Agochar Vishwa

ગાર્ગી - યાજ્ઞાવલ્ક્ય સંવાદ : અક્ષર બ્રહ્મની સંકલ્પના અને ભૌતિકવિજ્ઞાન

By GS Team
28 Nov 20264 mins read
ગાર્ગી - યાજ્ઞાવલ્ક્ય સંવાદ : અક્ષર બ્રહ્મની સંકલ્પના અને ભૌતિકવિજ્ઞાન
  • અગોચર વિશ્વ-દેવેશ મહેતા
  • યાજ્ઞાવલ્ક્ય મુનિ કહે છે કે આ અક્ષરના નિયમ (પ્રશાસન)થી સૂર્ય અને ચંદ્ર એમની કક્ષાઓમાં ટકી રહે છે. સમય (નિમેષ, દિવસો, ઋતુઓ) ચાલે છે અને નદીઓ વહે છે…

પ્રા ચીન ભારતના વૈદિક અને ઉપનિષદ કાળના ભારતીય તત્વદર્શનના સૌથી તેજસ્વી બ્રહ્મવાહિની વિદ્વાનોમાં મહર્ષિ યાજ્ઞાવલ્ક્ય અને વિદુષી ગાર્ગી અગ્રગણ્ય સ્થાને રહેલા છે. ઋષિ વાચકનુના પુત્રી અને ઋષિ ગર્ગના વંશ સાથે સંબંધ ધરાવતા ગાર્ગી વેદો અને તત્વજ્ઞાનમાં એટલા નિષ્ણાત હતા કે મિથિલાના રાજા જનકની વિદ્વત સભામાં તેમને અગ્રસ્થાન અપાયું હતું. બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયમાં રાજા જનકની સભાનો તે ઐતિહાસિક પ્રસંગ નિરૂપિત છે, જ્યાં વિદુષી ગાર્ગીએ મહાન ઋષિ યાજ્ઞાવક્લ્ય સાથે બ્રહ્માંડના મૂળ આધાર અને અસ્તિત્વને લગતો અત્યંત ગૂઢ શાસ્ત્રાર્થ કર્યો હતો.
આ શાસ્ત્રાર્થમાં ગાર્ગીએ કાપડના વણાટના તાણા-વાણાના રૂપકનો ઉપયોગ કરી, તેમાં 'ઓતપ્રોત' શબ્દનો પ્રયોગ કરી સૃષ્ટિના અંતિમ આધારની શોધ કરી હતી. સંવાદના પ્રથમ તબક્કામાં તેમણે જળથી શરૂ કરીને ક્રમશઃ વાયુ, અંતરિક્ષ, સૂર્ય, ચંદ્ર, દેવ, ઇન્દ્ર, પ્રજાપતિ અને બ્રહ્મલોક સુધીની સૂક્ષ્મ શૃંખલા પર પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે તેઓ બ્રહ્મલોકથી પણ આગળનો આધાર તર્કથી પૂછવા લાગ્યા ત્યારે યાજ્ઞાવલ્ક્યએ તેમને એમ કહીને શાંત કર્યા કે પરમ સત્ય કેવળ શુષ્ક તર્કની સીમાથી પર છે.
તે પછી સભાના વિદ્વાનોની સંમતિ લઈ ગાર્ગી ફરી ઊભા થયા અને યાજ્ઞાવલ્ક્યને બે નિર્ણાયક પ્રશ્નોનો પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ આ બન્ને પ્રશ્નોનો ઉત્તર આપી દેશે તો બ્રહ્મવિદ્યાના શાસ્ત્રાર્થમાં કોઈ તેને હરાવી નહીં શકે. યાજ્ઞાવલ્ક્યએ તેમને તે પ્રશ્નો પૂછવા કહ્યું હતું. 'સા હોવાચ - યદૂર્ધ્વં યાજ્ઞાવલ્ક્ય દિવો યદવાક્ પૃથિવ્યા યદન્તરા દ્યાવા પૃથિવી ઇમે યદ્ભૂતં ચ ભવચ્ચ ભવિષ્યચ્ચેત્યાચક્ષતે કસ્મિંસ્તહોતં ચ પ્રોતં ચેતિ ।। સ હોવાચ - આકાશે તદોતં ચ પ્રોતં ચેતિ ।। ગાર્ગીએ કહ્યું - 'હે યાજ્ઞાવલ્ક્ય ! જે સ્વર્ગથી ઉપર છે, જે પૃથ્વીથી નીચે છે, જે આ બન્નેની વચ્ચે છે તથા જેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય કહેવામાં આવે છે તે સર્વ શેમાં તાણા-વાણાની જેમ ઓત-પ્રોત (વણાયેલું) છે ? યાજ્ઞાવલ્ક્યે ઉત્તર આપ્યો - હે, ગાર્ગી ! તે બધું આકાશમાં ઓતપ્રોત (વણાયેલું) છે.
તરત જ ગાર્ગીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વયં આ આકાશ શેમાં વણાયેલું છે? તેના ઉત્તરમાં યાજ્ઞાવલ્ક્યએ 'અક્ષર' અર્થાત્ અવિનાશી બ્રહ્મનું વર્ણન કરતાં કહ્યું કે તે તત્ત્વ ન સ્થૂળ છે ન સૂક્ષ્મ, ન નાનું છે ન મોટું. અને ઇન્દ્રિયો તથા મનની પકડથી સર્વથા પર છે. 'યાજ્ઞાવલ્ક્યએ કહ્યું - હે ગાર્ગી! બ્રહ્મજ્ઞાની પુરુષો તે તત્વને અક્ષર (અવિનાશી બ્રહ્મ) કહે છે. તે ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, ન નાનું છે, ન મોટું છે. ન તે (અગ્નિની જેમ) લાલ છે, ન (જળની જેમ) દ્રવ છે, ન તે છાયા છે, ન અંધકાર, ન વાયુ છે ન આકાશ. તે અસંગ (નિર્લેપ) રસહીન, ગંધહીન, નેત્રહીન, કાનહીન, વાણીહીન અને મનથી પર છે. તે ન અંદર છે, ન બહાર, ન તે કોઈને ખાય છે ન કોઈ તેને ખાઈ શકે છે. અર્થાત્ તે પૂર્ણતઃ અવિનાશી છે. આ ઉપરાંત યાજ્ઞાવલ્ક્યએ સમજાવ્યું કે આ અક્ષર તત્વના જ ચુસ્ત નિયમોમાં સૂર્ય અને ચંદ્રમા, નક્ષત્રો, સમગ્ર સૃષ્ટિ અને કાળચક્ર નિયમિત ચાલે છે.
ગાર્ગી અને યાજ્ઞાવલ્ક્યનો આ પ્રાચીન સંવાદ અર્વાચીન ભૌતિકવિજ્ઞાન અને બ્રહ્માંડ વિજ્ઞાન (Cosmology) ના સિદ્ધાંતો સાથે અદ્ભુત વૈચારિક સમાનતા ધરાવે છે. ગાર્ગીએ પૂછ્યું હતું કે સ્વર્ગ-પૃથ્વી અને ભૂત-વર્તમાન-ભવિષ્યકાળ શેમાં તાણાવાણાની જેમ વણાયેલા છે ? યાજ્ઞાવલ્ક્યએ જવાબ આપ્યો હતો કે આ બધું જ 'આકાશ'માં વણાયેલું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત (General Theory of Relativity) પ્રમાણે આખું બ્રહ્માંડ આકાશ-સમયના તાણાવાણાના વણાટ (Fabric of Spacetime) ના જેવું છે. સમય (ભૂત-વર્તમાન-ભવિષ્ય) અને સ્થાન (દિક્) જુદા જુદા નથી પણ એક જ બનાવટનો ભાગ છે, જેમાં બધા ગ્રહો અને આકાશગંગાઓ ટકેલી છે.
શાસ્ત્રાર્થના પ્રથમ ચરણમાં ગાર્ગી સ્થૂળ તત્વ (જળ)થી શરૂ કરીને ક્રમશઃ સૂક્ષ્મથી સૂક્ષ્મતર લોક (વાયુ, અંતરિક્ષ, સૂર્ય, બ્રહ્મલોક) તરફ આગળ વધે છે. આધુનિક પાર્ટિકલ ફિઝિક્સ પણ પદાર્થના સ્થૂળ રૂપથી સૂક્ષ્મ રૂપ તરફ જાય છે. પદાર્થથી અણુ (Molecules), અણુથી પરમાણુ (Atoms), પરમાણુથી ઉપ-પારમાણ્વિક કણ (Quarks, Electrons) અને અંતે ક્વૉન્ટમ ફિલ્ડસ. જેમ ઉપનિષદમાં કહેવાયું છે તેમ ક્વૉન્ટમ થિયરી પણ કહે છે કે બધા કણો અદ્રશ્ય ઊર્જા-ક્ષેત્રોના તરંગો માત્ર છે.
યાજ્ઞાવલ્ક્ય અનુસાર આકાશ પણ જે અંતિમ આધાર પર ટકેલું છે તે અક્ષર (અવિનાશી બ્રહ્મ) છે જે નથી સ્થૂળ કે નથી સૂક્ષ્મ, નથી નાનું કે નથી મોટું અને જે ઇન્દ્રિયાતીત છે. ભૌતિકવિજ્ઞાની આજે એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત (Unified Field Theory) ની વાત કરે છે, જે બ્રહ્માંડની બધી મૂળભૂત શક્તિઓનો એક જ સ્રોત હોય. તે ઉપરાંત ક્વૉન્ટમ વેક્યુમ/ઝીરો પોઈન્ટ એનર્જી)ની અવધારણા દર્શાવે છે. કે જેને આપણે ખાલી જગ્યા (Space/Time) સમજીએ છીએ તે વાસ્તવમાં શૂન્ય નથી, પણ ઊર્જાના એક અદ્રશ્ય અને અવિનાશી ક્ષેત્રથી ભરેલી છે, જ્યાંથી બધા કણો ઉત્પન્ન થાય છે.
યાજ્ઞાવલ્ક્ય મુનિ કહે છે કે આ અક્ષરના નિયમ (પ્રશાસન)થી સૂર્ય અને ચંદ્ર એમની કક્ષાઓમાં ટકી રહે છે. સમય (નિમેષ, દિવસો, ઋતુઓ) ચાલે છે અને નદીઓ વહે છે. એટલે કે એક અદ્રશ્ય મૂળ સિદ્ધાંત આખા બ્રહ્માંડને અરાજકતાથી બચાવી વ્યવસ્થામાં બાંધી રાખે છે. ક્વૉન્ટમ ફિઝિક્સ પણ કહે છે - 'બ્રહમાંડનું અસ્તિત્વ અને સ્થિરતા કેટલાક અત્યંત સૂક્ષ્મ અને અપરિવર્તનીય ભૌતિક સ્થિરાંકો (Fundamental Constants) જેમકે ગુરૂત્વાકર્ષણ સ્થિરાંક, પ્રકાશની ગતિ) પર ટકેલી છે. જો એમનામાં નાનો અમથો કે સૂક્ષ્મ જેટલો પણ ફેરફાર થઈ જાય તો પરમાણુ તૂટી જાય અને ગ્રહ કે તારાનું નિર્માણ ના થાય, પદાર્થોની રચના પણ ના થાય. યાજ્ઞાવલ્ક્યની આ વાત ગુરૂત્વાકર્ષણ અને ખગોળવિજ્ઞાનના અટલ નિયમોનો નિર્દેશ કરે છે. આમ, ગાર્ગી અને યાજ્ઞાવલ્ક્યના સંવાદમાં ભૌતિકવિજ્ઞાનના અનેક સિદ્ધાંતોના સંકેતો જોવા મળે છે.