જંગલમાં ચારેબાજુ આંદોલનો વધતાં રાજા સિંહ ટેન્શનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- કોકરોચ કચવાટિયો બંજર-ગંજરના મેદાનમાં રાજા સિંહ સામે મોરચો માંડીને બેઠો હતો. બીજી તરફ સિંહ સમર્થિક મુખ્યમંત્રી ગોધા ગપ્પાબાજના જંગલમાં પણ આંદોલન શરૂ થયું…
'મહારાજ! હિસાબ સરભર…' રાજા સિંહ સમર્થિત મુખ્યમંત્રી ગોધા ગપ્પાબાજના જંગલમાં તિમોર હરણે વિપક્ષના નેતા સસલાભાઈના કહેવાથી વિદ્યાર્થી આંદોલન શરૂ કર્યું એ પછી સસલાભાઈએ રાજા સિંહ એક વખત વાંચી શકે એ રીતે મેસેજ કર્યો. રાજા સિંહે સસલાના સમર્થનથી મુખ્યમંત્રી બનેલા ઝરખ ઝટપટના જંગલમાં વિદ્યાર્થી નેતા પાડા પીંજણને મેદાનમાં ઉતાર્યો હતો. આ રીતે સામસામા આંદોલન વધતાં જંગલમાં બીજા સ્થળોએ પણ આંદોલનોએ વેગ પકડયો હતો. જંગલમાં મોટાભાગના વિસ્તારોમાં રાજા સિંહની પાર્ટી મુખ્યમંત્રીઓ જ રાજ કરતા હતા. જો બધે આંદોલન થવા માંડે તો એનાથી સિંહના દરબાર નજીક બંજર-ગંજરના મેદાનમાં આંદોલન કરી રહેલો કોકરોચ કચવાટિયો વધારે મજબૂત બનતો જાય.
'આજે જ હું રાજા સિંહના દરબાર સુધી માર્ચ કાઢીશ.' આ બધા વચ્ચે એકાએક કોકરોચ કચવાટિયાએ જાહેરાત કરી, 'આપણાં શાન દીપડા સરને રાજા સિંહની સરકાર ઉઠાવી ગઈ તેના વિરોધમાં અને શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલના રાજીનામાની માગણી સાથે માર્ચ થશે.'
માર્ચની વાતથી જંગલના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ હતો. આંદોલનનું લાઈવ સ્ટ્રીમિંગ પણ શરૂ થયું. કોકરોચ કચવાટિયાની આ જાહેરાતથી રાજા સિંહની સરકાર દોડતી થઈ ગઈ. સુરક્ષા વ્યવસ્થાની બધી જ તૈયારી હોવા છતાં જે રીતે આંદોલનમાં જંગલના વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા એ જોઈને કંઈ નવાજૂની થવાનો ડર હતો.
કોકરોચ કચવાટિયાની જાહેરાત થયા પછી ગોધા ગપ્પાબાજના જંગલમાં તિમોર હરણે માર્ચ કાઢવાની જાહેરાત કરી. ગોધા ગપ્પાબાજે તુરંત રાજા સિંહને ફોન કરીને મદદ માંગી, 'મહારાજ! મગર માથાભારેની સુરક્ષા ટીમને તુરંત મોકલો. નહીંતર તિમોર હરણ કાબૂમાં નહીં રહે. મગર દરિયાના પ્રદૂષિત પાણીનો મારો ચલાવશે તો જ તિમોર હરણને દૂર રાખી શકાશે.'
મગર માથાભારેની આખી તાલીમબદ્ધ માથાભારે ટીમ કોકરોચ કચવાટિયાને રોકવા માટે તૈનાત થઈ હતી. મગરની ટીમને પ્રદર્શનકારીઓ પર પ્રદૂષિત પાણીનો મારો ચલાવવાથી લઈને પંખીઓ પર ઝેરી વાયુ છોડવા સુધીનું કામ સોંપાયું હતું. જો એને હટાવી દેવામાં આવે તો અંધાધૂંધી થઈ જાય. સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાની કેટ કમાન્ડોની ટુકડીએ તો પહેલાંથી કહી દીધું હતું કે કોકરોચની સાથે એટલા બધા જંગલવાસીઓ આવી ગયા છે કે અમે તેને રોકી શકીએ તેમ નથી.
રાજા સિંહના ટેન્શનનો પાર ન રહ્યો. કોકરોચને રોકવામાં ન આવે તો એ સિંહના દરબાર સુધી પહોંચી જાય. ગોધા ગપ્પાબાજની મદદ કરવી પણ જરૂરી હતી. રાજા સિંહ વિચારમાં પડી ગયા. અચાનક સિંહને સલાહકાર રીંછભાઈની વાત યાદ આવી, 'પ્રદર્શનકારીઓ વચ્ચે આપણી ટીમ ગોઠવી દીધી છે. બંદરસમાજની યુવા પાંખનો પ્રમુખ બબલુ બંદર મારા કહેવાથી જ બંજર-ગંજર પહોંચ્યો છે. આંદોલનકારીઓ આગળ વધશે કે અવળચંડા વાંદરાઓ ઉત્પાત મચાવી દેશે. તકનો લાભ લઈને કેટ કમાન્ડોઝ બધા વિદ્યાર્થીઓને ઝૂડી નાખશે.'
'આ કરવા જેવું છે. વાંદરાઓ તોફાન કરે તો બધા આંદોલનકારીઓએ તોફાન કર્યા છે એવું સાબિત કરીને બળપ્રયોગ કરવામાં વાંધો નહીં આવે.' સિંહે મનોમન પ્લાન ઘડીને રીંછને ફોનમાં જાણકારી આપી. નક્કી થયા પ્રમાણે જ રીંછે બબલુ બંદરને સૂચના આપી દીધી.
થોડીવાર પછી કોકરોચ કચવાટિયો બંજર-ગંજરના મેદાનથી અનેક પ્રદર્શનકારીઓ સાથે રાજા સિંહના દરબાર સુધી જવા નીકળી ગયો. થોડું ચાલ્યો હશે કે કોકરોચ સમાજના ઉપપ્રમુખ વંદા વખારીએ ઉતાવળે આવીને જાણકારી આપીઃ 'વાંદરાઓ અને કેટ કમાન્ડો વચ્ચે માથાકૂટ થઈ છે. વાંદરાઓના હુમલા પછી કેટ કમાન્ડોઝ બધા પ્રદર્શનકારીઓ પર તૂટી પડયા. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હવે હિંસક બની ગયું છે.'
આ જ વ્યૂહ ગોધા ગપ્પાબાજના જંગલમાં પણ અપનાવાયો હતો. તિમોર હરણ સાથે જોડાયેલા કેટલાય પ્રદર્શનકારીઓએ હિંસા કરતાં મામલો વધી ગયો હતો. આ વાત સાંભળીને રાજા સિંહ ખુશ થયા. 'જંગલ ન્યૂઝ'માં હસીના હરણીએ પ્રદર્શનકારીઓએ કેવી રીતે કેટ કમાન્ડોઝને નિશાન બનાવ્યા તે બતાવ્યું એટલે જંગલવાસીઓમાં વિરોધ કરનારાઓ સામે આક્રોશ હતો.
પણ ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે વિદ્યાર્થી નેતા પ્રીત પારેવડાએ બબલુ બંદર અને રીંછભાઈની ગુપ્ત મુલાકાતનો વિડીયો પોસ્ટ કર્યો. તેનાથી ગણતરીની મિનિટોમાં ફરીથી માહોલ કોકરોચ કચવાટિયાની તરફેણમાં બની ગયો. જંગલવાસીઓએ રીંછભાઈને જ સવાલો પૂછવાનું શરૂ કર્યું. આ બધી ઘટનાઓ એટલી ઝડપથી બની કે રાજા સિંહ પાસે પણ વિચારવાનો સમય ન રહ્યો. આખરે તેમણે શિક્ષણમંત્રી કાચિંડા કાંટાવાલાને ફોન કર્યો.
થોડીવાર પછી જંગલના સોશિયલ મિડીયામાં લાઈવ થઈને કાચિંડા કાંટાવાલાએ જાહેરાત કરીઃ 'હું જંગલમાં થયેલા પેપરલીકની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપું છું. શાન દીપડાને પણ છોડી મૂકાયો છે. એ હમણાં જ બંજર-ગંજર પહોંચી જશે.'
જંગલમાં આ ન્યૂઝ વાયરલ થઈ ગયા. કોકરોચ કચવાટિયાએ તાત્કાલિક અસરથી આંદોલન સમેટી લેવાની જાહેરાત કરતા કહ્યું, 'રાજા સિંહે અમારી માંગણી સ્વીકારી લીધી હોવાથી આંદોલન પૂરું થાય છે…'
પણ આ માત્ર કરવા ખાતર થયેલી જાહેરાત હતી. કોકરોચ કચવાટિયો આંદોલન પૂરું કરવાનો ન હતો. તે નવા મુદ્દા સાથે ફરી આવવાનો હતો… સિંહને ભીંસમાં લેવા તેણે નવા મુદ્દાની તલાશ શરૂ કરી દીધી હતી…




