Ahmedabad

વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. 2020માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેઓ અસ્વસ્થ હતા. શ્રમિકોના અવાજથી રાજકીય કારકિર્દી શરૂ કરી, તેમણે રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ બનાવી. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ પ્રભારી તરીકે તેમની વ્યુહરચનાથી કોંગ્રેસે સરકાર બનાવી હતી. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન

Gujarat Congress Leader Deepak Babaria Passes Away: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે અત્યંત મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર દીપક બાબરિયાના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. નોંધનીય છે કે, 2020માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ અસ્વસ્થતાના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના અવસાન અંગે કોંગ્રેસના તમામ નાના-મોટા નેતાઓ અને કાર્યકરોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

શ્રમિકોના અવાજથી શરૂ કરી રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ બનાવી

દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિયનના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિતો માટેની તેમની આક્રમક રજૂઆતો અને લડાયક મૂડના કારણે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા બન્યા હતા.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે જ્યારે તેમને પ્રદેશ પ્રભારી તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી, ત્યારે તેમની ઉત્કૃષ્ટ સંગઠનાત્મક કૌશલ્ય અને વ્યુહરચનાના આધારે જ કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમર્પણ હંમેશા યાદ રહેશે.

દિપક બાબરિયા કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી પદે રહ્યા હતા અને તેમને મધ્યપ્રદેશના ઈન્ચાર્જ પણ બનાવાયા હતા. તેઓ કોંગ્રેસમાં વિવિધ પદોએ રહી ચૂક્યા હતા. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસને ત્રણ જ દિવસમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ દિવસ પહેલા જ કોંગ્રેસના અમરેલી કદાવર નેતા વીરજી ઠુમ્મરનું પણ માંદગી બાદ નિધન થયું હતું.