Aapna to adhar vanka

હું ભૂખ હડતાલ કરીશ : કોકરોચના આંદોલનમાં જોડાયેલા શાન દીપડાની જાહેરાત

By GS Team
15 Jul 20264 mins read
TukuTouch Logo
જંગલમાં પેપર લીક મુદ્દે યુવા નેતા કોકરોચ કચવાટિયાએ બંજર-ગંજરના મેદાનમાં વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી હતી. પર્વતમાં રહેતા શાન દીપડાએ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરતા સેંકડો સ્ટુડન્ટ્સ કોકરોચના સમર્થનમાં ઉમટી પડ્યા. શાન દીપડાએ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરતા આંદોલન વધુ તેજ બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હું ભૂખ હડતાલ કરીશ : કોકરોચના આંદોલનમાં જોડાયેલા શાન દીપડાની જાહેરાત
  • આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
    'જંગલના વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન કરી રહ્યા હોવાથી હું પણ આંદોલનમાં જોડાઈશ.' પર્વતમાં રહેતા શાન દીપડાએ કોકરોચ કચવાટિયા અને વંદા વખારીને મેસેજ મોકલ્યો. યુવા નેતા કોકરોચ કચવાટિયાએ પેપર લીક મુદ્દે બંજર-ગંજરના મેદાનમાં વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી હતી. આંદોલન પહેલાં વંદા વખારીને સૂચન પછી કોકરોચ કચવાટિયાએ વાયદા કર્યા હતા. તેના વાયદાઓ એટલા વાયરલ થયા કે જંગલના સેંકડો સ્ટૂડન્ટ્સ કોકરોચના સમર્થનમાં આવી ગયા.
    જંગલમાં રાતોરાત કોકરોચ કચવાટિયાની તરફેણમાં માહોલ બની ગયો. 'મેં ભી કોકરોચ' લખીને કેમ્પેઈન શરૂ થયું હતું. હમારા નેતા કૈસા હો? કોકરોચ ભાઈ કે જૈસા હો…' એવા ચીલાચાલુ પણ જંગલના રાજકારણમાં અનિવાર્ય ગણાય એવા નારાઓ પણ ગૂંજવા લાગ્યા હતા. કેટલાય સમયથી પેપર લીકથી પરેશાન વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળ્યું હતું. વજન ઉઠાવવા માટે બિલકુલ જાણીતા ન હોવા છતાં એક કોકરોચ પેપર લીકનો અવાજ ઉઠાવતો હતો એનાથી જંગલની આખી યુવા જનરેશનમાં ઉત્સાહનો માહોલ હતો.
    આ બધું પારખીને શાન દીપડાએ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી. શાન દીપડો જંગલની સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરી ચૂક્યો હતો. જંગલમાં રાજા સિંહની સરકાર ચારેબાજુ વિકાસનાં કાર્યો કરતી હતી, પરંતુ પર્વતમાં વિકાસકાર્યો શરૂ થયાં તેની સામે શાન દીપડાએ મોરચો ખોલ્યો હતો. શાન દીપડાના પૂર્વજો સદીઓથી પહાડીઓમાં રહેતા હતા. તેમને મેદાની પ્રદેશોના દીપડા સમાજ સાથે પણ ખાસ બનતું નહીં. શાન દીપડા ભલા ને એમની પહાડીઓ ભલી. રાજા સિંહનાં વિકાસકાર્યોથી પહાડીઓની બ્યુટીનો નાશ થશે એવું કહીને શાન દીપડાએ તેમની જ જાતિના બીજા દીપડાઓને એકઠા કરીને આંદોલન કર્યું હતું. પહાડીઓનો રસ્તો રોકી દીધો હતો અને બધાં જ વિકાસકાર્યો અટકાવી દીધાં હતાં.
    રાજા સિંહે સ્પેશિયલ ઓપરેશનનું જ કામ પાર પાડતા સરકારી અધિકારી વાઘ વિકરાળને શાનને કાબૂમાં લેવાનું ઓપરેશન સોંપ્યું હતું. શાન દીપડો પ્રદર્શન કરતો હતો ત્યાંથી પકડીને વાઘ વિકરાળે તેને પાંજરે પૂરી દીધો. જંગલની સરકારે 'જંગલ વિરોધી ગતિવિધિ' અને 'જંગલને અસ્થિર કરવાનું ષડયંત્ર' જેવા ભારેખમ આરોપ લગાવીને કેટલાય મહિના સુધી શાન દીપડાને પાંજરામાં રાખ્યો. આખરે શાન દીપડાનું જોર ઓછું થયેલું માનીને ત્રણ-ચાર મહિના પહેલાં જ તેને પાંજરામાંથી મુક્ત કરાયો હતો.
    શાન દીપડાનો મેસેજ જોઈને કોકરોચ કચવાટિયા અને વંદા વખારીના આનંદનો પાર ન રહ્યો. શાન દીપડો સ્વયં આંદોલનમાં જોડાશે તેનાથી આંદોલનનું મહત્ત્વ વધશે. જંગલનું મિડીયા પણ શાન દીપડાના કારણે આંદોલનના સમાચારો બતાવશે. આંદોલનની વાતો સાંભળતો જંગલનો મોટો વર્ગ શાનની જાહેરાત પછી વિરોધ પ્રદર્શનોને ગંભીરતાથી લેશે એ વાત કોકરોચ કચવાટિયો જાણતો હતો. તેણે એક વિડીયો મેસેજ આપ્યોઃ 'ફ્રેન્ડ્સ! આપણાં માટે આનંદ અને ગૌરવના સમાચાર છે. લેજન્ડ પહાડી એક્ટિવિસ્ટ શાન દીપડા સર આપણા આંદોલનમાં જોડાશે. શાન સર તેમના જમાનામાં મહાન સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. એ જમાનામાં પેપર લીક થતા ન હતા. આઈએમપીની સિસ્ટમ પણ વિકસી ન હતી. એવી પરિસ્થિતિ વચ્ચે મહેનત કરીને જ પાસ થવાતું ત્યારે તેમણે માત્ર બુદ્ધિથી અઘરી પરીક્ષાઓ પાસ કરી હતી. તેમનો સપોર્ટ મળતા આપણું આંદોલન વધારે શક્તિશાળી બનશે.'
    કોકરોચ કચવાટિયો વાયદાનો વેપાર કરીને જંગલના સ્ટુડન્ટ્સમાં માહોલ બનાવી ચૂક્યો હતો. એમાં શાન દીપડાએ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી પછી તો જંગલના સ્ટુડન્ટ્સ આંદોલન કરવા ઉતાવળા બન્યા હતા. આમેય પેપર લીક થયા પછી સ્ટુડન્ટ્સ નવરા પડયા હતા. આખો દિવસ મોબાઈલ મચડવા કરતાં કંઈક એક્ટિવિટી થશે એમ વિચારીને બંજર-ગંજરના મેદાનમાં ઉમટવા લાગ્યા હતા. સ્ટુડન્ટ્સનો ઉત્સાહ જોઈને એક દિવસ કોકરોચ કચવાટિયાએ પોસ્ટ લખીઃ 'સવારે સૂર્યનું પહેલું કિરણ પડશે એ પછી તુરંત બંજર-ગંજરના મેદાનમાં આંદોલન શરૂ થશે. શાન દીપડા સર હાજર રહેશે.'
    નક્કી કરેલા સમયે જ જંગલના સેંકડો સ્ટૂડન્ટ્સ બંજર-ગંજરના મેદાનમાં ઉમટી પડયા. કોકરોચ કચવાટિયા અને વંદા વખારીએ સ્ટૂડન્ટ્સને ઉત્સાહિત કરવા સૂત્રોચ્ચારો કર્યો ઃ 'નહીં સહેંગે નહીં સહેંગે… પેપર લીક હમ નહીં સહેગેં… ઈસ્તીફા દે ઈસ્તીફા દે.. કાચિંડા કાટાવાલા ઈસ્તીફા દે… બંધ કરો બંધ કરો… પેપર લીક કૌભાંડ બંધ કરો… નીંદ સે જાગો… નીંદ સે જાગો. રાજા સિંહ તુમ નીંદ સે જાગો…'
    આખાય બંજર-ગંજરના મેદાનમાં નારા ગૂંજી ઉઠયા. કેટલાય દિવસે ઘાંટા પાડવાની તક મળી હતી એટલે બધા જ પ્રદર્શનકારી સ્ટુડન્ટ્સ ગળું ફાડીને અવાજો કાઢતા હતા. નારો તો છેક સિંહના દરબાર સુધી પહોંચતો હતો.
    બરાબર એ જ વખતે શાન દીપડો પણ આવી ગયો. 'શાન સર હમારી શાન હૈ…' એવા નારો લગાવીને સૌએ એનું સ્વાગત કર્યું. ફુલનો હાર પહેરાવીને શાન દીપડાનું સ્વાગત કરાયું. તેના વિશે ઘણી સારી વાતો કોકરોચ કચવાટિયાએ કહી સંભળાવી એનાથી ફરીથી નારો લાગ્યોઃ 'શાન સર હમારી શાન હૈ!'
    આટલા સન્માનથી ગદગદ થયેલા શાન દીપડાએ જાહેરાત કરીઃ 'આપણી ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી હું બંજર-ગંજરના મેદાનમાં ભૂખ હડતાલ કરીશ!'
    આ જાહેરાતની અપેક્ષા તો કોકરોચ કચવાટિયાને પણ ન હતી…