Ahmedabad

VIDEO: અમદાવાદમાં PGની ફરિયાદ મામલે એસ્ટેટ ઓફિસમાં બબાલ!, NSUIનો હુમલાનો આરોપ, ડેપ્યુટી TDOએ કહ્યું- 'અમને ધમકી આપી'

By GS Team
2 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના નવરંગપુરામાં PG સામેની ફરિયાદના નિકાલ મામલે પશ્ચિમ ઝોનની એસ્ટેટ કચેરીમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની રજૂઆત દરમિયાન બોલાચાલી બાદ ઘર્ષણ થયું. NSUIના પ્રવક્તા હર્ષ સોનીએ હુમલાનો આરોપ લગાવી પોલીસમાં અરજી કરી. TDOએ નોટિસની કાર્યવાહી પૂર્ણ કર્યાનો દાવો કર્યો, પરંતુ ફાઈલો પછાડી ધાકધમકી અપાઈ હોવાનું જણાવ્યું. બંને પક્ષે આક્ષેપો કરી પોલીસમાં અરજી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં PGની ફરિયાદ મામલે એસ્ટેટ ઓફિસમાં બબાલ!, NSUIનો હુમલાનો આરોપ, ડેપ્યુટી TDOએ કહ્યું- 'અમને ધમકી આપી'

PG Complaint Sparks Clash at Ahmedabad Estate Office: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સોસાયટીઓમાં ચાલી રહેલા PG સામેની ફરિયાદના નિકાલ મામલે પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસની કચેરીમાં બોલાચાલી અને ઘર્ષણની ઘટના સામે આવી છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દોઢ મહિના જૂની ફરિયાદ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન હાથાપાઈ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUIના પ્રદેશ પ્રવક્તા હર્ષ સોનીએ પણ પોતાના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

NSUIના પ્રદેશ પ્રવક્તા હર્ષ સોનીના જણાવ્યાઅનુસાર, નવરંગપુરા વિસ્તારના સ્થાનિકો અને વિદ્યાર્થીઓ દ્વારા સોસાયટીઓમાં PG ચલાવવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ ઢાબા ઉપર પતરા મારીને પણ PG ચલાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડને મળવા માટે જણાવાયું હતું.

દોઢ મહિના પહેલાં ફરિયાદ, કાર્યવાહી અંગે ફરી રજૂઆત

આશરે દોઢ મહિના પહેલાં સોસાયટીના નામ અને ઘર નંબર સહિતની વિગતો સાથે ડેપ્યુટી TDOને ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કાર્યવાહી ન થતાં ગુરુવારે ફરીથી TDOની કચેરીએ જઈ PG સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન યોગ્ય જવાબ ન મળતાં તેઓ કચેરીમાં જ બેસી ગયા હતા. ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને કાર્યકર્તાઓ સાથે હાથાપાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન હર્ષ સોની પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

TDOનો દાવોઃ નોટિસની કાર્યવાહી પૂર્ણ કરી છે

બીજી તરફ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડે જણાવ્યું હતું કે 'નવરંગપુરા વિસ્તારમાં એક કરતાં વધુ જગ્યાએ ચાલતા PG સામે કાર્યવાહી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને કાયદાની જોગવાઈ મુજબની નોટિસની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. નોટિસમાં આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેના અમલીકરણ અંગેની કાર્યવાહી કરવામાં સમય લાગે છે. ગુરુવારે અરજદાર સાંજે કચેરીએ આવ્યા હતા અને PGને આટલા સમયમાં સીલ કેમ કરવામાં આવ્યા નથી તે અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.'

ટોળું ભેગું કરી ફાઈલો પછાડી ધાકધમકી આપી- ડેપ્યુટી TDO

ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 'અરજદારે અન્ય વ્યક્તિઓને ફોન કરીને કચેરીમાં બોલાવ્યા હતા અને ટોળું ભેગું કર્યું હતું. કચેરીમાં ટેબલ ઉપર ફાઈલો પછાડી ધાકધમકી આપવામાં આવી હતી. આક્ષેપો બાદ તેને કચેરીમાંથી બહાર જવા જણાવવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અરજદાર અગાઉ પણ સ્ટાફને ધમકી આપી ગયા હતા.'

બંને પક્ષે આક્ષેપ, પોલીસમાં અરજી

સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષે એકબીજા સામે આક્ષેપો કર્યા છે. NSUI તરફથી પોલીસમાં અરજી કરી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવરંગપુરા વિસ્તારમાં PG અંગે દોઢ મહિના પહેલાં કરવામાં આવેલી મૂળ ફરિયાદનો નિયમ મુજબ નિકાલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી છે.