અમદાવાદ: યુવતીની છેડતી મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો, બજરંગ દળ-VHPના કાર્યકરો અને જવાનો વચ્ચે ઘર્ષણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Harassment Case: અમદાવાદ રામોલ વિસ્તારમાં વોકિંગ કરી રહેલી યુવતીની છેડતી કરવા મામલે એક શખસ સામે ગુનો નોંધાયો છે. ઘટનાની જાણ થતાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યાં પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ અને ધક્કામુક્કી થતાં મામલો ગરમાયો હતો. પરિસ્થિતિ વણસતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસે આરોપી અરમાન મલિક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
રામોલના જનતાનગરમાં રહેતી યુવતી ગત પાંચ ઓક્ટોબરના રોજ ઘર નજીક વોકિંગ કરી રહી હતી. આ દરમિયાન અરમાન મલિકે તેની સામે અશ્લીલ ઇશારા કર્યા હતા. આ બાબતે યુવતીએ ઘરે જઈને માતાને જાણ કરી હતી. યુવતીના જણાવ્યાનુસાર, આરોપીએ અઠવાડિયા પહેલાં પણ તેની સામે અશ્લીલ ઇશારા કર્યા હતા. જેથી માતા અને પરિવારજનો શખસને ઠપકો આપવા ગયા હતા. પરિવારજનો ઠપકો આપવા પહોંચતાં શખસે ‘તમારે જે કરવું હોય તે કરી લો’ તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ બનાવને પગલે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ અંગે યુવતીની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અરમાન મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે આરોપીએ પણ પરિવારજનો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
બીજી તરફ, સમગ્ર બનાવની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ રામોલ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં કાર્યકર્તાઓ અને ફરજ પરના પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક પહોંચીને કાર્યકરોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો.




