ગુજરાતના 58 લાખ ખેડૂતો પર મોંઘવારીનો ડામ : NPK ખાતરમાં બેગ દીઠ રૂપિયા 500નો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmer Crisis: ગુજરાતના જગતના તાત પર વધુ એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. એનપીકે ખાતરની પ્રતિ થેલીના ભાવમાં રૂ. 500નો આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ખાતરની એક થેલીનો ભાવ રૂ. 1,950થી વધીને સીધો રૂ. 2,450 થઈ ગયો છે. આશરે 25% જેટલો ભાવવધારો થવાથી ગુજરાતના 58 લાખથી વધુ ખેડૂતો આર્થિક દેવાની ઊંડી ખાઈમાં ધકેલાઈ જશે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોટો ઉદ્યોગપતિઓના અબજો રૂપિયાના દેવા માફ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ દેશની કરોડરજ્જુ સમાન ખેડૂત સતત ઉપેક્ષિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતરના વધતા ભાવોને કારણે ખેતીનો પાયાનો ઉત્પાદન ખર્ચ તીવ્ર ગતિએ વધી રહ્યો છે.
મોંઘવારી અને જીએસટીનો બેવડો માર: ખેડૂતો દેવાના બોજ તળે દબાયા
વર્તમાન સમયમાં એનપીકે અને યુરિયા જેવા અત્યંત જરૂરી ખાતરો પર જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. એક તરફ ખેતીનો ઈનપુટ ખર્ચ સતત વધી રહ્યો છે, તો બીજી તરફ ખેતપેદાશોના બજારભાવ સ્થિર અથવા દબાણ હેઠળ છે. પરિણામે ખેડૂતો બંને બાજુથી પીસાઈ રહ્યા છે અને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારી વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આંકડાઓ અનુસાર, માત્ર જાહેર ક્ષેત્રની બૅન્કોમાં જ ગુજરાતના ખેડૂતોનું કૃષિ લોનનું દેવું રૂ. 74,000 કરોડથી વધુ થઈ ચૂક્યું છે, જ્યારે વાસ્તવિક અને ખાનગી દેવાનો આંકડો આનાથી પણ ઘણો ઊંચો હોવાનો અંદાજ છે.
સબસિડીનો અભાવ અને ગ્રામીણ અર્થતંત્ર ભાંગી પડવાનો ભય
વૈશ્વિક બજારમાં કાચા માલના ભાવવધારાનું બહાનું ધરીને નોન-યુરિયા ખાતરો પર સરકારે પૂરતી સબસિડી આપી નથી, જેને કારણે ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે. આવનારા સમયમાં જો સરકાર તરફથી યોગ્ય આર્થિક ટેકો નહીં મળે, તો રાજ્યનું ગ્રામીણ અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડશે અને કૃષિ ક્ષેત્રની આ કટોકટી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.
ખેડૂત સંગઠનોની ઉગ્ર માંગણીઓ અને રાહત પેકેજની વિનંતી
આ કટોકટીમાંથી ઉગારવા માટે ખેડૂત સમુદાય અને સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે. એનપીકે ખાતરમાં કરાયેલો રૂ. 500નો વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અને બિયારણ તથા જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓની નફાખોરી પર કડક સરકારી અંકુશ લાવવામાં આવે. આ ઉપરાંત, વધતા ઈનપુટ ખર્ચને ધ્યાનમાં રાખીને તમામ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની વ્યાપક સમીક્ષા કરી નવી કિંમતો નક્કી કરવાની માંગ કરાઈ છે. સાથોસાથ, નાના અને સીમાંત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ તેમજ દેવા માફીની ઠોસ યોજના અમલમાં મૂકવાની પણ હાકલ કરવામાં આવી છે.




