Ahmedabad

ગુજરાતમાં ડિપ્રેશનના રોજ 839 દર્દી, 6 વર્ષમાં 113%નો વધારો, એક વર્ષમાં 15.43 લાખ કેસ

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિકારોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. 2019-20માં 8.19 લાખ દર્દીઓ હતા, જે 2025-26માં 15.43 લાખ થયા, એટલે કે 6 વર્ષમાં 113%નો વધારો. ડિપ્રેશન અને એન્કઝાઈટીના કેસો બમણા થયા છે. બાળકો અને વૃદ્ધોમાં પણ સમસ્યાઓ વધી છે, જ્યારે માદક પદાર્થોના સેવનથી થતી માનસિક બીમારીઓમાં 95%નો ઉછાળો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ડિપ્રેશનના રોજ 839 દર્દી, 6 વર્ષમાં 113%નો વધારો, એક વર્ષમાં 15.43 લાખ કેસ
IMAGE - ENVATO

Gujarat Mental Health Statistics: શરીરને થતી પીડા ચહેરા પર દેખાઈ જાય છે, પરંતુ મનની પીડા ઘણી વખત હાસ્યના આવરણ પાછળ છુપાયેલી રહે છે. કોઈ વ્યક્તિ બહારથી ખુશખુશાલ દેખાતી હોય, છતાં અંદરથી ગંભીર ચિંતાઓમાં ઘેરાયેલી હોઈ શકે છે. આજના ઝડપી જીવનમાં મનની આ અદ્રશ્ય લડાઈ કેટલી ગંભીર બની રહી છે, તેનો સંકેત ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિકારોના વર્ષવાર આંકડા દર્શાવે છે. દર વર્ષે 10 ઓક્ટોબરની ઉજવણી ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' તરીકે કરવામાં આવે છે, ત્યારે આંકડા અનુસાર ગુજરાતમાં માનસિક સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓ વર્ષ 2019-20માં 8.19 લાખ હતા, જે 2025-26માં વધીને 15.43 લાખ થયા છે. આમ, છેલ્લા 6 વર્ષમાં કુલ કેસોમાં 113 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે.

ડિપ્રેશન અને એન્કઝાઈટીના કેસોમાં સીધો બમણો વધારો

આ સમગ્ર ચિત્રમાં સૌથી વધુ ધ્યાન ડિપ્રેશન એટલે કે હતાશાનો આંકડો ખેંચે છે. ગુજરાતની માનસિક આરોગ્યની સરકારી હોસ્પિટલોમાં વર્ષ 2019-20માં ડિપ્રેશનના કેસનો આંકડો 1.44 લાખ હતો, તે 2025-26માં વધીને 3.09 લાખ થયો છે. એટલે કે ડિપ્રેશનના કેસમાં પણ સીધો 113 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત એન્કઝાઈટી એટલે કે ચિંતા સંબંધિત સમસ્યાઓથી પીડાતા દર્દીઓનો આંકડો પણ 6 વર્ષમાં 1.37 લાખથી વધીને 2.65 લાખે પહોંચ્યો છે, જે અંદાજે 94 ટકાનો ઉછાળો દર્શાવે છે.

બાળકોમાં વિકારો અને માદક પદાર્થોનું સેવન પણ ચિંતાનો વિષય

માનસિક સ્વાસ્થ્યની આ અસર બાળકો અને યુવાનોમાં પણ વ્યાપકપણે જોવા મળી રહી છે. બાળપણના વિકારોના વર્ગમાં દર્દીઓનો આંકડો 51,500થી વધીને લગભગ 91,916 થયો છે, જે આશરે 79 ટકાનો વધારો દર્શાવે છે. બીજી તરફ માદક પદાર્થોના સેવન સાથે સંકળાયેલા માનસિક વિકારોના આંકડા પણ અત્યંત ચિંતાજનક છે. વર્ષ 2019-20માં આ વર્ગનો આંકડો આશરે 76,000 હતો, જે 2025-26માં વધીને 1.25 લાખ થયો છે, એટલે કે તેમાં આશરે 95 ટકાનો ધરખમ વધારો થયો છે.

વૃદ્ધાવસ્થામાં માનસિક સમસ્યા ધરાવતા કેસ વધીને 85 હજાર પહોંચ્યા

વૃદ્ધાવસ્થા સંબંધિત માનસિક સમસ્યાઓ ધરાવતા કેસોનો આંકડો પણ આશરે 6 વર્ષમાં 50,000થી વધીને 85,000ની નજીક પહોંચી ગયો છે. વધતી ઉંમર સાથે એકલતા, જીવનસાથીનો વિયોગ, શારીરિક અશક્તિ અને સામાજિક સંપર્કમાં ઘટાડો જેવી પરિસ્થિતિઓ વૃદ્ધોની માનસિક સુખાકારી પર ઊંડી અસર કરે છે. તબીબોના મતે, વૃદ્ધોમાં યાદશક્તિ, વર્તન કે લાગણીઓમાં સતત બદલાવ જોવા મળે તો તેને માત્ર વધતી ઉંમરની સામાન્ય અસર ગણીને અવગણવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

મનની તકલીફને અવગણવી જોખમી: મદદ માગવામાં સંકોચ ન રાખવો

સરકારી મેન્ટલ હોસ્પિટલના ડૉ. અજય ચૌહાણે જણાવ્યું હતું કે, 'મનની તકલીફ હંમેશાં બહારથી દેખાતી નથી, પરંતુ તેને અવગણવી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય ત્યારે મદદ માગવામાં સંકોચ રાખવો, તેને પોતાની નબળાઈ માનવી કે સમાજ શું કહેશે તેની ચિંતા કરવી પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી શકે છે.' તેથી જ માનસિક તણાવ કે સમસ્યા જણાય ત્યારે સમયસર નિષ્ણાતની મદદ લેવી અનિવાર્ય છે.

20261010-275810-1791571349.jpeg