Ahmedabad

સોલામાં 3 શ્રમિકોના કરંટથી મોત: આત્મન ગ્રાન્ડિયરના બિલ્ડરોને બચાવવા પોલીસે ‘અકસ્માતે મોત’નો ગુનો નોંધ્યો?

By GS Team
29 Jun 20264 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલામાં 'આત્મન ગ્રાન્ડિયર' પ્રોજેક્ટમાં 25 જૂને કરંટ લાગવાથી 3 પરપ્રાંતિય શ્રમિકોના મોત થયા હતા. રાજસ્થાનના 21 વર્ષીય શિવા બામણિયા, વિકેશ પારગી અને રાહુલ બામણિયાના બેઝમેન્ટમાં કામ કરતી વખતે મોત નીપજ્યા હતા. સોલા પોલીસે ‘અકસ્માત મોત’નો ગુનો નોંધી, ગુનાહિત બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરતા કરોડોના વહીવટની ચર્ચા છે. શ્રમિક સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોલામાં 3 શ્રમિકોના કરંટથી મોત: આત્મન ગ્રાન્ડિયરના બિલ્ડરોને બચાવવા પોલીસે ‘અકસ્માતે મોત’નો ગુનો નોંધ્યો?

Aatman Grandeur Project Tragic Workplace Incident: અમદાવાદના સોલા વિસ્તારમાં નિર્માણધીન 'આત્મન ગ્રાન્ડિયર' પ્રોજેક્ટમાં કરંટ લાગવાથી ત્રણ પરપ્રાંતિય શ્રમિકોના નીપજેલા કરુણ મોત મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની શંકાસ્પદ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક સક્રિય કોમર્શિયલ સાઇટ પર આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં, પોલીસે ગુનાહિત બેદરકારી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાના બદલે ઉતાવળે માત્ર ‘અકસ્માત મોત’નો ગુનો નોંધીને સંતોષ માન્યો છે.

ત્રણ શ્રમિકોના મોતની ઘટના છુપાવવા કરોડોનો વહીવટ થયાની ચર્ચા
કોઈપણ પ્રાથમિક તપાસ વિના જ આ ઘટનાને માત્ર એક અકસ્માતમાં ખપાવી દેવા પાછળ લક્ઝરી પ્રોજેક્ટના વગદાર બિલ્ડરોને કાયદાકીય સકંજા અને ફોજદારી કાર્યવાહીમાંથી બચાવવાનો કારસો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, સૂત્રોમાં ચાલતી ચર્ચાઓ મુજબ આ સમગ્ર મામલા પર પડદો પાડવા અને બિલ્ડરોને ક્લીન ચિટ આપવા માટે પડદા પાછળ કરોડો રૂપિયાનો વહીવટ ખેલાયો હોવાની આશંકાઓથી સ્થાનિકો અને શ્રમિક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
ગત 25 જૂનના રોજ સોલા વિસ્તારમાં આવેલી મારૂતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની બિલકુલ સામે નિર્માણધીન 'આત્મન ગ્રાન્ડિયર' પ્રોજેક્ટ(Aatman Grandeur project)ના સાઇટ પર આ દર્દનાક ઘટના ઘટી હતી. બેઝમેન્ટ એરિયામાં કામ કરી રહેલા રાજસ્થાનના ત્રણ યુવાન શ્રમિકો માટે આ જગ્યા કાળમુખી સાબિત થઈ હતી અને કામકાજના સ્થળે બેદરકારીને કારણે ઘટનાસ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા.

મૃતક શ્રમિકોની યાદી

  • શિવા મણિલાલ બામણિયા (ઉં.વ. 21) – રહે. પાછોડા ગામ, જિલ્લો: બાંસવાડા, રાજસ્થાન.
  • વિકેશ મણિયા પારગી – રહે. ધોડિયા શેરગઢ ગામ, જિલ્લો: બાંસવાડા, રાજસ્થાન.
  • રાહુલ લક્ષ્મણ બામણિયા – રહે. ચડિયાલા ગામ, જિલ્લો: ડુંગરપુર, રાજસ્થાન.

બેદરકારી સ્પષ્ટ હોવા છતાં પોલીસનું કૂણું વલણ
પ્રાથમિક અહેવાલો અનુસાર, ત્રણેય શ્રમિકો બિલ્ડિંગના બેઝમેન્ટમાં લોખંડની માંડણી (સ્કૅફોલ્ડિંગ) પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કથિત રીતે એક ખુલ્લો અને ક્યાંયથી છોલાયેલો જીવતો વીજ વાયર લોખંડના આ માળખાને અડી જતાં આખી માંડણીમાં હાઈ-વોલ્ટેજ કરંટ પ્રસરી ગયો હતો. શ્રમિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને 'બ્રોટ ડેડ' (લાવતાં પહેલાં જ મૃત) જાહેર કર્યા હતા.

મનુષ્યવધનો ગુનો પણ અકસ્માતે મોતમાં ખપાવી દેવાની પેરવી!
સામાન્ય રીતે ઔદ્યોગિક કે બાંધકામ સાઇટ પર થતા આવા જીવલેણ અકસ્માતોમાં કલમો હેઠળ ગુનાહિત મનુષ્યવધ અથવા બેદરકારીથી મોત નીપજાવવા બદલ તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધાતી હોય છે. પરંતુ સોલા પોલીસે માત્ર અકસ્માત મોતની નોંધ કરીને આખી પ્રક્રિયાને પાછળ ઠેલી દીધી છે, જેથી બિલ્ડરો કે સાઇટ મેનેજમેન્ટ સામે કડક કાયદાકીય ગાળિયો કસાય નહીં અને ધરપકડ ટળી જાય.

2022ના પાંજરાપોળ પ્રોજેક્ટની સરખામણીએ પક્ષપાતનો આક્ષેપ
સ્થાનિક સૂત્રો અને શ્રમિક સંગઠનોના જણાવ્યા મુજબ, 'આત્મન ગ્રાન્ડિયર' પ્રોજેક્ટમાં ભારે રાજકીય અને વહીવટી વગ ધરાવતા રિયલ એસ્ટેટ રોકાણકારો સંકળાયેલા છે. આથી શરૂઆતથી જ કાયદાકીય પ્રક્રિયા નબળી પાડવા પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

'એડોર એસ્પાયર' પ્રોજેક્ટમાં આવી ઘટના ઘટી હતી ત્યારે કડક કાર્યવાહી તો આ કેસમાં કેમ ઢાંકપિછોડો?
આ ઢીલી નીતિની સરખામણીમાં લોકો વર્ષ 2022માં પાંજરાપોળ નજીક 'એડોર એસ્પાયર' પ્રોજેક્ટમાં બનેલી આવી જ એક ઘટનાને યાદ કરી રહ્યા છે. તે સમયે તંત્રએ અત્યંત કડક અને ત્વરિત પગલાં લીધાં હતાં જેવા કે-

  • પોલીસે તાત્કાલિક ગંભીર ગુનાહિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
  • જવાબદાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી.
  • બાંધકામ સાઇટને તાબડતોબ સીલ કરી દેવાઈ હતી.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સલામતીના નિયમોના ભંગ બદલ તે પ્રોજેક્ટની મંજૂરી જ કાયમ માટે રદ કરી દેવામાં આવી હતી.

જ્યારે આ વર્તમાન કેસમાં સોલા પોલીસ હજુ પણ પૉસ્ટમોર્ટમ અને એફએસએલ (FSL) અહેવાલની રાહ જોવાનું બહાનું ધરી રહી છે, જેને કારણે ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે જનતાનો વિશ્વાસ ડગમગ્યો છે.

તપાસ સામે ઉઠતા ગંભીર સવાલો, જેનો જવાબ મળવો જરૂરી છે

  • સાઇટ પર વીજ પ્રવાહ અને વાયરિંગના વહેંચણીમાં કાયદેસરના સેફ્ટી પ્રોટોકોલનું પાલન કેમ નહોતું કરાયું?
  • શ્રમિકોને સુરક્ષાના જરૂરી સાધનો કેમ નહોતા અપાયા?
  • જ્યારે ખુલ્લો વાયર લોખંડની માંડણીને અડી જવાથી ત્રણ શ્રમિકોના મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જ સ્પષ્ટ છે, તો પછી સોલા પોલીસે ગુનાહિત બેદરકારીની કલમો હેઠળ તુરંત FIR કેમ ન નોંધી? શું પોલીસ બિલ્ડરોને કાયદાકીય કવચ પૂરું પાડી રહી છે?
  • વર્ષ2022માં પાંજરાપોળની ઘટનામાં બિલ્ડરની તત્કાલ ધરપકડ થઈ શકતી હોય અને પ્રોજેક્ટની મંજૂરી રદ થઈ શકતી હોય, તો આ કેસમાં 'આત્મન ગ્રાન્ડિયર' સાઇટના વગદાર બિલ્ડરો સામે આવા કડક પગલાં કેમ ભરવામાં આવ્યા નથી? શું વગદારો માટે કાયદો અલગ છે?
  • આ શ્રમ કાયદાઓના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર કે ડેવલપર સામે સાઇટ સીલ કરવાની કાર્યવાહી હજુ સુધી કેમ લંબાવવામાં આવી રહી છે?