Ahmedabad

દેશમાં મંજૂર થયેલા 12માંથી 6 સેમિકંડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં, રૂ. 1.70 લાખ કરોડનું રોકાણ

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેમિકંડક્ટર સેમિનાર યોજાયો. ભારત સરકારે અત્યાર સુધીમાં 12 પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે, જેમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સ્થપાશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડાએ જણાવ્યું કે, ગુજરાતની વહેલી નીતિને કારણે આ શક્ય બન્યું છે. 2035 સુધીમાં ભારત સેમિકન્ડક્ટરની 50% જરૂરિયાત પૂર્ણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં મંજૂર થયેલા 12માંથી 6 સેમિકંડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં, રૂ. 1.70 લાખ કરોડનું રોકાણ
IMAGE - IANS

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શરૂઆત થઈ ચૂકી છે. આ અંતર્ગત સેમિકંડક્ટર ક્ષેત્રમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને તેના વિકાસને વેગ આપવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ના ડાયરેક્ટર ડૉ. મનિષકુમાર હુડા પણ ખાસ હાજર રહ્યા હતા.

સેમિકંડક્ટર ક્ષેત્રે ગુજરાત મોખરે: દેશના અડધા પ્રોજેક્ટ્સ રાજ્યના ફાળે

ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, 'ભારતમાં અત્યાર સુધીમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટે કુલ 12 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 6 પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં જ સ્થાપવામાં આવી રહ્યા છે. આ સફળતા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીએ સેમિકંડક્ટર ક્ષેત્રમાં રોકાણકારોને આકર્ષવા માટે ઘણી વહેલી પોલિસી (નીતિ) બનાવી દીધી હતી. હાલમાં દેશભરમાં આ ક્ષેત્રે આશરે 1.70 લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં ભારતમાં બીજા 6 નવા પ્રોજેક્ટ્સ શરૂ થાય તેવી પૂરી સંભાવના છે, જેના કારણે અત્યારે દેશના 12 રાજ્યો વચ્ચે વધુને વધુ રોકાણ મેળવવા માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.'

2035 સુધીમાં ભારત બનશે આત્મનિર્ભર

ડૉ. મનિષકુમાર હુડાએ વધુમાં કહ્યું હતું કે, 'સેમિકંડક્ટરની 2035 સુધીમાં ભારત પોતાની જરુરિયાતના 50% સેમિકંડક્ટરનું ઉત્પાદન કરતું હશે બીજી તરફ 2030 સુધીમાં વિશ્વની સેમિકંડક્ટરની માગ 110 બિલિયનથી વધીને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે. ભારત મેન્યુફેક્ચરિંગમાં ભલે પાછળ રહ્યું હોય પણ સેમિકંડક્ટરની ડિઝાઇન 1999થી બનાવી રહ્યું છે અને આ એક મહત્ત્વની પ્રક્રિયા છે. જેના દમ પર અને વિશાળ માર્કેટના આધારે, સરકારની નીતિઓના કારણે હવે આ ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને ભારત રોકાણ માટે આકર્ષી રહ્યું છે.'

એક સેમિકંડક્ટર એટલે કે એક ચિપ બનાવવામાં 140 લિટર પાણીનો અને 1.5 કિલોવોટ વીજળીની જરુર પડે છે. તેના માટે સતત વીજ સપ્લાય પૂરો પાડવો પડે છે. સેમિકંડક્ટર ક્ષેત્રની આ જરુરિયાત પૂરી પાડવાની ક્ષમતા ભારત પાસે છે.