Ahmedabad

અમદાવાદ: નારોલમાં જૂની અદાવતમાં 23 વર્ષના યુવકનું રિક્ષામાં અપહરણ, માથામાં છરી અને પગે કુહાડીના ઘા ઝીંક્યા

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નારોલમાં જૂની અદાવતમાં 23 વર્ષીય યુવક આમીર શેખનું ચાર શખસોએ અપહરણ કરી ઢોર માર માર્યો. પીપળજ રોડ પર ભંગારના કારખાનામાંથી સજ્જુ પઠાણ, ગુલ્લુ, સતીષ અને મુકેશે યુવકને રિક્ષામાં ઉઠાવી, ચાલુ રિક્ષામાં છરી અને પંચના ઘા માર્યા. બાદમાં અવાવરુ જગ્યાએ કુહાડીના ઘા ઝીંકી પગ ફ્રેક્ચર કરી ફરાર થયા. નારોલ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નારોલમાં જૂની અદાવતમાં 23 વર્ષના યુવકનું રિક્ષામાં અપહરણ, માથામાં છરી અને પગે કુહાડીના ઘા ઝીંક્યા

Ahmedabad Crime News: અમદાવાદના નારોલ વિસ્તારમાં પીપળજ રોડ પર જૂની અદાવતની દાઝ રાખી ચાર શખસોએ ભંગારના કારખાનામાંથી એક 23 વર્ષીય યુવકનું રિક્ષામાં અપહરણ કરી, ચાલુ રિક્ષામાં માથામાં છરી તેમજ શરીરે લોખંડના પંચના ઘા માર્યા. જે બાદ અવાવરૂ સ્થળે લઈ જઈ જમણા પગે કુહાડીના ઊંધા ઘા ઝીંકી ફ્રેક્ચર કરી નાસી છૂટ્યા હતા. બીજી બાજુ ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે નારોલ પોલીસે 4 હુમલાખોરો સામે અપહરણ, હુમલો સહુને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવકને ભંગારના કારખાનામાંથી ઉઠાવી જઈ ઢોરમાર માર્યો!

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ​ગણેશનગરમાં રહેતા અને મુસ્તુફા શેખના ભંગારના કારખાનામાં મજૂરીકામ કરતા 23 વર્ષીય આમીર સઈદ શેખ 11મી ઓક્ટોબરના રોજ બપોરે કારખાનામાં હાજર હતો. આ દરમિયાન અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી સજ્જુ ઉર્ફે શહેઝાદ પઠાણ, તેનો ભાઈ ગુલ્લુ, બનેવી સતીષ ઉર્ફે ગડા તથા મુકેશ ત્યાં ધસી આવ્યા હતા. ચારેય શખસોએ આમીરને જબરજસ્તી સજ્જુની રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું. આમીરે બૂમાબૂમ કરતાં સજ્જુએ તેના માથાના ડાબા ભાગે છરીના બે ઘા માર્યા હતા અને ગુલ્લુએ લોખંડના પંચ વડે શરીર તથા હાથ પર માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓ દેવ હોટલ ચોકડીથી શાસ્ત્રી બ્રિજ તરફ લઈ જઈ, મોં પર રૂમાલ બાંધી ગણેશનગર પાછળ અવાવરૂ જગ્યાએ ઢોરમાર મારવા લાગ્યા હતા.

જમણા પગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાયો

કોઈ જોઈ જશે તેવી શંકા જતાં આરોપીઓ તેને રિક્ષામાં ગ્યાસપુર, ગુલાબનગર થઈ પીપળજ એપીએમસી માર્કેટ પાછળ ઇન્દિરાનગર વિભાગ-2 નજીક જંગલ જેવી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં સજ્જુએ રિક્ષામાંથી કુહાડી કાઢી આમીરના જમણા પગના ઢીંચણ પર ઊંધા ત્રણ ઘા ઝીંક્યા હતા. ગામના લોકો ભેગા થતાં આરોપીઓ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેના પગમાં ફ્રેક્ચર હોવાનું સામે તથા માથાના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું.