રેશનકાર્ડ ધારકોને ઝટકો, દિવાળી ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે, દુકાનો પર માથાકૂટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rationing Groundnut Oil Crisis: વડોદરા શહેર અને જિલ્લામાં સામી દિવાળીએ જ રેશનિંગ દુકાનો પરથી સિંગતેલ મેળવતા અનેક ગ્રાહકોને તેલ નહીં મળે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સિંગતેલ મેળવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સરખામણીએ પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારોને 20થી 40 ટકા જેટલો ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જેના કારણે રેશનિંગ દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે રોજેરોજ ઘર્ષણ અને અથડામણ થાય તેવા સંજોગો ઊભા થયા છે.
નાણાં પૂરેપૂરા ઉઘરાવ્યા છતાં 60થી 80 ટકા જથ્થો પહોંચાડાયો
દિવાળીના તહેવારો માટે વિતરણ કરવાનું થતું સિંગતેલ ચાલુ ઓક્ટોબર માસમાં આપવામાં આવી રહ્યું છે. સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો પાસેથી 100 ટકા મુજબ જથ્થાના નાણાં ભરાવી લેવામાં આવ્યા છે. જોકે, પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં જમા લઈ લીધા બાદ પણ દુકાનો પર માત્ર 60થી 80 ટકા જેટલો જ તેલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.
તહેવારના દિવસોમાં જ દુકાનદારોના 20 ટકા તેલના પૈસા સરકારે અટકાવી દીધા હોવાનો અને આ નાણાં ક્યારે પરત મળશે તેની કોઈ નિશ્ચિતતા ન હોવાનો આક્ષેપ દુકાનદારો કરી રહ્યા છે.
'વહેલા તે પહેલા'ના ધોરણે વિતરણ: રહી ગયેલા ગ્રાહકોમાં ભારે રોષ
રેશનિંગ દુકાનો પર 100 ટકા કાર્ડધારકો સામે માત્ર 80 ટકા લોકોને જ 'વહેલા તે પહેલા'ના ધોરણે તેલ મળી શકે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. બાકી રહી ગયેલા કાર્ડધારકોને દિવાળી જેવા પર્વમાં જ સિંગતેલ નહીં મળતાં તેઓ પોતાનો આક્રોશ દુકાનદારો પર ઠાલવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો કોઈ કાર્ડધારક ઓનલાઈન ફરિયાદ કરે તો 'ઊલટા ચોર કોટવાળને દંડે' જેવો ઘાટ સર્જાય છે, કારણ કે પુરવઠા વિભાગ ઊલટાનું દુકાનદારને જ પૂછશે કે કાર્ડધારકને તેલ કેમ આપ્યું નથી.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી અને જો એવી સ્થિતિ હશે તો તેમની માગણી મુજબનો પૂરો જથ્થો પૂરો પાડવામાં આવશે.
ભાવનું ગણિત અને સપ્લાયર કંપની અંગે વિગતો
પુરવઠા વિભાગ દ્વારા રૂ. 97ના દરે 1 લિટર સિંગતેલનું પાઉચ રેશનિંગ દુકાનદારોને આપવામાં આવે છે, જ્યારે દુકાનદારો લાભાર્થીઓને રૂ. 100ના દરે તેનું વેચાણ કરે છે.
સમગ્ર રાજ્યમાં રેશનિંગ દુકાનો મારફતે જે સિંગતેલનું વિતરણ થાય છે, તે 1 લિટરનું પાઉચ 'ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ' બ્રાન્ડનું છે. પાટણ જિલ્લાની આ કંપનીના ચેરમેન બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે, જેઓ રાજ્ય સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ આ કંપનીના એમડી (MD) છે.




