ભાવનગર લઠ્ઠાકાંડ અને પ્રોહિબિશન ડ્રાઇવ બાદ રાજ્યમાં દારૂના દામ ત્રણ ગણા! પોલીસ-બુટલેગરોની સાંઠગાંઠનો ચોંકાવનારો ખેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Prohibition Drive Bootlegger Police Nexus: ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસે પ્રોહિબિશનના દરોડા પાડવાની સાથે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો પણ અટકાવી દીધો છે. આવી સ્થિતિમાં પણ કેટલાક બુટલેગરો અને પોલીસ કર્મચારીઓ તકનો ગેરલાભ લઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુટલેગરોએ જોખમ હોવાનું કહીને દારૂની બોટલોની કિંમત 3 ગણી કરી દીધી છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, સ્થાનિક પોલીસે હપ્તા વધારીને અંદરખાને નાના પાયે દારૂ સપ્લાય કરવાની મંજૂરી આપી છે.
કેટલાક વિસ્તારોમાં પોલીસે અંદરખાને સાચવીને દારૂ સપ્લાય કરવાની મંજૂરી
ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે રાજ્ય પોલીસ વડાએ સમગ્ર ગુજરાતમાં પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરવા કડક આદેશ આપ્યા છે. જેના કારણે દારૂબંધી વચ્ચે ગેરકાયદે રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતો દારૂનો જથ્થો અટકી ગયો છે. તેમ છતાં દારૂની માંગ પહેલાની જેમ હજુ પણ યથાવત છે.
સ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા હોવાના દાવા
આથી અમદાવાદ અને કેટલાક શહેરોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને બુટલેગરો આ સ્થિતિનો ગેરલાભ લઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. સૂત્રોના મતે, બુટલેગરોએ દારૂ સપ્લાય કરવામાં જોખમ હોવાનું કારણ આપી દારૂની કિંમત 3 ગણી કરી દીધી છે. તેમજ પોલીસે આ બુટલેગરો પાસે હપ્તાની રકમ સામાન્ય કરતાં વધારીને માત્ર 1 કે 2 બોટલ જ સપ્લાય કરવાની તાકીદ કરી છે, જેથી બુટલેગરો અને પોલીસની આવકમાં કોઈ ફરક પડ્યો નથી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે-તે પોલીસ સ્ટેશનના વહીવટદારને સ્થાનિક વિસ્તારમાં પોલીસના ચેકિંગ પોઈન્ટની પૂરતી માહિતી હોય છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વહીવટદારોના માણસો બુટલેગર કે દારૂ સપ્લાય કરનાર વ્યક્તિને ચોક્કસ રૂટની સૂચના આપે છે, જેથી તેઓ પોલીસ ચેકિંગથી બચી શકે. આમ, ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ વિદેશી દારૂનો વેપલો કેટલાક વિસ્તારોમાં અવિરતપણે ચાલી રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે.




