ્ટોલ પર કામ કરતાં કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. નવરાત્રિ દરમિયાન ફૂડ સ્ટોલનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ જણાશે તો લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.