Ahmedabad

અમદાવાદ-ઉધનાથી 5 લાખ લોકો UP-બિહાર રવાના: કાલુપુરમાં 12 સ્પેશિયલ ટ્રેનો છતાં ટિકિટ માટે લાંબી લાઈનો!

By GS Team
7 Nov 20263 mins read
TukuTouch Logo
દિવાળી-છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો. પશ્ચિમ રેલવેએ ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા 104 સ્પેશિયલ ટ્રેનો દોડાવી. 1થી 6 નવેમ્બર દરમિયાન અમદાવાદ, ઉધના અને વડોદરા સ્ટેશન પરથી 2.44 લાખથી વધુ મુસાફરોએ પ્રવાસ કર્યો. બિહાર માટે બમણાથી વધુ મુસાફરોનો ધસારો જોવા મળ્યો. રેલવે દ્વારા સ્ટેશનો પર વિશેષ હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-ઉધનાથી 5 લાખ લોકો UP-બિહાર રવાના: કાલુપુરમાં 12 સ્પેશિયલ ટ્રેનો છતાં ટિકિટ માટે લાંબી લાઈનો!

Special train operation during festivals : દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં વતન જવા માટે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. 1થી 6 નવેમ્બર દરમિયાન માત્ર 6 દિવસમાં અમદાવાદ, ઉધના અને વડોદરા સ્ટેશન પરથી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા માટે 104 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 2.44 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આ આંકડો માત્ર સ્પેશિયલ ટ્રેનોનો છે. આ ઉપરાંત રેગ્યુલર ટ્રેનોમાં પણ મોટી સંખ્યામાં પેસેન્જરો વતન જવા રવાના થયા છે. બંનેના આંકડા ઉમેરીએ તો વતન જનારા પેસેન્જરોની સંખ્યા લગભગ 5 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે.

રેલવેના આંકડા મુજબ, 6 દિવસમાં અમદાવાદ સ્ટેશન પરથી 56 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 1,31,827 પેસેન્જરો રવાના થયા હતા. જ્યારે સુરતના ઉધના સ્ટેશન પરથી 43 ટ્રેનોમાં 1,05,713 પેસેન્જરોને મોકલવામાં આવ્યા હતા. વડોદરા સ્ટેશન પરથી 5 ટ્રેનો દ્વારા 7,427 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આમ, સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો અને પેસેન્જરોનું સંચાલન અમદાવાદ અને ઉધના સ્ટેશન પરથી થયું છે.

બિહાર જવા માટે સૌથી વધુ ધસારો

આંકડા મુજબ, 6 દિવસમાં ઉત્તરપ્રદેશ જવા માટે 37 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં 75,062 પેસેન્જરો રવાના થયા હતા. જ્યારે બિહાર માટે 67 ટ્રેનો દોડાવીને 1,69,905 પેસેન્જરોને વતન મોકલવામાં આવ્યા હતા. એટલે કે ઉત્તરપ્રદેશની સરખામણીએ બિહાર જવા માટે બમણાથી વધુ પેસેન્જરોનો ધસારો રહ્યો હતો. તહેવારો દરમિયાન બિહાર જતી ટ્રેનોમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે.

ટ્રેન ઓન ડિમાન્ડ અંતર્ગત વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી

સ્ટેશનો પર પેસેન્જરોની ભીડને નિયંત્રિત કરવા રેલવે દ્વારા અમદાવાદ અને ઉધના ખાતે વિશેષ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. અહીં પેસેન્જરોને ટ્રેનના આગમન સુધી બેસાડવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે આરપીએફની મદદથી પેસેન્જરોને લાઇનબદ્ધ રીતે કોચમાં બેસાડવામાં આવે છે. ભીડને કારણે કોઈ અફરાતફરી ન સર્જાય અને તમામ પેસેન્જરો સુરક્ષિત રીતે ટ્રેનમાં બેસી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનોમાં પેસેન્જરોની સંખ્યા વધે ત્યારે રેલવે દ્વારા ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) અંતર્ગત વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. જેમાં એક રૂટ પર નિર્ધારિત ટ્રેન હાઉસફુલ થઈ જતા એજ રૂટ પર તરતજ બીજી ટ્રેન દોડાવવામાં આવી રહી છે.

આંકડાકીય હાઇલાઇટ

  • અમદાવાદ સ્ટેશનથી કુલ 56 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 1,31,827 પેસેન્જરોએ મુસાફરી કરી.
  • સુરત (ઉધના)ના સ્ટેશનથી કુલ 43 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 1,05,713 પેસેન્જરોએ મુસાફરી કરી.
  • વડોદરા સ્ટેશનથી કુલ 5 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 7,427 પેસેન્જરોએ મુસાફરી કરી.
  • કુલ સંચાલન: ત્રણેય મુખ્ય સ્ટેશનો પરથી કુલ 104 સ્પેશિયલ ટ્રેનો મારફતે 2,44,967 પેસેન્જરોએ મુસાફરી કરી.

6 નવેમ્બરે સૌથી વધુ 19 સ્પેશિયલ ટ્રેનો દોડાવી, 51,667 પેસેન્જરો વતન રવાના

6 નવેમ્બરે અમદાવાદ, ઉધના અને વડોદરા મળીને કુલ 19 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં 51,667 પેસેન્જરોએ ઉત્તરપ્રદેશ અને બિહાર માટે મુસાફરી કરી હતી. શહેર પ્રમાણે અમદાવાદથી 12 ટ્રેનમાં 30,767, ઉધનાથી 7 ટ્રેનમાં 20,900 પેસેન્જરો રવાના થયા હતા. જ્યારે વડોદરાથી આ દિવસે કોઈ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી નહોતી.

  • અમદાવાદથી કુલ 12 ટ્રેનો દ્વારા 30,767 પેસેન્જરોએ મુસાફરી કરી.
  • સુરત (ઉધના)થી કુલ 7 ટ્રેનો દ્વારા 20,900 પેસેન્જરોએ મુસાફરી કરી.
  • વડોદરાથી 0 ટ્રેન અને 0 પેસેન્જર નોંધાયા.
  • ત્રણેય શહેરો પરથી કુલ 19 ટ્રેનો મારફતે 51,667 પેસેન્જરોએ મુસાફરી કરી.