તૂટેલા કાચ, બંધ લાઇટ, ગટર ચોકઅપ સહિતની સમસ્યાઓ... અમદાવાદના 85 કોમ્યુનિટી હોલની ખરાબ હાલત! લગ્નસરામાં સમારકામનું AMCનું અલ્ટીમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad 85 Community Halls Poor Condition: અમદાવાદમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે કોર્પોરેશન સંચાલિત 85 કોમ્યુનિટી હોલમાં પાયાની સુવિધાઓને લગતી અનેક ખામીઓ સામે આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા હોલમાં ક્યાંક બારીઓના કાચ તૂટેલા છે, તો ક્યાંક લાઇટની અપૂરતી સુવિધા છે. આ ઉપરાંત નળમાંથી પાણી લીક થવું, ગટરો ચોકઅપ થવા જેવી સમસ્યાઓ પણ જોવા મળી છે. આ સ્થિતિમાં સ્ટેન્ડિંગ કમિટીએ તમામ 85 કોમ્યુનિટી હોલમાં તાત્કાલિક સમારકામ કરવા અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે.
અમદાવાદના 85 કોમ્યુનિટી હોલની ખરાબ હાલત!
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરના તમામ 85 કોમ્યુનિટી હોલમાં રહેલી નાની-મોટી ખામીઓ અને જરૂરી સમારકામની વિગતો એકત્રિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ અંગેની સમીક્ષા દરમિયાન અનેક હોલમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ હજુ યથાવત્ હોવાનું સામે આવ્યું હતું. લગ્નપ્રસંગો દરમિયાન હોલનો ઉપયોગ કરતા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે હવે સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
લગ્નસરામાં સમારકામનું AMCનું અલ્ટીમેટમ
સ્ટેન્ડિંગ કમિટીએ નાની ખામીઓ દૂર કરવા માટે 3 દિવસ અને મોટી સમસ્યાઓના ઉકેલ માટે 5 દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. આ સમયગાળામાં તમામ 85 કોમ્યુનિટી હોલમાં જરૂરી સમારકામ પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો કે, લગ્નસરાની સિઝન દરમિયાન જ સમારકામની કામગીરી હાથ ધરવાની હોવાથી અગાઉથી બુકિંગ કરાવનારા નાગરિકોને કોઈ મુશ્કેલી પડશે કે કેમ અને કામગીરી દરમિયાન હોલની સુવિધાઓ ચાલુ રહેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સમારકામ પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો કોઈપણ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ દરમિયાન હોલમાં સમારકામ યોગ્ય રીતે થયું છે કે નહીં અને સુવિધાઓની સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ ખામી સામે આવશે તો જવાબદાર અધિકારી પાસેથી ખુલાસો માગવામાં આવશે. જો કે, ખામી કે બેદરકારી જણાય તો ખુલાસા ઉપરાંત કઈ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.




