Get The App

મગર માથાભારે અને બબ્બન બિલાડાની ઈલેક્શન ડયૂટી

Updated: May 30th, 2024


Google NewsGoogle News
મગર માથાભારે અને બબ્બન બિલાડાની ઈલેક્શન ડયૂટી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

'ચૂંટણીની બધી જ વહીવટી જવાબદારી તમારી રહેશે!'

ચૂંટણી યોજવાની જવાબદારી જેમના પર હતી એ 'ચૂંટણી પંચ' બાજ સમાજે બે ટોચના સરકારી અધિકારીઓ મગર માથાભારે અને બબ્બન બિલાડા સાથે બેઠક યોજી ત્યારે પહેલી સૂચના વહીવટી અધિકારી મગર માથાભારેને આપી હતી. 

જંગલની વ્યવસ્થા પ્રમાણે ચૂંટણી જાહેર થાય એટલે સરકારી અધિકારીઓએ 'ઈલેક્શન પંચ'ના નામથી ઓળખાતી બાજ સમાજની ખાસ સમિતિના માર્ગદર્શનમાં કામ કરવું પડતું. તેના ભાગરૂપે મગર માથાભારે અને બબ્બન બિલાડાએ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચ માટે કામ કરવાનું હતું.

'મતદાન માટે ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે. નવા મતદારોની નોંધણી, મતદાન માટે કેમ્પેઈન સહિતની બધી જ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.' મગર માથાભારેએ ચૂંટણી પંચને પ્રભાવિત કરવા ૧૫ પાનાનો રિપોર્ટ જમા કરાવતી વખતે કહ્યું હતું.

'કોઈ મતદાર મતદાનના અધિકારથી વંચિત ન રહે તે ખાસ જોજો. નાની-નાની બાબતોમાં ફરિયાદ ન આવવી જોઈએ. વિપક્ષના નેતાઓ સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા વગેરે ચૂંટણી વ્યવસ્થાની ટીકા કરે એવું ન કરશો. મતદાનની વ્યવસ્થામાં કોઈ ગરબડ થાય તે ચલાવી લેવાશે નહીં!' બાજ સમાજે મગર માથાભારેને ખાસ તાકીદ કરેલી.

'હું કોઈ કસર નહીં છોડું. મારાથી બનતી બધી મહેનત કરીશ!' મગર માથાભારેએ ખાતરી આપતાં કહ્યું હતું. 

એના રિપોર્ટ પર વિગતવાર ચર્ચા કર્યા બાદ ચૂંટણી પંચે બબ્બન બિલાડાને સૂચના આપવાનું શરૂ કરી દીધું હતું. 

***

'બૂથ પર પ્રાણી-પંખીઓ વિઘ્ન વગર મતદાન કરી શકે અને સુરક્ષામાં કોઈ ગરબડ ગોટાળા ન થાય એ જોવાનું કામ તમારું રહેશે!' ચૂંટણી પંચ બાજ સમાજે સરકારી અધિકારી બબ્બન બિલાડાને આદેશ આપ્યો. 

'જી! આપ બિલકુલ ચિંતા ન કરો. ઈલેક્શનની વ્યવસ્થામાં કોઈ જ બાંધછોડ નહીં થાય.' બબ્બન બિલાડાએ કોન્ફિડન્સથી કહી દીધું.

'જંગલમાં પ્રચાર દરમિયાન શાંતિ જળવાય રહે તે માટેય તમારે અલગ ટીમ તૈનાત કરવી પડશે!' ઈલેક્શન પંચે વધુ એક સૂચના આપી હતી.

'મેં જંગલની સુરક્ષા માટે જુદી ટીમ બનાવી છે. મતદાન મથકોએ સુરક્ષા જળવાય તે માટે પણ અલગ ટૂકડી તૈયાર કરી છે. બધું બરાબર ગોઠવાઈ જશે.' બબ્બન બિલાડાએ ચૂંટણી વખતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો જે અહેવાલ આપ્યો તેનાથી ચૂંટણી પંચને સંતોષ થયેલો.

ચૂંટણીને લગતી મહત્ત્વની સૂચનાઓ આપીને ચૂંટણી પંચે મગર માથાભારે અને બબ્બન બિલાડા સાથેની બેઠક પૂરી કરી હતી.

***

મગર માથાભારે વહીવટી અધિકારી હતો. જંગલની સરકારમાં મહારાજા સિંહ બધા જ મહત્ત્વનાં કામ, મહત્ત્વની યોજનાઓની જવાબદારી એને જ સોંપતા. બીજી તરફ બબ્બન બિલાડો જંગલની સરકારમાં સુરક્ષા વિભાગનો વડો હતો. મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈનો એ માનીતો અધિકારી હતો. બંને અધિકારીઓ રાજા સિંહના ખાસ ગણાતા હતા. તેની તટસ્થતા પર પણ ઘણાં સવાલો ઉઠતા હતા.

બાજ સમાજને એ વાતની બરાબર ખબર હતી, છતાં ચૂંટણી વખતે વહીવટી કામ વહીવટી અધિકારી પાસે અને સુરક્ષાને લગતું કામ સરકારના સુરક્ષા અધિકારી પાસે જ કરાવવું પડતું. વર્ષોથી આ વ્યવસ્થા હતી એટલે કામ કરાવ્યા વગર છૂટકો ન હતો.

મગર માથાભારેએ બધા જ સરકારી કર્મચારીઓમાંથી પસંદ કરીને ઘણાને મતદાર યાદી અપડેટ કરવાનો ટાસ્ક સોંપ્યો. ઘણાને મતદાન મથક પર જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કામ સોંપ્યું. મતદાનમાં જેટલી વહીવટી બાબતો હોય એ બધાનાં કામની વહેંચણી કરીને વહીવટી વિભાગના વડા મગર માથાભારેએ ચૂંટણી પંચને અહેવાલ મોકલી આપ્યો. 

તો બીજી તરફ બબ્બન બિલાડાએ તાલીમબદ્ધ બિલાડાઓની એક સુરક્ષા ટીમ બનાવી હતી. કમાન્ડોની તાલીમ મેળવી ચૂકેલા જે બિલાડા ધારદાર નહોરથી પ્રહાર કરી શકતા હતા તેમને દરેક મતદાન મથકની જવાબદારી સોંપાઈ હતી. જેમની સાધારણ ટ્રેનિંગ થઈ હતી તેમને પ્રચાર વખતે જંગલમાં સુરક્ષા જાળવવાની ડયૂટી મળી હતી.

***

ચૂંટણીના પ્રચાર વખતે મહારાજા સિંહની રેલી કે સભામાં તો સુરક્ષાનો કોઈ પ્રશ્ન નહોતો ઉઠયો, પરંતુ વિપક્ષી નેતા સસલાભાઈની રેલીમાં અવ્યવસ્થા થયેલી. એ મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો, પરંતુ બબ્બન બિલાડાએ એ તરફ ખાસ ધ્યાન આપ્યું હતું.

મતદાનના દિવસે મતદાન મથકોમાં કેટલાય મતદારોનાં નામ નીકળી ગયાની ફરિયાદ ઉઠી હતી. મતદારોએ બાજ સમાજને રજૂઆત કરી કે તેમનાં નામ મતદાર યાદીમાંથી અચાનક ગાયબ થઈ ગયાં. ચૂંટણી પંચે વહીવટી અધિકારી મગર માથાભારેને પૂછ્યું તો જવાબ મળ્યોઃ અમે નવી મતદાર યાદીનો પ્રોગ્રામ ચલાવ્યો ત્યારે આ જંગલવાસીઓએ ધ્યાન આપ્યું નહીં.

મતદાનના દિવસે ઘણા સમાજના મતદારો અને સુરક્ષા કર્મચારી બિલાડાઓ વચ્ચે ઘર્ષણ થયાની ઘટનાઓ પણ બની. બબ્બન બિલાડાએ બચાવ કર્યો કે સુરક્ષા માટે જરૂરી હતું એટલે તોફાની જંગલવાસીઓને મતદાન મથકેથી હાંકી કાઢ્યા હતા.

મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ 'જંગલ ન્યૂઝ'ને બાઈટ આપી એમાં સનસનીખેજ આરોપ લગાવ્યો ઃ 'રાજા સિંહના વિરોધી મતદારોના નામ મતદાર યાદીમાંથી ભેદી રીતે નીકળી ગયા. સિંહનો વિરોધ કરતા હતા એવા મતદારોને સુરક્ષા અધિકારીઓએ મતદાર મથકેથી ભગાડી મૂક્યા.'

એ આરોપ પર ધ્યાન આપ્યા વગર મગર માથાભારે, બબ્બન બિલાડાએ સંયુક્ત નિવેદન આપ્યુંઃ જંગલમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ હતી.


Google NewsGoogle News