અમદાવાદમાં 3 ગંભીર ઘટના: કપડાં વેપારી સાથે મારામારી, ગુટખાં માગતા હુમલો, બાળકોના ઝઘડામાં તલવાર ઉછળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદમાં નવું વર્ષ શરૂ થતાં જ પૂર્વ વિસ્તારમાં મારામારીની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ બનાવમાં ખોખરા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જ ઉધાર કપડાં લેવા ગયેલા બે ભાઈઓએ દુકાનદાર સાથે બોલાચાલી કરીને તેની સાથે મારામારી કરી હતી. જ્યારે બીજી ઘટનામાં અમરાઈવાડી ખાતે એક યુવક પાસે ગુટખા ખાવાના પૈસા માંગવામાં આવતા તેને છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોમતીપુર વિસ્તારમાં પણ બાળકોને રમવા દેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવક દ્વારા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો.
ખોખરા: ઉધાર કપડાં આપવાની ના પાડતા વેપારી પર હુમલો
નવા વર્ષની રાતે ખોખરાના ભાઈપુરાના રહેતા અને પ્રિયા ટોકીઝ નજીક કપડાંની દુકાન ચલાવતા દિલીપભાઈ સરોજ સાથે મારામારીની ઘટના બની હતી. તેમની દુકાને કપડાં લેવા આવેલા રાહુલ અને શ્યામ કાંબલે નામના બે ભાઈઓએ બે ટી-શર્ટ પેક કરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વિના જ જવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપભાઈએ દુકાનની બહાર જઈને નવા વર્ષે ઉધાર રાખવાનો ઇનકાર કરી પૈસાની માંગણી કરતા ઉશ્કેરાયેલા શ્યામે તેમને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને ભાઈઓએ વેપારી સાથે ઝપાઝપી કરી તેમના હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ બંને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેના પગલે હાલ ખોખરા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડી: ગુટખાના પૈસા ન આપતા યુવક પર છરીથી હુમલો
અમરાઇવાડીના શ્રીનાથનગરમાં ગુટખાના પૈસા બાબતે એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો થયાની ઘટના બની છે. સ્થાનિક રહીશ સેવક કુમાર જ્યારે ઘર નજીકના પાનના ગલ્લે ગયો હતો ત્યારે ત્યાં આવેલા તેમના પડોશી સન્ની જયસ્વાલે તેમની પાસે ગુટખા ખાવા માટે પૈસાની માંગણી કરી હતી. સેવક કુમારે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી ના પાડતા જ ઉશ્કેરાયેલા સન્નીએ અપશબ્દો બોલીને અચાનક પોતાની પાસે રહેલી છરી વડે તેમના માથાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. બૂમાબૂમ સાંભળીને દોડી આવેલા યુવકના ભાઈ અને બહેને વચ્ચે પડીને તેનો બચાવ કર્યો હતો, પરંતુ હુમલાખોર સન્ની પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સેવક કુમારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર: બાળકોના ઝઘડાને શાંત કરાવતા યુવક પર તલવારથી હુમલો
ગોમતીપુર વિસ્તારમાં બાળકોના ઝઘડાને શાંત કરવા ગયેલા એક યુવક પર તલવારથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. રાતે સાડા દસ વાગ્યાના સુમારે મોહમ્મદ હુસેન શેખ ઘરની બહાર ચાલીમાં ઝઘડી રહેલા બાળકોને આવું ન કરવા સમજાવી રહ્યા હતા, ત્યારે બબલુ ભાઈના ભત્રીજાએ તું છોકરાઓને કેમ રમવા નથી દેતો તેમ કહીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાત વણસતા ઉશ્કેરાયેલા આ શખ્સે પોતાના ઘરમાંથી તલવાર લાવીને મોહમ્મદ હુસેન પર હુમલો કરી દીધો હતો. જોકે, પોતાનો બચાવ કરવા જતા તેમને ડાબા હાથના પંજા પર ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




