Ahmedabad

ધોળકામાં ખેડૂતોમાં આક્રોશ, પ્રાંત અધિકારીએ સરખો જવાબ ન આપતા ટોચના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ધોળકામાં નગરપાલિકા અને ફેક્ટરીઓના ગંદા પાણીથી જમીન બંજર થવાના મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. આજે 25મી સપ્ટેમ્બરે પણ લેખિત આશ્વાસન ન મળતા ખેડૂતો કલેક્ટરને મળવા ગયા. તંત્ર કડક પગલાં નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોળકામાં ખેડૂતોમાં આક્રોશ, પ્રાંત અધિકારીએ સરખો જવાબ ન આપતા ટોચના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

Dholka Farmer Protest: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં નગરપાલિકાના ગંદા પાણી તેમજ સ્થાનિક ફેક્ટરીઓના કેમિકલયુક્ત ઝેરી પાણીથી જમીનો બંજર થવાના પ્રશ્ને ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ગઈકાલે (24મી સપ્ટેમ્બર) ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચીને દેખાવો કર્યો હતો. આજે (25મી સપ્ટેમ્બર) પ્રાંત અધિકારી તરફથી ​લેખિત આશ્વાસન ન મળતા જિગ્નેશ મેવાણી અને ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રૂબરૂ મળવા રવાના થયા હતા.

ગણેશ વિસર્જનના દિવસે મંડપ બાંધી ખેડૂતોનો વિરોધ

મળતી માહિતી અનુસાર, શુક્રવારે (25મી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જનના દિવસે પણ ખેડૂતોએ પ્રાંત કચેરી સામે જ મંડપ બાંધી, ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તંત્ર અને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાત્રિ દરમિયાન મહિલાઓ અને ખેડૂતોને પ્રાંત કચેરીના અંદરના પટાંગણમાં જ ભોજન લેવાની નોબત આવી હતી, જેને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સરકારના 'નારી શક્તિ'ના ઉંચા દાવાઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

તંત્ર નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી

હાલમાં પણ પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સ્થાનિક ખેડૂત નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓનો જમાવડો છે. ખેડૂતોનું કહેવું છે કે દૂષિત પાણીના કાયમી નિકાલ માટે તંત્ર જો તાત્કાલિક અને નક્કર લેખિત નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આ લડાઈને વધુ આક્રમક બનાવવામાં આવશે.

​ખેડૂતોનો આરોપ છે કે નગરપાલિકા પાસે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) હોવા છતાં દૂષિત પાણી સીધું ગામડાઓમાં છોડવામાં આવી રહ્યું છે. ભેટાવાડા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું અને ખેતીનું પાણી સંપૂર્ણપણે દૂષિત થઈ ગયું છે. એક પીડિત ખેડૂતે પોતાની વેદના ઠાલવતાં જણાવ્યું કે, 'અમે 400 રૂપિયાની મજૂરી કરીએ છીએ. રોજીરોટી કમાવવી, બાળકોને ભણાવવા કે પૈસા ખર્ચીને પીવાનું શુદ્ધ પાણી ખરીદવું? અમારા ગામમાં દૂષિત પાણીનું એક પણ ટીપું ન આવવું જોઈએ.'

બીજી તરફ પ્રાંત અધિકારી તરફથી ​લેખિત આશ્વાસન ન મળતા જિગ્નેશ મેવાણી અને ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રૂબરૂ મળવા રવાના થયા છે. ખેડૂતોની એક ટીમ, પ્રાંત અધિકારી અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સાથે દૂષિત પાણી છોડાતા મુખ્ય સ્થળની તપાસ માટે રવાના થઈ છે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને નગરપાલિકા સામે કેવા કડક પગલાં લે છે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે.