આશીર્વાદ ન મળે તો જંગલવાસીઓ પાસે જઈને ઉઘરાવી લોઃ સિંહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં રાજા સિંહનો જન્મદિવસ 'ભવ્ય સાદગી' સાથે ઉજવાયો. આશીર્વાદનો દીવડો પ્રગટાવવા માટે સિંહ સમર્થકોએ ભારે
મહેનત આદરી…
'મારા વહાલા કાર્યકરો, મારો જન્મદિવસ ઉજવવાનો આપ સૌનો ઉત્સાહ મને નવી ઉર્જા આપે છે. મને લાગે છે કે હું તમારી ઉર્જા મેળવીને વધુ યુવાન થઈ રહ્યો છું. તમારા સૌના અવિરત પ્રેમથી મને જંગલની સતત સેવા કરવાનું બળ મળે છે. જે હું વર્ષોવર્ષ કરવા માંગું છું.' રાજા સિંહે પાર્ટીના કાર્યકરોને સંબોધીને આગળ ચલાવ્યું, 'હું રાજા બન્યો ત્યારથી આ જંગલની આન-બાન-શાનમાં વધારો થયો છે. પહેલાં આ જંગલ અંધકારયુગમાં જીવતું હતું. મેં જંગલને રોશનીથી ઝળાંહળાં કરી દીધું છે. હજુ પણ આપણે સૌએ મળીને આ જંગલને નવી ઊંચાઈએ લઈ જવું છે. મારે 'વિકસિત જંગલ'ના સંકલ્પને સાકાર કરવો છે.'
રાજા સિંહનો જન્મદિવસ આવતો તે સાથે જ જંગલમાં વિવિધ પ્રકારની ઉજવણીઓ શરૂ થઈ જતી. રાજા સિંહે જન્મદિવસને થોડા દિવસની વાર હતી તે પહેલાં ખાસ તેમની પાર્ટીના કાર્યકરો સાથે બેઠક બોલાવી હતી. જંગલના ખૂણે ખૂણેથી કાર્યકરો રાજા સિંહના આદેશથી આવી ગયા હતા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાથી લઈને ચૂંટણી વખતે ડોર-ટુ-ડોર પ્રચાર કરી ચૂકેલો કાર્યકર વરુ વિસ્તારક, ઓનલાઈન પોસ્ટ મૂકતો બૌદ્ધિક કાર્યકર હોલો હઠીલો, હવાઈ પ્રચારની જવાબદારી સંભાળતો કાગડો કંકાસિયો, મારપીટમાં જરૂર પડયે વિપક્ષી કાર્યકરો પર ભારે પડતો પાડો પંચાતિયો જેવા કાર્યકરો આગલી હરોળમાં બેસીને રાજા સિંહનું ભાષણ ભાવપૂર્વક સાંભળતા હતા. તેમની આંખોમાંથી છલકાતો અહોભાવ આખાય કાર્યક્રમમાં વેરાતો હતો.
રાજા સિંહે ભાષણ આગળ વધાર્યું, 'હું તો સેવા કરવામાં માનું છું. જન્મદિવસની ઉજવણીમાં ખાસ માનતો નથી…'
'તમારી ઈચ્છા ન હોય તો આપણે ઉજવણી નહીં કરીએ મહારાજ… તમે આજ્ઞા આપો એમ જ થશે…' કાર્યકરો વચ્ચેથી કોઈ ઉત્સાહી કાર્યકરનો અવાજ આવ્યો. તેને સાંભળ્યું ન સાંભળ્યું કરીને રાજા સિંહે વાત આગળ વધારી, 'હું ઉજવણીમાં ભલે માનતો નથી, પરંતુ આપ સૌની લાગણીને માન આપીને અને મારા અંગત રાજકીય સલાહકાર રીંછભાઈના આગ્રહને સ્વીકારીને મેં ઉજવણી કરવાની છૂટ આપી છે.' રાજા સિંહની આ જાહેરાતથી તાળીઓનો ગડગડાટ થયો. 'વંદે જંગલમ્… જંગલ માતા કી જય… રાજા સિંહ અમર રહે…' એવા નારા ઉઠયાં. શોર શમ્યો પછી રાજા સિંહે કહ્યું, 'તમે સૌ જો મારા જન્મદિવસની ઉજવણી કરો તો એ સાદગીપૂર્વક કરજો. રસ્તાઓ ફૂલોથી શણગારજો. દીવડાઓ પ્રગટાવીને રોશની કરજો, આસોપાલવનાં તોરણો બાંધજો. કોઈ દાઝે નહીં એ રીતે આતશબાજી કરજો. બસ, સાદગીનું ધ્યાન રાખજો. સેવા સપ્તાહ ઉજવીને મારી વાતો જંગલવાસીઓ સુધી પહોંચાડજો. જંગલવાસીઓના આશીર્વાદ મેળવજો.'
'…પણ મહારાજ, જંગલવાસીઓ આશીર્વાદ ન આપે તો? ઘણા જંગલવાસીઓ વિરોધ કરે છે. તો શું કરવું?' પાડાકુમાર પંચાતિયાએ ઊંચા-ઘોઘરા અવાજે પૂછી લીધું.
'પાડાની વાત મુદ્દાની છે. મારા પ્યારા કાર્યકરો! જો જંગલવાસીઓ મને આશીર્વાદ ન આપે તો મારા માટે તમે સૌ જંગલવાસીઓ પાસે જઈને આશીર્વાદ ઉઘરાવો.' રાજા સિંહે કંઈક વિચાર્યું ને તુરંત ઉમેર્યું, 'હું તો કહું છું કે તમે ઘરે ઘરે જઈને આશીર્વાદનો દીવડો પ્રગટાવો. આ કેમ્પેઈનને હું 'આશીર્વાદનો દીવડો' એવું નામ જ આપી દઉં છું. તમે આ નામથી મારા જન્મદિવસની ઉજવણી કરો.'
રાજા સિંહ ભાષણ પૂરું કરીને રવાના થયા. એ પછી આંતરિક મંત્રાલય સંભાળતા અને રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈએ કાર્યકરો સાથે મીટિંગ કરીને આખાય આયોજનની રૂપરેખા જણાવી દીધી. રાજા સિંહના જન્મદિવસની ઉજવણીમાં કોઈ કસર રહી ન જાય તેવા સંકલ્પ સાથે સૌ કાર્યકરો રવાના થયા.
રાજા સિંહના જન્મદિવસે વહેલી પરોઢથી જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. આસોપાલવના વૃક્ષોમાં જેટલાં પાંદડાં હતાં એ બધાં જ તોડીને બનાવાયેલાં તોરણો જંગલમાં ચારેબાજુ ઝૂલી રહ્યાં હતાં. જંગલના બધા જ બગીચાઓમાંથી ચૂંટેલાં ફૂલો રસ્તાઓ પર ચારેબાજુ બિછાવી દેવાયાં હતાં. તે એટલે સુધી કે મંદિરોમાં ચડાવવા જેટલાં ફૂલ પણ ક્યાંય દેખાતા ન હતાં. સૂર્યનો પ્રકાશ હોવા છતાં દીવડાઓ પ્રગટી ચૂક્યા હતા. આતશબાજીની પણ પૂરી વ્યવસ્થા થઈ ગઈ હતી.
સિંહ સમર્થકોએ 'આશીર્વાદનો દીવડો' કેમ્પેઈન શરૂ કરી દીધું. જંગલમાં ઘરે ઘરે જઈને સિંહના સમર્થકો રાજા સિંહ માટે આશીર્વાદ મેળવતા હતા. ઘણા જંગલવાસીઓને ખબર પડતી ન હતી કે એમ દૂરથી રાજા સિંહને આશીર્વાદ કેવી રીતે આપવા? તેઓ દલીલ કરતાં, તો પાડાકુમાર પંચાતિયા જેવા કાર્યકરો ડોળા કાઢીને તેને આશીર્વાદ આપી દેવાનું જણાવતા હતા. આ રીતે ધડાધડ આશીર્વાદ મળવા લાગ્યા. મુશ્કેલી દીવડો પ્રગટાવવાની થતી હતી. સમર્થકો થોડું ઘી અને વાટ લઈને નીકળ્યા હતા. થોડા ઘરોમાં જ એ જથ્થો પૂરો થઈ ગયો. હવે આશીર્વાદનો દીવડો પ્રગટાવવો કેવી રીતે? એ સવાલ ઉઠયો.
હોલા હઠીલાને વિચાર આવ્યોઃ 'અરે એ તો જંગલવાસીના ઘરેથી જ વ્યવસ્થા કરી લેવાની હોય.' આઈડિયા સર્વાનુમતે સ્વીકારી લેવાયો.
પછીના દિવસોમાં જંગલવાસીઓ રાજા સિંહને આશીર્વાદ પણ આપતા હતા અને દીવડો પ્રગટાવવા ઘી-વાટ પણ આપતા હતા. આ રીતે ભવ્ય સાદગીથી રાજા સિંહના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવાતો રહ્યો…




