For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી દરમિયાન ઝેરની ડિમાન્ડ વધતા સર્પસમાજનો ડોનેશન કેમ્પ

Updated: Apr 18th, 2024

ચૂંટણી દરમિયાન ઝેરની ડિમાન્ડ વધતા સર્પસમાજનો ડોનેશન કેમ્પ

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ચૂંટણીમાં એકબીજા સામે ભાષણોમાં ઝેર ઓક્યા વિના નેતાઓને ચાલે નહીં. ઝેરનો બધો જ જથ્થો ગણતરીના દિવસોમાં જ પૂરો થઈ જતાં નવું ઝેર એકઠું કરવાની મથામણ શરૂ થઈ....

જંગલમાં ચૂંટણી નજીક આવી. ઉમેદવારો જાહેર થઈ ગયા. પૂરજોશમાં પ્રચાર ચાલતો હતો. જીતવા માટે બધા જ ઉમેદવારો રાત-દિવસ મહેનત કરતા હતા. મહેનત તો શું? ભાષણો કરતા હતા. જીતવા માટે મતદારોને વાયદાઓ આપવાની પરંપરા તો વર્ષો જૂની હતી. દરેક વખતે વાયદા થાય. દરેક વખતે વાયદા તૂટે. નવી ચૂંટણી આવે, નવા વાયદા થાય.

નેતાઓના વાયદાઓને મતદારો બહુ ગંભીરતાથી લેતા નહીં. મતદારો વાયદાઓને ગંભીરતાથી લેતા નથી એ વાત નેતાઓ પણ સમજતા હતા. પરંપરા પ્રમાણે ભાષણની શરૂઆતી મિનિટોમાં વાયદાઓ કર્યા બાદ નેતાઓ મૂળ વાત પર આવી જતા. ને મૂળ વાત હતી - આરોપો લગાવવા, એકબીજાને નીચા દેખાવડા, ગમે તેમ બોલવું, જૂઠાણાં ચલાવવા, ઝેર ઓકવું.

ચૂંટણીમાં દરેક નેતાઓ પોતપોતાનો ઝેરનો હિસ્સો સ્ટોકમાં રાખી મૂકતા. ટિકિટ મળવાની શક્યતા હોય એ નેતાઓ મહિનાઓથી ઝેર એકઠું કરીને ભાષણમાં ક્યાં, કેવી રીતે ઓકવું એની વિચારણા કરતા. ઘણી પાર્ટીઓ જ ઉમેદવારો માટે ઝેરની વ્યવસ્થા કરતી હોય છે. અમુક પાર્ટી તો ઝેર એકઠું કરવા માટે માઈક્રોપ્લાનિંગ કરતી હોય છે. સાપોને સમજાવીને ડોનેશન કેમ્પો યોજીને વરસ અગાઉ ઝેરનો જથ્થો જમા કરી લેતી. એમાં વળી ગુણવત્તાનું પણ ખાસ ધ્યાન અપાતું.

મહારાજા સિંહે તો ઝેરનું મહત્ત્વ સમજીને પહેલી વખત બજેટમાં વિશેષ જોગવાઈ કરી હતી. સાપસમાજને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે રાજા સિંહ એવી યોજનાઓ લાવ્યા હતા કે જે સાપો નિયમિત ઝેર ડોનેટ કરે તેને ઘર બનાવવામાં આર્થિક મદદ મળશે. વળી, ઝેર ઉછેર કેન્દ્રોની યોજનાને પણ સારો પ્રતિભાવ મળ્યો હતો. રાજા સિંહની પાર્ટીના ઘણા નેતાઓએ ઝેર ઉછેર કેન્દ્રો શરૂ કર્યા હતા. એમાં સાપોનું ઝેર વધે તે માટે પ્રયાસો થતા હતા. એ ઝેર કાઢી લઈને સરકારને આપી દેવામાં આવતું. સરકારે એવી વ્યવસ્થા ગોઠવી હતી કે દરેક પાર્ટીને સભ્યસંખ્યા પ્રમાણે ચૂંટણી પહેલાં સસ્તા ભાવે ઝેર મળતું હતું. સભ્યસંખ્યા વધુ હોવાથી એમાં ફાયદો સિંહની પાર્ટીને જ વધુ થતો. વિપક્ષના નેતા સસલાભાઈ અને મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ આ વ્યવસ્થા સામે વારંવાર વાંધો ઉઠાવ્યો હતો ને રજૂઆત કરી હતી કે અમારી પાર્ટીને જોઈએ એટલો ઝેરનો જથ્થો મળતો નથી, પરંતુ તેમની રજૂઆતને ધ્યાનમાં લેવાઈ ન હતી.

દરેક ચૂંટણી પહેલાં ઝેરનું વિતરણ થતું, પણ ચૂંટણીમાં એટલો જથ્થો પૂરો પડતો નહીં. બધી જ પાર્ટીઓ પોત-પોતાની રીતે ખાનગી કંપનીઓ પાસેથી ઝેરનો જથ્થો મેળવતી. એટલુંય પૂરતું નહોતું, ઉમેદવારો એમની રીતે વ્યવસ્થા કરતા. આટઆટલી વ્યવસ્થા છતાં ચૂંટણી માથે હતી ત્યારે જ ઝેરની અછત સર્જાઈ ગઈ. ભાષણોમાં શરૂઆતથી ઝેરનો વ્યાપક ઉપયોગ જોઈને ઘણાં ઈલેક્શન એક્સપર્ટ કહેવા માંડયા હતા: 'આ વખતે ઝેરની ડિમાન્ડ વધવાની છે.'

અધૂરામાં પૂરું ઉનાળામાં આખો સર્પસમાજ ગરમીથી ત્રાસી ગયો હોય એટલે તેમને ડોનેશન-બોનેશન માટે સમજાવવાનું કામ કપરું હતું. એક તો એમને ઠંડક મળે નહીં એટલે ઠંડા-વિસ્તારોમાં જઈને શાંતિથી ઉનાળુ વેકેશન પસાર કરવું હોય. એમાં જો ડોનેશન માટે બોલાવવામાં આવે તો એ વધુ ચિડાઈ જાય. વિદેશી જંગલોમાંથી ય ઝેર આયાત કરી શકાય, પણ આ વખતે મુશ્કેલી બધે સરખી જ હતી. વિદેશી જંગલોમાંય ચૂંટણીઓ નજીક આવતી હતી એટલે ઝેરનો ભાવ ભારે ઊંચો હતો.

આવી સ્થિતિમાં બધાને ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડો યાદ આવ્યો. ગુલામદાસ તક જોઈને કોઈ પણ બિઝનેસમાં ઝંપલાવતો હતો. તેણે ઝેરની ડિમાન્ડ પૂરી કરવાનું બીડું ઝડપ્યું. નોળિયાઓની ટોળીને સાપોની શોધખોળનું કામ સોંપ્યું. સાપો મળે એને સમજાવીને, વળતર આપીને ડોનેશન માટે કહેવાતું. ન માને તો ધમકી આપીને કે બળજબરીથી પણ ઝેર કાઢી લેવાતું. સાપોની વિવિધ જાતિઓ - કોબ્રા, ક્રેટ, વાઈપરને સમજાવીને ઠેર-ઠેર ઝેરદાન કેમ્પો યોજાયા. 'ઝેરનું દાન કરો, ચૂંટણીમાં યોગદાન કરો', 'વિષ તમારું, ભાષણ અમારું' જેવાં સૂત્રો બનાવીને જાગૃતિ ઝુંબેશ ચલાવાઈ. આ બધાની ધારી અસર થઈ. ઝેરનો જથ્થો મળવા માંડયો એ બધો નેતાઓ સુધી પહોંચવા માંડયો.

નેતાઓ ભાષણોમાં છૂટથી ઝેર ઓકવા માંડયા એ જોઈને મતદારોને પણ કિક વાગતી હતી. મતદારોને ઝેર વગરનાં ભાષણો ફિક્કા લાગતા. ભાષણમાં ઝેર ન હોય એવા નેતાઓ ચૂંટણીમાં હારી જાય તો કોઈને નવાઈ થતી નહીં. એક નેતા ચૂંટણી પ્રચારમાં અન્ય નેતાઓ વિશે ઝેર ઓકતાં ભાષણો કરી ન શકે તો પોપ્યુલર પણ થતા નહીં. જંગલના મતદારોમાં આક્રમક નેતાની ઈમેજ જાળવી રાખવા ભાષણોમાં ઝેર ઓકવું જરૂરી હતું. જંગલમાં ઝેરીલા નેતાઓના દબદબાનો યુગ શરૂ થયો છે. બિનઝેરી નેતાઓનો યુગ તો ક્યારનોય આથમી ચૂક્યો છે.

પણ આ બધી મથામણ નાના-મધ્યમકદના નેતાઓ-કાર્યકરોની હતી. મોટા નેતાઓને કોઈએ ઝેર ખરીદતા જોયા નહીં. કોઈએ એમને જઈને પૂછ્યું: 'તમે ભાષણમાં ઝેર કેવી રીતે લાવો છો?'

દિગ્ગજ નેતાઓ જવાબ આપતા: 'અમથા નહીં સુધી નથી પહોંચ્યા, આત્મનિર્ભર છીએ. ઝેર તો અમે જીભવગું રાખીએ છીએ!'

Gujarat