અમદાવાદનો એવો પરિવાર જેણે વર્ષોથી ઘરમાં ટીવી નથી વસાવ્યું, આમણે તો ટીવીની રકમથી પીવાના પાણીની પરબ બનાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Television Day 2026 : આજના સમયમાં ટીવી ઘરના મનોરંજનનું એક અભિન્ન સાધન બની ગયું છે. સવારના સમાચારથી લઈને રાતના મનોરંજન સુધી અનેક પરિવારોનો દિવસ ટીવીની આસપાસ પસાર થાય છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં ટીવી હોવું જાણે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ શહેરના કેટલાક પરિવારો એવા પણ છે, જેમના ઘરમાં ટીવી નથી. ખાસ વાત એ છે કે આ પિરવારો માટે ટીવી ન હોવું કોઈ અભાવ નહીં, પરંતુ પોતાની પસંદગી અને જીવનશૈલીનો એક ભાગ છે.
10 વર્ષથી ઘરે ટીવી જોયા વિના જ ચલાવીએ છીએ
ગોતાના ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા ગોપાલ સવાણી જણાવે છે કે, સામાન્ય રીતે મનોરંજન માટે ટીવી જોવું જરૂરી મનાય છે, પરંતુ બાળકોના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે અને તેમને ટીવી જોવાની કાયમી આદત ન પડી જાય તે હેતુથી તેમણે છેલ્લા 10 વર્ષથી ઘરમાં ટીવી વસાવ્યું જ નથી. તેઓ બાળકોને ટીવી સામે બેસાડવાને બદલે વિવિધ રમતો રમાડીને તેમનો સમય પસાર કરતા હતા. હવે બાળકો મોટા થઈ ગયા હોવાથી તેમને પણ ટીવી જોવામાં કોઈ રસ નથી. દેશ-દુનિયાની કોઈપણ ઘટનાની જાણકારી તેમને ન્યૂઝપેપર કે મોબાઈલના માધ્યમથી સરળતાથી મળી રહે છે.
ટીવીની રકમથી પાણીની પરબ બનાવી લોકસેવાનું કાર્ય
પાલડીની રામવિહાર સોસાયટીમાં રહેતા હિતેશ શાહના પાંચ સભ્યોના પરિવારમાં પણ પહેલેથી જ ટીવી નથી. ટીવી જોવાને બદલે પરિવારના સભ્યો પુસ્તક વાંચન અને પ્રતિક્રમણ જેવી ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવે છે. હિતેશભાઈ 10 મહિના પહેલાં જ નવા ઘરમાં રહેવા આવ્યા છે અને છેલ્લા ચાર મહિનાથી તેઓ લોકસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તેમણે ટીવી ખરીદવાની રકમમાંથી પોતાના ઘરની બહાર ઠંડા પાણીની પરબ બનાવી છે, જ્યાંથી દરરોજ 200થી વધુ રાહદારીઓ ઠંડું પાણી પીને તૃપ્ત થાય છે.
દોઢ વર્ષ પહેલાં ટીવી ખરાબ થયા પછી ફરી રિપેર કરાવ્યું નથી
વંદે માતરમ્ વિસ્તારના રણછોડનગરમાં રહેતા મહાવીર ગુર્જરના ઘરે અગાઉ ટીવી હતું અને પરિવારના તમામ સભ્યો જમતી વખતે ટીવી જોતા હતા. પરંતુ સતત ટીવી જોવાની આદતને કારણે ઘરના કામકાજ સમયસર થઈ શકતા નહોતા. આશરે દોઢ વર્ષ પહેલાં તેમનું ટીવી ખરાબ થઈ ગયું, ત્યારબાદ તેમણે તેને ફરી રિપેર જ ન કરાવ્યું. પરિવારમાં બાળકો મોટા થાય ત્યારબાદ ભવિષ્યમાં ટીવી લાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. હાલ મોબાઈલનો વપરાશ વધ્યો હોવાથી તેમને ટીવી જોવાનું મન પણ થતું નથી.




